India

મ્યાનમાર સાથે જમીનની અદલા-બદલી કરી વિવાદ ઉકેલવા ભારતની વિચારણાં, મણિપુરમાં વિરોધ

By GS Team
6 Aug 20263 mins read
TukuTouch Logo
ભારત-મ્યાનમાર સરહદ વિવાદ ઉકેલવા જમીનની અદલાબદલીનો પ્રસ્તાવ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે દિલ્હીમાં જણાવ્યું કે, સરહદના વણઉકેલાયેલા વિસ્તારો પર વાતચીત ચાલી રહી છે. મણિપુરના ચંદેલ જિલ્લામાં 1.4 ચોરસ માઈલ જમીનની અદલાબદલીનો વિચાર છે. આનો હેતુ ઘૂસણખોરી અને સરહદ પારના ગુના રોકવાનો છે. મણિપુરમાં આ પ્રસ્તાવનો સખત વિરોધ થઈ રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મ્યાનમાર સાથે જમીનની અદલા-બદલી કરી વિવાદ ઉકેલવા ભારતની વિચારણાં, મણિપુરમાં વિરોધ
IMAGE - Wikimedia Commons

India Myanmar Border: ભારત અને મ્યાનમાર વચ્ચે સરહદ રેખા નક્કી કરવાનો વર્ષોથી પડતર રહેલો મુદ્દો ટૂંક સમયમાં ઉકેલાઈ શકે છે. અહેવાલો મુજબ, બંને દેશો એવી જમીનની અદલાબદલી કરવા પર વિચાર કરી રહ્યા છે, જેની સરહદ હજુ સુધી નક્કી થઈ શકી નથી. નવી દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે સરહદ પર કેટલાક એવા વિસ્તારો છે જે ઉકેલવાના બાકી છે અને તે હિસ્સાઓ પર હાલ વાતચીત ચાલી રહી છે.

અમેરિકન મેગેઝિન 'દ ડિપ્લોમેટ'નો દાવો અને પ્રવક્તાનું નિવેદન

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે મણિપુર સરહદે જમીનની અદલાબદલી અંગેના અહેવાલોની સીધી પુષ્ટિ કરી નથી, પરંતુ તેમણે સ્પષ્ટ કર્યું છે કે સરહદના વણઉકેલાયેલા વિસ્તારોના ઉકેલ માટે વાતચીત ચાલુ છે. તેમની આ ટિપ્પણી અમેરિકન મેગેઝિન 'દ ડિપ્લોમેટ'ના રિપોર્ટ બાદ આવી છે.

17 જુલાઈના આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારત સરકાર મણિપુર સરહદ પર આવેલ બોર્ડર પિલર 65 અને 68 વચ્ચે સીમા નક્કી કરવા માટે આશરે 1.4 ચોરસ માઈલ જમીનની અદલાબદલીના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. આ બંને પિલર વચ્ચેનું અંતર આશરે 2.8 કિલોમીટર જેટલું છે. અદલાબદલી માટે પ્રસ્તાવિત આ વિસ્તાર મણિપુરના ચંદેલ જિલ્લામાં આવેલો છે, જે મ્યાનમારના સગાઈંગ વિસ્તારની કાબાવ ઘાટીને અડીને આવે છે.

1,643 કિમી લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ

ભારત અને મ્યાનમાર વચ્ચે કુલ 1,643 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ છે, જે અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમમાંથી પસાર થાય છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ સરહદમાંથી આશરે 1,472 કિલોમીટર હિસ્સો બોર્ડર પિલર દ્વારા નક્કી થઈ ચૂક્યો છે, જ્યારે 171 કિલોમીટર હિસ્સો હજુ પણ વણઉકેલાયેલો છે. આ વિવાદ મુખ્યત્વે અરૂણાચલ પ્રદેશના લોહિત સેક્ટર અને મણિપુરની કાબાવ ઘાટીમાં છે. બંને દેશો વચ્ચે વર્તમાન સરહદ 1967ના દ્વિપક્ષીય કરાર હેઠળ નક્કી થઈ હતી.

જમીનની અદલાબદલીની જરૂરિયાત શા માટે?

અહેવાલ મુજબ, આ પ્રસ્તાવ પાછળનો મુખ્ય હેતુ સરહદ નક્કી કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવીને સમગ્ર સીમા પર ફેન્સિંગ (તારની વાડ) કરવાનો છે. જેનાથી ઘૂસણખોરી, ગેરકાયદેસર સ્થળાંતર, ઉગ્રવાદીઓની અવરજવર અને સરહદ પારના ગુનાઓને રોકી શકાશે.

વર્ષ 2024માં ભારતે આ સીમા પર વાડ લગાવવાની યોજના અને 2018થી ચાલતી 'ફ્રી મૂવમેન્ટ રિજીમ' (વિઝા વિના 16 કિમી સુધી જવાની છૂટ) સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પણ વર્ષ 2015માં 41 વર્ષ જૂનો સીમા વિવાદ ઉકેલવા 162 એન્ક્લેવની અદલાબદલી કરવામાં આવી ચૂકી છે.

મણિપુરમાં પ્રસ્તાવનો ભારે વિરોધ અને વિરોધની ચિમકી

આ પ્રસ્તાવ સામે મણિપુરમાં વિરોધના સૂર ઊઠ્યા છે. મૈતેઇ નાગરિક સંગઠનોના સંયુક્ત મંચ 'કોઓર્ડિનેટિંગ કમિટી ઓન મણિપુર ઇન્ટિગ્રીટી' (COCOMI)એ ભારત સરકારને ચેતવણી આપી છે કે રાજ્યની જમીનનો એક નાનો ટુકડો પણ મ્યાનમારને સોંપવામાં ન આવે. સંગઠને સ્પષ્ટ કર્યું છે કે મણિપુરની પ્રાદેશિક અખંડિતતા સાથે કોઈ સમજૂતી થઈ શકે નહીં. જો મણિપુરના લોકોની સંમતિ વિના આ પ્રસ્તાવ લાગુ કરવામાં આવશે, તો રાજ્યભરમાં ઉગ્ર જન-આંદોલન કરવામાં આવશે.