'સાથીઓ, મને તમારી મદદની જરૂર છે', સોનમ વાંગચુકની વધુ એક ભાવુક અપીલ, કહ્યું- દેશને ક્રાંતિની જરૂર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sonam Wangchuk Independence Day message: જાણીતા સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે 15 ઑગસ્ટ અગાઉ દેશવાસીઓને એક ખાસ સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હોવાથી હું દેશના ભવિષ્ય અંગે વિચારી રહ્યો હતો અને હાલની સ્થિતિ જોઈને મને નિરાશા થઈ છે. તેમના જણાવ્યા મુજબ, '50 વર્ષ પહેલાં જે પડોશી દેશો ભારતની સરખામણીએ પાછળ કે બરાબર હતા, તેઓ આજે ભારતથી ઘણાઆગળ નીકળી ગયા છે. થાઇલૅન્ડ, મલેશિયા, ઇન્ડોનેશિયા, શ્રીલંકા અને બાંગ્લાદેશ જેવા દેશો પણ પ્રતિ વ્યક્તિ આવક અને જીડીપી(GDP) મામલે ઝડપથી પ્રગતિ કરી રહ્યા છે. જો આપણે આવી જ રીતે પાછળ રહી જઈશું, તો 2047 સુધીમાં ભારત વિકસિત દેશ બનવાને બદલે વિશ્વના દેશો સામે ઘણું પાછળ રહી જશે.'
'માત્ર સરકાર બદલવાથી સમસ્યાઓનો ઉકેલ આવ્યો નથી'
સોનમ વાંગચુકના જણાવ્યા મુજબ, 'માત્ર સરકારો બદલવાથી દેશની સ્થિતિ બદલાતી નથી. વર્ષ 2012-13માં ભ્રષ્ટાચારના વિરોધમાં આંદોલન કરીને સરકાર બદલવામાં આવી હતી, પરંતુ 12 વર્ષ પછી પણ ભ્રષ્ટાચાર અને અન્યાયે નવું રૂપ ધારણ કરી લીધું છે અને તે બમણા કે ત્રણ ગણા મોટા થઈને દેશ સામે ઊભા છે. કોઈ પણ રાજકીય પક્ષ હોય, જ્યારે લોકો અન્યાય સામે અવાજ ઉઠાવે છે ત્યારે સરકારો દ્વારા તેને કડક રીતે દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. શિક્ષણ ક્ષેત્રે ફેરફારો કરવા છતાં અપેક્ષિત સુધારા દેખાતા નથી, અને જ્યાં સુધી શિક્ષણ પછાત રહેશે ત્યાં સુધી દેશનો વિકાસ પણ અટકેલો રહેશે.
સંસદ અને નેતૃત્વ અંગે વ્યક્ત કરી ગંભીર ચિંતા
દેશના નેતૃત્વ અંગે ચિંતા વ્યક્ત કરતાં વાંગચુક કહ્યું હતું કે, 'સાચું અને યોગ્ય નેતૃત્વ ન પસંદ કરવું એ આપણી સૌથી મોટી ખામી રહી છે. વર્તમાન સ્થિતિમાં સંસદના લગભગ અડધા સાંસદો સામે અલગ-અલગ આરોપો છે, જ્યારે એક તૃતીયાંશ (One-Third) સાંસદો સામે ગંભીર ગુનાહિત કેસો નોંધાયેલા છે. આવા સંજોગોમાં દેશનો વાસ્તવિક વિકાસ કરવો મુશ્કેલ છે. હું કોઈ ચોક્કસ પક્ષ કે વિપક્ષની નહીં, પરંતુ સમગ્ર દેશના હિતની વાત કરી રહ્યો છું અને હજુ પણ કેટલાક નેતાઓ સત્ય અને યોગ્ય માર્ગ પર ચાલી રહ્યા છે તે સરાહનીય છે.'
દેશવાસીઓ પાસે 15 ઑગસ્ટના ભેટ તરીકે માંગ્યા સૂચનો
દેશમાં શાંતિપૂર્ણ ક્રાંતિ અને મોટા બદલાવ લાવવા માટે સોનમ વાંગચુક દ્વારા દેશના શ્રેષ્ઠ બુદ્ધિજીવીઓ, નિઃસ્વાર્થ અને ચરિત્રવાન લોકોને એકમંચ પર લાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. તેમણે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે દેશવાસીઓ પાસે ભેટ સ્વરૂપે એવા નિઃસ્વાર્થ અને સિદ્ધાંતવાદી લોકોના નામો અને સૂચનો માંગ્યા છે, જે દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવામાં મદદ કરી શકે. આગામી સમયમાં તેઓ લોકોના પ્રતિસાદ અને સૂચનો મેળવવા વિવિધ રાજ્યો અને શહેરોની મુલાકાત પણ લેશે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ કોકરોચ જનતા પાર્ટીના આંદોલનને સમર્થન આપવા માટે સોનમ વાંગચુકે 26 દિવસ સુધી ભૂખ હડતાળ કરી હતી. તેમના આ અનશનના કારણે આંદોલન સમગ્ર દેશમાં વ્યાપક બન્યું હતું અને આખરે તત્કાલીન શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું હતું.









