India

'વિના મંજૂરીએ કિસ કરી...': ગંભીર આરોપો વચ્ચે હૈદરાબાદમાં IPS ટ્રેઇનીનો ઝેર ગટગટાવી આપઘાતનો પ્રયાસ!

By GS Team
21 Jul 20262 mins read
TukuTouch Logo
હૈદરાબાદની સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમીમાં IPS ટ્રેઇની ઉદય કૃષ્ણા રેડ્ડીએ ઝેર પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. સહકર્મી મહિલા IPSના ગંભીર આરોપો બાદ આ ઘટના બની. ઉદયે સુસાઇડ નોટમાં આરોપો નકારી, સંબંધો અને બ્લેકમેલનો દાવો કર્યો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાલ ઉદય હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'વિના મંજૂરીએ કિસ કરી...': ગંભીર આરોપો વચ્ચે હૈદરાબાદમાં IPS ટ્રેઇનીનો ઝેર ગટગટાવી આપઘાતનો પ્રયાસ!
IMAGE - IANS

IPS Trainee Suicide Attempt Hyderabad: હૈદરાબાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડેમીમાં તાલીમ લઈ રહેલા IPS ટ્રેઇની ઉદય કૃષ્ણા રેડ્ડીએ કથિત રીતે ઝેર પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. તેમની સાથે જ તાલીમ લઈ રહેલી એક મહિલા IPS પ્રોબેશનરે તેમની સામે ગંભીર આરોપો લગાવ્યા બાદ આ ઘટના બની હતી. હાલમાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. જોકે, પોલીસે હજુ સુધી આત્મહત્યાના પ્રયાસ અંગે સત્તાવાર પુષ્ટિ કરી નથી.

મહિલા IPS પ્રોબેશનરના ગંભીર આરોપો

એક 30 વર્ષીય મહિલા IPS પ્રોબેશનરે ઉદય કૃષ્ણા રેડ્ડી પર સ્ટૉકિંગ, શારીરિક હુમલો, ધમકી અને મરજી વિના ખાનગી વીડિયો શૂટ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ફરિયાદ મુજબ, રેડ્ડીએ તેમને અશ્લીલ વોટ્સએપ મેસેજ મોકલ્યા હતા, અન્ય ટ્રેઇનીઓ સામે ખરાબ ટિપ્પણીઓ કરી હતી અને ફોન બળજબરીથી અનલોક કરાવી ખાનગી ચેટ્સ જોઈ હતી. એટલું જ નહીં, રૂમમાં પૂરીને મારપીટ કરવી, ગળા પર છરી રાખી જાનથી મારી નાખવાની ધમકી આપવી અને ખાનગી વીડિયો ઉતારીને તેમના પતિને મોકલી બ્લેકમેલ કરવાનો પણ આરોપ છે. આ મામલે હૈદરાબાદ પોલીસે ભારતીય ન્યાય સંહિતા(BNS) અને IT ઍક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુસાઈડ નોટમાં રેડ્ડીનો પલટવાર

બીજી તરફ, આત્મહત્યાના પ્રયાસ પહેલાં લખેલી બે પાનાની સુસાઈડ નોટમાં ઉદય કૃષ્ણા રેડ્ડીએ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે, 'હું અને મહિલા અધિકારી જૂન 2025થી રિલેશનશિપમાં હતા અને મહિલાના લગ્ન પછી પણ અમારા વચ્ચે શારીરિક અને ભાવાત્મક સંબંધો ચાલુ હતા. મહિલા મારી મરજી વિરુદ્ધ મારા રૂમમાં આવતી હતી અને ઝઘડો શરૂ કરતી હતી, જેના પુરાવા તરીકે મેં વીડિયો રૅકોર્ડ કર્યા હતા.'

વીડિયો પુરાવા અને હેરાનગતિનો દાવો

ઉદય કૃષ્ણા રેડ્ડીએ પોતાની સુસાઈડ નોટમાં વધુમાં દાવો કર્યો હતો કે, 'મહિલા પ્રોબેશનરે પોતે જ મારી મંજૂરી વિના કિસ મને કરી હતી. આથી મેં મારા બચાવ માટે આ વીડિયો રૅકોર્ડ કર્યો હતો અને તેના પતિને મોકલ્યો હતો, જેથી મહિલા મારા રૂમમાં આવવાનું બંધ કરે. મહિલાએ તેના મિત્રોની ઉશ્કેરણીથી ખોટી વાર્તા બનાવીને મારી સામે ફરિયાદ નોંધાવી છે.' આ મામલે રેડ્ડીએ મહિલા અધિકારી, તેના પતિ અને અન્ય બે લોકો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.

પોલીસ અને એકેડેમી દ્વારા તપાસ

હાલમાં ઉદય કૃષ્ણા રેડ્ડી હૉસ્પિટલમાં ડૉક્ટરોની દેખરેખ હેઠળ છે. નેશનલ પોલીસ એકેડેમીના અધિકારીઓએ હૉસ્પિટલની મુલાકાત લઈને તેમની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. પોલીસે જણાવ્યું છે કે બંને પક્ષોના આરોપો અને પુરાવાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે અને તેના આધારે આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.