Explainer: વસ્તી ગણતરી વખતે 40 સવાલ પૂછાશે, જાતિની સાથે કોરોના વેક્સિનની વિગતો પણ આપવી પડશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Census 2027 40 questions list: કેન્દ્ર સરકારે દેશની આગામી વસ્તી ગણતરી 2027ના બીજા તબક્કા માટે 40 પ્રશ્નોની યાદી જાહેર કરી છે. આ પ્રશ્નોમાં લોકોની સામાજિક-આર્થિક સ્થિતિ ઉપરાંત અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને અન્ય જાતિઓ સાથે જોડાયેલી મહત્ત્વપૂર્ણ માહિતી એકત્ર કરવામાં આવશે. વર્ષ 1931 પછી આ પહેલીવાર બનશે જ્યારે વ્યાપક સ્તરે જાતિગત આંકડા નોંધવામાં આવશે. આ સિવાય લોકો પાસેથી કોવિડ-19ની વેક્સિન ક્યાંથી લેવામાં આવી હતી તે અંગેની વિગતો પણ માંગવામાં આવશે. ખાસ વાત એ છે કે વસ્તી ગણતરી 2027એ ભારતની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ વસ્તી ગણતરી હશે.
બીજા તબક્કામાં પૂછવામાં આવશે આ મુખ્ય પ્રશ્નો
વસ્તી ગણતરીના બીજા તબક્કામાં વ્યક્તિગત અને કુટુંબ સંબંધિત મહત્ત્વની માહિતી પૂછવામાં આવશે. જેમાં વ્યક્તિનું નામ, કુટુંબના વડા સાથેનો સંબંધ, લિંગ, જન્મતારીખ, વૈવાહિક સ્થિતિ, નાગરિકત્વ, ધર્મ, SC/ST અથવા જાતિની વિગતો, માતા-પિતાની માહિતી, દિવ્યાંગતા, માતૃભાષા અને અન્ય ભાષાઓનું જ્ઞાન, સાક્ષરતા અને ડિજિટલ સાક્ષરતા, શિક્ષણનું સ્તર, રોજગાર અને કામકાજનો પ્રકાર, આવક મેળવવાના સાધનો, સ્થળાંતરનું કારણ અને કાચા-પાકા સરનામાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મહિલાઓ માટે પ્રજનન ક્ષમતા અને બાળકના જન્મ સંબંધિત પ્રશ્નો તેમજ બેંક ખાતાની સંખ્યા, મોબાઇલ નંબર અને અન્ય દસ્તાવેજી માહિતી મેળવવામાં આવશે.




પ્રથમ તબક્કામાં મકાનોની ગણતરી માટે 33 પ્રશ્નો નક્કી કરાયા હતા
આ પહેલા, રજિસ્ટ્રાર જનરલ ઑફ ઇન્ડિયા(RGI) દ્વારા વસ્તી ગણતરીના પ્રથમ તબક્કા(હાઉસલિસ્ટિંગ અને મકાન ગણતરી) માટે 33 પ્રશ્નો નોટિફાઇ કરવામાં આવ્યા હતા. તે પ્રશ્નાવલીમાં મુખ્યત્વે પરિવારની ઘરવપરાશની સુવિધાઓ, મકાનની સ્થિતિ અને પરિવારના વડા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ કે 'અન્ય' શ્રેણીમાંથી આવે છે કે નહીં તેની વિગતો સામેલ હતી.
ફેબ્રુઆરી 2027માં હાથ ધરાશે વસ્તી ગણતરીનો આખરી તબક્કો
ગૃહ મંત્રાલય હેઠળના રજિસ્ટ્રાર જનરલ કાર્યાલય દ્વારા તૈયાર કરાયેલી આ પ્રશ્નાવલીના આધારે વસ્તી ગણતરીનો બીજો તબક્કો એટલે કે વસ્તી ગણતરી(Population Enumeration) ફેબ્રુઆરી 2027માં યોજાશે. આ તબક્કામાં દેશના દરેક નાગરિકના વસ્તીવિષયક, શિક્ષણ, રોજગાર, સ્થળાંતર અને સામાજિક આંકડા ડિજિટલ માધ્યમથી નોંધવામાં આવશે, જેનાથી દેશની ભવિષ્યની યોજનાઓ ઘડવામાં મોટો આધાર મળશે.
બરફાચ્છાદિત વિસ્તારોમાં 1 સપ્ટેમ્બરથી ગણતરી શરૂ થશે
લદાખ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના બરફાચ્છાદિત તથા દુર્ગમ વિસ્તારોમાં વસ્તી ગણતરી 1થી 30 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. આ પહેલા, 17થી 31 ઑગસ્ટ સુધી લોકોને પોતે ઓનલાઇન પોતાની વિગતો નોંધાવવાની(Self-Enumeration) સુવિધા આપવામાં આવશે. દેશના બાકીના તમામ ભાગોમાં વસ્તી ગણતરી ફેબ્રુઆરી 2027માં હાથ ધરવામાં આવશે.
બે તબક્કામાં થશે કામગીરી
આ વસ્તી ગણતરી બે તબક્કામાં પૂર્ણ કરવામાં આવી રહી છે. પ્રથમ તબક્કામાં મકાનો અને નિવાસસ્થાનો સાથે જોડાયેલી માહિતી એકત્ર કરવામાં આવી રહી છે, જ્યારે બીજા તબક્કામાં દરેક વ્યક્તિની વસ્તીવિષયક (Demographic) અને સામાજિક-આર્થિક માહિતી નોંધવામાં આવશે.
આઝાદી પછીની 8મી અને દેશની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી
વસ્તી ગણતરી 2027એ દેશની 16મી અને આઝાદી પછીની 8મી વસ્તી ગણતરી હશે. આ ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી પણ છે, જેમાં મોબાઇલ ઍપ્લિકેશન દ્વારા આંકડા એકત્ર કરવા અને નાગરિકોને જાતે માહિતી અપલોડ કરવાની સુવિધા આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે 2021ની વસ્તી ગણતરી કોવિડ-19ના કારણે સ્થગિત કરવામાં આવી હતી.









