મહારાષ્ટ્ર, યુપીથી પંજાબ સુધી ગયા બાદ હવે ગુજરાતનો વારો, કોકરોચ ચલાવશે 'સ્કૂલ ઠીક કરો' અભિયાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

CJP Fix Rural Government Schools: દેશભરની સરકારી શાળાઓની વાસ્તવિક સ્થિતિ સામે લાવવા માટે શરૂ કરાયેલું 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)નું 'સ્કૂલ ઠીક કરો' અભિયાન હવે ચર્ચાના કેન્દ્રમાં છે. મહારાષ્ટ્રના એક ગામથી શરૂ થયેલી આ અભિયાન હવે અનેક રાજ્યો સુધી પહોંચી ચૂક્યું છે. આ દરમિયાન CJPના સંસ્થાપક અભિજિત દીપકેએ ગુજરાતને લઈને એવો સંકેત આપ્યો છે કે, જેનાથી માનવામાં આવી રહ્યું છે કે આ અભિયાનનો આગામી પડાવ ગુજરાત હોઈ શકે છે.
15 ઓગસ્ટે મહારાષ્ટ્રથી થઈ હતી શરૂઆત
CJPએ આ અભિયાનની શરૂઆત 15 ઓગસ્ટ 2026ના રોજ મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લાના સંતુક પિંપરી ગામથી કરી હતી. અહીં સ્કૂલમાં શૌચાલયમાં પાણીની વ્યવસ્થા ન હોવી, તૂટેલી બારીઓ અને પૂરતી બેન્ચો ન હોવાની બાબતો સામે આવી હતી. જોકે, બાદમાં ત્યાં રિપેરિંગનું કામ શરૂ થયું અને પહેલીવાર કોમ્પ્યુટર પણ પહોંચ્યું. આ ઉપરાંત મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં પણ આ અભિયાનને લઈને વિવાદો અને પોલીસ કેસ સામે આવ્યા હતા.
વિવિધ રાજ્યોમાં શાળાઓની અલગ-અલગ તસવીરો
રાજસ્થાન: જયપુરની સરકારી પ્રાથમિક શાળાની જર્જરિત ઇમારતનો મુદ્દો સૌથી વધુ ચર્ચાયો હતો. CJPના નિરીક્ષણ બાદ તંત્ર હરકતમાં આવ્યું અને નવી બિલ્ડીંગ માટે 18 લાખ રૂપિયાની વ્યવસ્થા કરીને જૂની બિલ્ડીંગ પાડી દેવામાં આવી.
હરિયાણા: ભિવાનીની એક શાળામાં મિડ-ડે મિલના અનાજમાં જીવાત અને ખરાબ શૌચાલય મળ્યા બાદ શિક્ષિકાને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને સરકારે 2814 અસુરક્ષિત બિલ્ડીંગને પાડવાનો આદેશ આપ્યો.
પશ્ચિમ બંગાળ: બાંકુડા જિલ્લામાં શાળાઓની સ્થિતિ સામે લાવ્યા બાદ હિંસા અને એક વ્યક્તિના મૃત્યુનો ગંભીર માહોલ પણ સામે આવ્યો હતો.
કર્ણાટક: બેંગલુરુમાં છતની ખરાબ હાલત અને શિક્ષકોની ઘટ જેવા મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા, ત્યારબાદ મંત્રી સાથે મુલાકાત બાદ રિપેરિંગનું કામ શરૂ થયું હતું.
પંજાબ: અહીં લુધિયાણાની શાળાઓમાં 'સ્કૂલ ઓફ એમીનેન્સ' જેવી જગ્યાએ આધુનિક સુવિધાઓ (સ્વિમિંગ પુલ, AI લેબ) જોઈને CJP ટીમ દ્વારા પ્રશંસા પણ કરવામાં આવી હતી.
ઉત્તર પ્રદેશ: નોઈડામાં શાળાઓના નિરીક્ષણ દરમિયાન CJP ટીમ અને પ્રશાસન વચ્ચે ગેટ બંધ રાખવા અને પ્રવેશ ન આપવા બાબતે તણાવ જોવા મળ્યો હતો.
હવે ગુજરાત તરફ ઈશારો કેમ?
CJP પર અગાઉ એવા સવાલો ઉઠ્યા હતા કે તેઓ માત્ર ભાજપ શાસિત રાજ્યોને જ કેમ નિશાન બનાવે છે? જેના જવાબમાં તેઓ પંજાબ, ઝારખંડ અને કર્ણાટક જેવા વિપક્ષી શાસિત રાજ્યોમાં પણ ગયા હોવાનું જણાવ્યું હતું. હવે સંસ્થાપક અભિજિત દીપકેએ નિવેદન આપ્યું છે કે, 'મને નવાઈ લાગે છે કે હજુ સુધી કોઈએ મને ગુજરાત જવાનું કેમ નથી પૂછ્યું.' આ નિવેદનને કારણે આગામી સમયમાં CJPની ટીમ ગુજરાતની સરકારી શાળાઓના નિરીક્ષણ માટે આવી શકે તેવી ચર્ચાઓ જોર પકડી રહી છે.




