'આરોપીના ઘરે બે વર્ષ સુધી બુલડોઝર ન ફેરવવું...' અલ્લાહાબાદ હાઇકોર્ટનો મહત્ત્વનો ચુકાદો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Allahabad High Court Bulldozer Justice: 'બુલડોઝર જસ્ટિસ' એટલે કે ગુનાના આરોપીઓની મિલકતો પર કાનૂની કાર્યવાહીના નામે બુલડોઝર ફેરવવાના મુદ્દે અલ્લાહાબાદ હાઇકોર્ટની બે જજની બેંચમાં વિભાજિત (સ્પ્લિટ) ચુકાદો આવ્યો છે. બેંચના સીનિયર જજ જસ્ટિસ અતુલ શ્રીધરને આદેશ આપ્યો હતો કે FIR નોંધાયાની તારીખથી બે વર્ષ સુધી આરોપીના ઘર પર કોઈ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં ન આવે. જોકે, બેંચના બીજા જજ જસ્ટિસ સિદ્ધાર્થ નંદને આ આદેશ સામે અસહમતિ દર્શાવી હતી. જજો વચ્ચેના આ મતભેદને કારણે હવે આ સમગ્ર મામલો ત્રીજા જજના અભિપ્રાય માટે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ પાસે મોકલવામાં આવ્યો છે.
સીનિયર જજનો આદેશ: 2 વર્ષ સુધી મકાન તોડવા પર રોક
અલ્લાહાબાદ હાઇકોર્ટના જસ્ટિસ અતુલ શ્રીધરને એક મહત્ત્વપૂર્ણ નિર્ણય આપતા સ્પષ્ટ કર્યું હતું કે, જ્યારે પણ કોઈ વ્યક્તિ સામે FIR દાખલ થાય, ત્યારે પાલિકાના કાયદાનો આશરો લઈને તેના મકાનને ઉતાવળમાં તોડી પાડવું સંપૂર્ણપણે ખોટું છે. તેમણે આ પ્રકારની કાર્યવાહીને વહીવટી તંત્રની બદલાની ભાવનાથી લેવાયેલું પગલું ગણાવ્યું હતું. આ સાથે જ તેમણે આદેશ આપ્યો હતો કે, કેસ દાખલ થયાની તારીખથી આગામી બે વર્ષ સુધી આરોપીના ઘર પર ડિમોલિશન એટલે કે મકાન તોડવાની કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી શકાશે નહીં.
બીજા જજની અસહમતિ: સમયસીમા નક્કી ન થઈ શકે
બીજી તરફ, જસ્ટિસ સિદ્ધાર્થ નંદને આ આદેશ સામે અસહમતિ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે સરકાર કાયદાના દાયરામાં રહીને અને કુદરતી ન્યાયના સિદ્ધાંતો મુજબ જ કામ કરશે. અન્યાયનો ભોગ બનેલી કોઈ પણ વ્યક્તિ માટે હાઇકોર્ટના દરવાજા હંમેશા ખુલ્લા જ હોય છે. તેમના મતે, કાર્યવાહી રોકવા માટે આવી કોઈ ચોક્કસ સમયસીમા નક્કી ન કરી શકાય, કારણ કે તેમ કરવાથી તે નિશ્ચિત સમય સુધી કાયદાના અમલ પર રોક લાગી જાય.
બંને જજો વચ્ચેના આ મતભેદને કારણે હવે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સમક્ષ બે મુખ્ય પ્રશ્નો મૂકવામાં આવ્યા છે. પહેલો પ્રશ્ન એ છે કે, શું બંધારણના અનુચ્છેદ 226 હેઠળ હાઇકોર્ટ પોતાની સત્તાનો ઉપયોગ કરીને 2 વર્ષ માટે એવો સાર્વત્રિક આદેશ આપી શકે, જે સરકારને ઉત્તર પ્રદેશના શહેરી વિકાસ કાયદા હેઠળ કાર્યવાહી કરતા અટકાવે? અને બીજો પ્રશ્ન એ છે કે, શું સ્થાનિક તંત્ર દ્વારા ડિમોલિશન કે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવે તેના 1 વર્ષ પહેલાં જ 'ઇરાદાની નોટિસ' આપવા માટે અધિકારીઓને નિર્દેશ આપી શકાય?
શું છે સમગ્ર મામલો?
આ સમગ્ર મામલો ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લાના સુમેરપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક કેસ સાથે જોડાયેલો છે, જેમાં પોક્સો (POCSO) અને ધર્માંતરણ વિરોધી કાયદા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અરજદાર ફઇમુદ્દીન અને તેમના પરિવારે આક્ષેપ કર્યો હતો કે, તેમના એક સંબંધી સામે કેસ નોંધાયા બાદ પોલીસની મદદથી એક ટોળાએ તેમના ઘરને નિશાન બનાવ્યું હતું અને પાછળથી ફઇમુદ્દીનને પણ આ કેસમાં આરોપી બનાવી દેવામાં આવ્યો હતો. પોતાના ઘર પર બુલડોઝર ફેરવીને તેને તોડી પાડવામાં આવશે તેવી બીકે તેમણે હાઇકોર્ટમાં અરજી કરી હતી.
બીજી તરફ, રાજ્ય સરકારે આ અરજીનો વિરોધ કરતા અદાલતમાં જણાવ્યું હતું કે, હજુ સુધી અરજદારોને અપાયેલી નોટિસનો જવાબ આવવાનો બાકી છે અને ઘર તોડવા અંગેની કોઈ ચોક્કસ કાર્યવાહી કે ઘટના બની નથી, તેથી આ અરજી સમય પહેલાં કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટના નિર્દેશો છતાં કાર્યવાહી ચાલુ રહેતા હાઇકોર્ટ લાલઘૂમ
જસ્ટિસ શ્રીધરને ચિંતા વ્યક્ત કરતા નોંધ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ દ્વારા કાયદો સ્પષ્ટ કરી દેવાયો હોવા છતાં, કેસ દાખલ થતાં જ લોકોના મકાનો તોડી પાડવાનો સિલસિલો સતત ચાલુ રહ્યો છે. આ પહેલા ફેબ્રુઆરી મહિનામાં પણ અલ્હાબાદ હાઇકોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને આરોપીઓની મિલકતો તોડીને સજા આપવાની આ પદ્ધતિ સામે ભારે ફટકાર લગાવી હતી.
બીજી તરફ, જસ્ટિસ સિદ્ધાર્થ નંદને ઉમેર્યું હતું કે, વધતી વસતીના કારણે અણધડ અને ગેરકાયદે બાંધકામો વધી રહ્યા છે, પરંતુ તેને પણ યોગ્ય ઠેરવી શકાય નહીં અને આવા કિસ્સાઓમાં કાનૂની જવાબદારી નક્કી થવી જરૂરી છે.









