એક પ્રધાનને હટાવી બીજાને બચાવી લીધા, 10 વર્ષમાં 20 પેપર લીક: લોકસભામાં અખિલેશ યાદવના આકરા પ્રહારો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Akhilesh Yadav Lok Sabha Speech: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે લોક પરીક્ષા સુધારા બિલ પર ચર્ચા દરમિયાન એક મોટું નિવેદન આપ્યું છે. અખિલેશ યાદવે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે, 'ધર્મેન્દ્ર પ્રધાનને હટાવીને, 'પ્રધાન'ને બચાવી લેવામાં આવ્યા.'
'ઝુકાવવાવાળો જોઈએ, તો સરકાર પણ ઝૂકે છે': અખિલેશ યાદવ
યુવાઓના આંદોલનનો ઉલ્લેખ કરતાં સમાજવાદી પાર્ટીના વડાએ કહ્યું કે, 'હું ઘણાં સમયથી આ આંદોલનને દૂરથી જોઈ રહ્યો હતો.' સરકાર પર નિશાન સાધતાં તેમણે કહ્યું કે, 'ઝુકાવવાવાળો જોઈએ, તો સરકાર પણ ઝૂકે છે.' તેમણે કોઈનું નામ લીધા વિના એક મંત્રીના પુનરાગમન અને તેમના સ્વાગતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, તેનાથી મને કોઈ વાંધો નથી, પરંતુ તંજ કસતાં ઉમેર્યું કે એક પ્રધાનને હટાવીને બીજા 'પ્રધાન'ને બચાવી લેવાયા છે.
મજાકમાંથી ગંભીર બન્યું યુવા આંદોલન
કન્નૌજના સાંસદ અખિલેશ યાદવે પ્રશ્ન ઉઠાવ્યો કે યુપી જેવા રાજ્યમાં પણ પેપર લીક થઈ રહ્યા છે, જ્યાંથી દેશના વડાપ્રધાન ચૂંટાઈને આવે છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ વચન નહીં પરંતુ માત્ર જુમલા આપે છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે સરકાર યુવાનોની તમામ માંગણીઓનો સ્વીકાર કરશે. આ સાથે જ તેમણે ઉમેર્યું કે જે આંદોલન શરુઆતમાં મજાક લાગી રહ્યું હતું, તે એટલું ગંભીર બની ગયું કે અંતે સરકારને ધરણાં કરવાની મંજૂરી આપવી પડી.
ખેડૂત આંદોલનનો ઉલ્લેખ અને પેપર લીક અંગે સરકાર પર ઘેરાવ
ખેડૂત આંદોલનની યાદ અપાવતા અખિલેશ યાદવે કહ્યું કે, 'પહેલા ખેડૂતોને પણ ધરણાં પર બેસવા દેવામાં આવ્યા ન હતા, પરંતુ જ્યારે ચૂંટણીઓ નજીક આવી ત્યારે સરકારે ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચી લીધા હતા. આ પહેલું એવું આંદોલન હતું જેમાં યુવાનોની સાથે તેમના માતા-પિતા પણ ખુલ્લીને જોડાયા અને બાળકોને વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા પ્રેરિત કર્યા. અત્યાર સુધીમાં 20 જેટલી ભરતી પરીક્ષાઓના પેપર લીક થઈ ચૂક્યા છે. એવામાં જે લોકો દાન નથી બચાવી શક્યા, તેઓ પેપર લીક શું રોકવાના છે અને કોની આંખોમાં ધૂળ નાખી રહ્યા છે?'
આઉટસોર્સિંગ અને શિક્ષણ વ્યવસ્થા પર સવાલ
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષે આઉટસોર્સિંગના મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે, વિપક્ષને હવે એ વાતનો ડર સતાવી રહ્યો છે કે આ સરકાર ક્યાંક આખું શાસન જ આઉટસોર્સ પર ન આપી દે. તેમણે ગંભીર સવાલ ઉઠાવ્યો કે જ્યારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી(NTA) જેવી મહત્ત્વની સંસ્થાનું કામ પણ આઉટસોર્સ કરી દેવાયું હોય, તો પછી આવી સ્થિતિમાં જવાબદારી કોની નક્કી કરવી? આરોપ લગાવ્યો કે ભાજપ સરકાર આવ્યા પછીથી શિક્ષણ અને પરીક્ષા વ્યવસ્થાને સતત નબળી પાડવામાં આવી રહી છે, જેના કારણે આજે આખી સિસ્ટમ પડી ભાંગી છે.









