India

કોકરોચ જનતા પાર્ટીની નવી જાહેરાત: 15 ઓગસ્ટથી સરકારી શાળાઓ માટે શરૂ થશે રાષ્ટ્રવ્યાપી 'સરપંચ ચેલેન્જ'

By GS Team
11 Aug 20263 mins read
TukuTouch Logo
કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દીપકેએ 15 ઓગસ્ટથી દેશભરની ગ્રામીણ સરકારી શાળાઓ સુધારવા રાષ્ટ્રવ્યાપી અભિયાનની જાહેરાત કરી છે. તેઓ મહારાષ્ટ્રના હિંગોળીથી આ પહેલ શરૂ કરશે. વાલીઓને શાળાઓમાં પ્રાથમિક સુવિધાઓનું 'સોશિયલ ઓડિટ' કરવા અને સરપંચોને 'સરપંચ ચેલેન્જ' હેઠળ વિકાસ માટે આગળ આવવા અપીલ કરાઈ છે. CJP યુવા આંદોલન તરીકે કામ કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

કોકરોચ જનતા પાર્ટીની નવી જાહેરાત: 15 ઓગસ્ટથી સરકારી શાળાઓ માટે શરૂ થશે રાષ્ટ્રવ્યાપી 'સરપંચ ચેલેન્જ'
IMAGE - IANS

Abhijit Dipke: કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દીપકેએ દેશના ગ્રામીણ વિસ્તારોની સરકારી શાળાઓની સ્થિતિ સુધારવા માટે એક મોટા રાષ્ટ્રવ્યાપી અભિયાનની જાહેરાત કરી છે. તેમણે ગ્રામજનો અને વાલીઓને પોતાના બાળકોની શાળાઓમાં પ્રાથમિક સુવિધાઓનું 'સોશિયલ ઓડિટ' કરવાની અપીલ કરી છે, સાથે જ ગામના સરપંચોને શાળાઓના વિકાસ માટે આગળ આવવા આહ્વાન કર્યું છે. CJPનું આ ખાસ અભિયાન સ્વતંત્રતા દિવસના અવસરે 15 ઓગસ્ટથી શરૂ થશે. આ પક્ષે નાગરિકો, વાલીઓ અને સ્થાનિક જનપ્રતિનિધિઓને એકજૂથ થઈને ગ્રામીણ શિક્ષણ વ્યવસ્થાની ખામીઓને દૂર કરવા માટે અપીલ કરી છે.

હિંગોળીથી થશે અભિયાનનો પ્રારંભ: 80મા સ્વતંત્રતા દિન પર સવાલ

અભિજીત દીપકેએ એક વીડિયો જાહેર કરીને જણાવ્યું કે તેઓ પોતે મહારાષ્ટ્ર સ્થિત પોતાના ગામ હિંગોળીથી આ પહેલની શરૂઆત કરશે અને ગામના સરપંચને મળીને સરકારી શાળાને વધુ સારી બનાવવાની વિનંતી કરશે. તેમણે ભારપૂર્વક કહ્યું, "આવનારી 15 ઓગસ્ટ આપણો 80મો સ્વતંત્રતા દિવસ છે, પરંતુ છેલ્લા 80 વર્ષોમાં જો કોઈ બાબતની સૌથી વધુ ઉપેક્ષા થઈ હોય તો તે આપણા ગામડાઓની સરકારી શાળાઓ છે. આપણે સંસદનું નવું ભવન બનાવ્યું, નવું પીએમ આવાસ બનાવ્યું, પણ ગામડાઓમાં નવી શાળાઓ કેમ ન બનાવી શક્યા? શું આપણે ખેડૂતો અને મજૂરોના બાળકોને દેશનું ભવિષ્ય નથી માનતા? આજે પણ ગ્રામીણ વિસ્તારોમાં બાળકોને લાંબી મજલ કાપીને શાળાએ જવું પડે છે, જ્યાં પીવાનું પાણી અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ પણ હોતી નથી, જેનાથી સૌથી વધુ હાલાકી વિદ્યાર્થીનીઓને ભોગવવી પડે છે.'

શું છે 'સરપંચ ચેલેન્જ'?

આ અભિયાન અંતર્ગત CJPએ દેશભરના સરપંચોને પોતાના ગામની શાળાઓની સ્થિતિ સુધારવા માટે ખાસ અપીલ કરી છે, જેને 'સરપંચ ચેલેન્જ' નામ આપવામાં આવ્યું છે. આ યોજના હેઠળ જે પણ સરપંચ પોતાના ગામની શાળાની સ્થિતિમાં સુધારો કરશે, તેના કામની 'પહેલા અને પછી' (Before & After)ની તસવીરો CJP પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરીને તે સરપંચને જાહેરમાં ક્રેડિટ આપશે. દીપકેએ આશા વ્યક્ત કરી હતી કે આનાથી પ્રેરિત થઈને અન્ય સરપંચો પણ પોતાના ગામોમાં આવાં સકારાત્મક પગલાં ભરશે.

વાલીઓ કરશે 'સોશિયલ ઓડિટ': ટૂંક સમયમાં જાહેર થશે ફોર્મ

CJPએ વાલીઓને પણ પોતાના બાળકોની શાળાની રૂબરૂ મુલાકાત લઈને વીજળી, સ્વચ્છ પાણી, ચાલુ હાલતમાં શૌચાલય અને મિડ-ડે મીલ જેવી સુવિધાઓની તપાસ કરવા કહ્યું છે. જો શાળામાં સુવિધાઓનો અભાવ હોય, તો તેનો વીડિયો બનાવવાની અપીલ કરવામાં આવી છે. આ માટે CJP ટૂંક સમયમાં એક ફોર્મ જાહેર કરશે, જેને ડાઉનલોડ અને પ્રિન્ટ કરીને વાલીઓ શાળાઓની ખામીઓની વિગતો નોંધાવી શકશે. આ ફોર્મ અને વીડિયો પુરાવા ઈમેલ (contact@cockroachjantaparty.org) દ્વારા મોકલી શકાશે.

'યુવા આંદોલન' તરીકે કામ કરશે CJP

ઉલ્લેખનીય છે કે, CJPએ હાલમાં જ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ સામે દિલ્હીના જંતર-મંતર પર 36 દિવસ સુધી વિરોધ પ્રદર્શન કર્યું હતું. તત્કાલીન કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ 25 જુલાઈના રોજ આ આંદોલન સમેટી લેવાયું હતું. તાજેતરમાં છત્રપતિ સંભાજીનગરમાં યોજાયેલી બે દિવસીય બેઠકમાં CJPએ સીધી ચૂંટણી રાજનીતિમાં ઊતરવાને બદલે એક 'યુવા આંદોલન' તરીકે જનહિતના મુદ્દાઓ પર કામ કરવાનો નિર્ણય લીધો હતો.