અભિજિત દીપકેએ જણાવ્યો 'કોકરોચ'નો પ્લાન, કહ્યું- 'અમે પાર્ટી કે ચૂંટણી રાજકારણથી આગળ લઈ જઇશું અમારું આંદોલન'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Abhijeet Dipke: કોકરોચ જનતા પાર્ટીના નેતા અભિજિત દીપકેએ જણાવ્યું છે કે, 'અમારી પાર્ટીનો મુખ્ય હેતુ માત્ર ચૂંટણી લડવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ ચૂંટણીથી પણ આગળ વધીને એક મોટો બદલાવ લાવવાનો છે.' તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં તેણે અમેરિકાથી ભારત પરત ફરવા, કોકરોચ આંદોલન અને CJP (કોકરોચ જનતા પાર્ટી)ના ભવિષ્ય વિશે વિગતવાર વાતચીત કરી છે. તેણે સ્પષ્ટ કર્યું છે કે હવે અમે મેદાનમાં ઉતરી ગયા છે અને આ આંદોલનને જીવંત રાખવા માટે સંભવ પ્રયાસ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયાથી શરૂ થયું હતું આ આંદોલન
ગયા વર્ષે મે મહિનામાં દેશના ચીફ જસ્ટિસની એક ટિપ્પણી બાદ 30 વર્ષીય અભિજિત દીપકેએ સોશિયલ મીડિયા પર 'કોકરોચ જનતા પાર્ટી'ની સ્થાપના કરી હતી. તેમણે આ અભિયાન એક તંજ અથવા કટાક્ષ તરીકે શરૂ કર્યું હતું, પરંતુ ટૂંક સમયમાં જ આ આંદોલન સાથે લાખો લોકો જોડાઈ ગયા અને દીપકે ભારે ચર્ચામાં આવી ગયા. ત્યારબાદ ભારત પરત ફરીને અભિજિત દીપકે અને તેમની પાર્ટીએ દિલ્હીના જંતર-મંતર પર નીટ પેપર લીક વિરુદ્ધ થયેલા પ્રદર્શનોની આગેવાની પણ સંભાળી હતી.
'દેશ માટે ખતરો' અને 'એન્ટી નેશનલ' જેવા ટેગ મળ્યા
અભિજિત દીપકેએ ખુલાસો કર્યો કે તેમને સરકારની એક વાત ખૂબ ખટકી હતી. તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, 'સરકાર તરફથી મને 'દેશ માટે ખતરો' અને 'એન્ટી નેશનલ' જેવા ટેગ આપવામાં આવ્યા હતા, જેનાથી હું ખૂબ દુઃખી થયો હતો. મારા પરિવાર અને વકીલે મને ભારત ન જવાની સલાહ આપી હોવા છતાં મેં અમેરિકા છોડીને સ્વદેશ પરત ફરવાનો મક્કમ નિર્ણય લીધો હતો.'
અભિજિત દીપકેએ જણાવ્યું હતું કે, 'જ્યારે મારી પોતાની જ સરકારે મને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવી રહી હતી, ત્યારે જ મેં ભારત પાછા ફરવાનો નિર્ણય કર્યો હતો. મને પ્રશ્ન હતો કે જ્યારે આપણે વિદેશમાં હોય, ત્યારે શું આપણી સરકારે આપણી સાથે ઊભું રહેવું ન જોઈએ? હું આપણા દેશને સાબિત કરવા માંગતો હતો કે હું સુરક્ષા માટે કોઈ જોખમ નથી અને હું મારા દેશને પ્રેમ કરું છું, બસ સરકાર ઈચ્છે તે રીતે નહીં.'
'સ્કૂલ ઠીક કરો' અભિયાન અને ભવિષ્યની યોજનાઓ
પેપર લીક વિરુદ્ધના આંદોલનની સફળતા બાદ કોકરોચ પાર્ટીએ હવે 'સ્કૂલ ઠીક કરો' અભિયાન શરૂ કર્યું છે. CJPના નેતાઓ હાલ દેશની સરકારી શાળાઓની દયનીય હાલત અને તેના મુદ્દાઓને જાહેરમાં ઉઠાવી રહ્યા છે. પોતાની ભવિષ્યની યોજનાઓ વિશે વાત કરતા અભિજિત દીપકેએ જણાવ્યું કે, 'હું આ આંદોલનને માત્ર કોઈ રાજકીય પક્ષ કે ચૂંટણીની રાજનીતિ સુધી સીમિત રાખવા નથી માંગતો.'
તેણે સ્પષ્ટ કર્યું કે, 'લોકોએ રાજકારણને માત્ર ચૂંટણી અને રાજકીય પક્ષો પૂરતું મર્યાદિત કરી દીધું છે, પરંતુ હું તેનાથી આગળ વધવા માગું છું. અમારી પાર્ટી માત્ર ચૂંટણી લડવા માટે નથી બની, પરંતુ તેનો ઉદ્દેશ્ય એક મોટો બદલાવ લાવવાનો છે જેથી સામાન્ય લોકો પોતાના અધિકારો અને કર્તવ્યો સમજી શકે અને સત્તામાં ગમે તે પાર્ટી આવે તેની સામે જવાબદારી નક્કી કરી શકે.'




