Women’s Reservation Bill Explained: Why Delimitation Row Matters : ભારતીય લોકશાહીના ઇતિહાસ માટે આજનો દિવસ મહત્ત્વપૂર્ણ છે. આજથી સંસદનું વિશેષ સત્ર શરૂ થયું છે. આ સત્રના પ્રથમ દિવસે જ સરકારે મહિલા અનામત (131મો બંધારણીય સુધારો) અને સીમાંકન (Delimitation) સહિત ત્રણ બિલ રજૂ કર્યા છે. સરકારે ખાતરી આપી છે કે અમે આ બિલ પર મધ્ય રાત્રિ સુધી પણ ચર્ચા કરીને જવાબ આપવા માટે તૈયાર છીએ. આવતીકાલે સાંજે 4 વાગ્યે બિલ પર મતદાન કરવામાં આવશે.
મેરેથોન ચર્ચા અને મતદાનનું ગણિત
કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે લોકસભામાં બિલો રજૂ કરતાની સાથે જ ચર્ચાનો પ્રારંભ કર્યો હતો.
12 કલાકની ચર્ચા: આ બિલો પર આજે સતત 12 કલાક સુધી ચર્ચા ચાલશે, જે મધ્યરાત્રિ સુધી પણ લંબાઈ શકે છે.
આવતીકાલે મતદાન: ચર્ચાના અંતે આવતીકાલે એટલે કે ગુરુવારે સાંજે 4:00 વાગ્યે નિર્ણાયક મતદાન હાથ ધરવામાં આવશે.
શા માટે વિપક્ષ કરી રહ્યો છે વિરોધ?
વિપક્ષ મહિલા અનામતનું સમર્થન કરે છે પણ સીમાંકન મુદ્દે વિરોધ કરી રહ્યું છે.
સીમાંકનનો પેચ: વિપક્ષનો આરોપ છે કે સીમાંકન દ્વારા ઉત્તર ભારતના રાજ્યોની બેઠકો વધારાશે, જેનાથી દક્ષિણ ભારતના રાજ્યોનું રાજકીય કદ ઘટી શકે છે.
જાતિ ગણતરીની માંગ: અખિલેશ યાદવે સવાલ ઉઠાવ્યો છે કે OBC અને મુસ્લિમ મહિલાઓ માટે અલગ ક્વોટા કેમ નથી?
દક્ષિણ ભારતમાં આક્રોશ: તમિલનાડુના CM એમ.કે. સ્ટાલિને આ બિલને 'કાળો કાયદો' ગણાવી તેની નકલો સળગાવી વિરોધ પ્રદર્શન કર્યું છે.
ગૃહમંત્રી અમિત શાહનો વળતો જવાબ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષના તમામ આક્ષેપો ફગાવતાં કહ્યું કે, સરકાર વસતી ગણતરી અને જાતિ ગણતરી કરવા માટે તૈયાર છે, પરંતુ ધર્મના આધારે અનામત આપવું તે ગેરબંધારણીય છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ બિલ મહિલાઓના સન્માન અને રાષ્ટ્રના વિકાસ માટે અનિવાર્ય છે.
આંકડાકીય જંગ
બંધારણીય સુધારો પસાર કરવા માટે સરકારને બે-તૃતિયાંશ (2/3) બહુમતીની જરૂર છે.
NDA: 292 બેઠકો
વિપક્ષ (INDIA ગઠબંધન ): 233 બેઠકો
હવે જોવાનું એ રહેશે કે આવતીકાલના મતદાનમાં સરકાર આંકડાકીય બહુમતી સાબિત કરી શકે છે કે કેમ.
કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા ત્રણ બિલોમાં મહિલાઓને 33% અનામતની ખાતરી છે, પરંતુ તેની પાછળ સીમાંકન અને વસ્તી ગણતરીની એવી શરતો છે જેણે વિપક્ષની ચિંતા વધારી દીધી છે.

કયા છે આ ત્રણ બિલ?
પ્રથમ બિલ (બંધારણીય સુધારો): લોકસભાની બેઠકો વધારીને 850 કરવાની જોગવાઈ છે. જેમાંથી 815 રાજ્યો અને 35 બેઠકો કેન્દ્રશાસિત પ્રદેશો માટે રહેશે.
બીજું બિલ: દિલ્હી અને જમ્મુ કાશ્મીર સહિત કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સીમાંકન અને બેઠકોમાં ફેરફાર માટેના કાયદાકીય સુધારા.
ત્રીજું બિલ: નવું 'સીમાંકન પંચ' રચવા માટેનું બિલ
શું મહિલાઓને અત્યારે જ અનામત મળશે?
ના. આ બિલની સૌથી મોટી શરત એ છે કે મહિલા અનામત ત્યારે જ અમલમાં આવશે જ્યારે સીમાંકનની પ્રક્રિયા પૂર્ણ થશે. સીમાંકન વસતી ગણતરીના આંકડા પર આધારિત હોય છે. એટલે કે, જ્યાં સુધી નવી વસતી ગણતરી અને તે મુજબ બેઠકોની નવી વહેંચણી નહીં થાય, ત્યાં સુધી મહિલાઓને અનામત મળશે નહીં.
સૌથી મોટો વિવાદ: દક્ષિણ ભારતને અન્યાયનો આરોપ, સ્ટાલિનનો વિરોધ
વિપક્ષ અને ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યોનો આરોપ છે કે જે રાજ્યોએ વસતી નિયંત્રણના નિયમોનું ચુસ્ત પાલન કર્યું છે, તેમની વસ્તી ઓછી હોવાથી તેમની લોકસભા બેઠકો ઘટી શકે છે.બીજી તરફ, ઉત્તર ભારતના રાજ્યો જ્યાં વસતી વધુ છે, તેમની બેઠકો વધી જશે. આનાથી દેશના રાજકારણમાં દક્ષિણ ભારતનો અવાજ નબળો પડી શકે છે. તમિલનાડુના CM એમ.કે. સ્ટાલિને તેને 'રાજકીય ષડયંત્ર' ગણાવ્યું છે.
કેવી રીતે લાગુ થશે અનામત?
મહિલાઓ માટે અનામત રાખવામાં આવેલી બેઠકો દર ટર્મમાં રોટેશન મુજબ બદલાતી રહેશે.
15 વર્ષ માટે અનામત રહેશે
આ અનામત પ્રારંભિક રીતે 15 વર્ષ માટે હશે, જેને સંસદ આગળ લંબાવી શકે છે.
CM સ્ટાલિને બિલની નકલો સળગાવી
કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલા સીમાંકન બિલના વિરોધમાં દક્ષિણ ભારતનું રાજકારણ ગરમાયું છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિને આ બિલને 'કાળો કાયદો' ગણાવીને આજે તેની નકલો સળગાવી હતી. આ સાથે જ તેમણે રાજ્યભરમાં કાળા ઝંડા ફરકાવીને કેન્દ્ર સરકાર વિરુદ્ધ આંદોલનનું રણશિંગું ફૂંક્યું છે. કાળા કપડાં પહેરીને વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા સ્ટાલિને કહ્યું કે, હિન્દી વિરોધી આંદોલનની જેમ જ તમિલનાડુનો આ પ્રતિકાર દિલ્હીની સત્તાને ઝૂકાવવા મજબૂર કરશે. આ બિલ તમિલ લોકોને પોતાના જ વતનમાં શરણાર્થી બનાવી દેશે.


