| (IMAGE - IANS) |
8 Suspected Terrorists Arrested: દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે એક મોટા આંતરરાજ્ય આતંકી મોડ્યુલનો પર્દાફાશ કરીને આઠ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી છે. અધિકારીઓએ આપેલી માહિતી મુજબ, આ આતંકી નેટવર્કના તાર પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સી ISI અને બાંગ્લાદેશ સ્થિત કટ્ટરપંથી સંગઠનો સાથે જોડાયેલા છે. સુરક્ષા એજન્સીઓએ તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં સંયુક્ત ઓપરેશન ચલાવીને આ સફળતા મેળવી છે.
તમિલનાડુ અને બંગાળમાં મોટું ઓપરેશન
પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા આઠ શંકાસ્પદમાંથી છ વ્યક્તિઓને તમિલનાડુના તિરુપુર જિલ્લાની વિવિધ ગારમેન્ટ ફેક્ટરીઓમાંથી ઝડપી લેવામાં આવ્યા છે. પકડાયેલા શંકાસ્પદોની ઓળખ મિઝાનુર રહેમાન, મોહમ્મદ શબાત, ઉમર, મોહમ્મદ લિટન, મોહમ્મદ શાહિદ અને મોહમ્મદ ઉજ્જવલ તરીકે થઈ છે. આ ઉપરાંત અન્ય બે શંકાસ્પદોની પશ્ચિમ બંગાળમાંથી ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા કેટલાક શંકાસ્પદોમાં એક બાંગ્લાદેશી નાગરિકનો પણ સમાવેશ થાય છે, જેઓ પોતાની ઓળખ છુપાવવા માટે નકલી આધારકાર્ડનો ઉપયોગ કરી રહ્યા હતા.
સ્પેશિયલ સેલની તપાસમાં મોટો ખુલાસો
આ મોટા આતંકી નેટવર્કનો ખુલાસો દિલ્હીના વિવિધ વિસ્તારો અને ખાસ કરીને દિલ્હી મેટ્રો નેટવર્કમાં જોવા મળેલા ભડકાઉ પોસ્ટરોને કારણે થયો છે. આ પોસ્ટરોમાં કાશ્મીરને લગતી વાંધાજનક સામગ્રી અને ભડકાઉ વાતો લખવામાં આવી હતી. સ્પેશિયલ સેલે જ્યારે આ પોસ્ટરો ક્યાંથી આવ્યા તેની કડીઓ મેળવવાનું શરૂ કર્યું, ત્યારે તપાસ તમિલનાડુમાં સક્રિય આ નેટવર્ક સુધી પહોંચી હતી.
આ પણ વાંચો: યુપીમાં એક જ પરિવારના 5 સભ્યોએ એકસાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા હડકંપ
મોટા હુમલાનું કાવતરું નિષ્ફળ
તપાસ અધિકારીઓના મતે, આ શંકાસ્પદો તેમના વિદેશી આકાઓના ઈશારે ભારતમાં એક મોટા આતંકી હુમલાની યોજના બનાવી રહ્યા હતા. ઓપરેશન દરમિયાન પોલીસે 8 મોબાઈલ ફોન અને 16 સિમકાર્ડ જપ્ત કર્યા છે. આ ડિજિટલ સાધનોની ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે જેથી અન્ય સાથીદારો અને વિદેશી સંપર્કો વિશે વધુ પુરાવા મળી શકે. હાલમાં તમામ શંકાસ્પદોને ટ્રાન્ઝિટ રિમાંડ પર દિલ્હી લાવવામાં આવી રહ્યા છે, જ્યાં તેમની સઘન પૂછપરછ કરવામાં આવશે. પોલીસે દાવો કર્યો છે કે સમયસર આ કાર્યવાહી કરીને એક મોટા આતંકી ષડ્યંત્રને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે.


