5 વખતના ધારાસભ્ય અને ભાજપના દિગ્ગજ નેતા પારસ જૈનનું નિધન, શિવરાજ સિંહ થયા દુઃખી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

BJP Leader Paras Jain Passes Away: મધ્ય પ્રદેશના રાજકારણમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અને રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી પારસ જૈનનું નિધન થયું છે. તેમના નિધનના સમાચાર વહેતા થતાં જ રાજકીય ક્ષેત્રે અને તેમના સમર્થકોમાં ભારે શોકની લાગણી ફરી વળી છે.
ઉજ્જૈન ઉત્તર વિધાનસભા બેઠકનું લાંબા સમય સુધી પ્રતિનિધિત્વ કરનારા પારસ જૈને મધ્ય પ્રદેશ સરકારમાં ઊર્જા, શાળા શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ તેમજ અન્ન અને નાગરિક પુરવઠા જેવા મહત્ત્વના મંત્રાલયોની જવાબદારી સંભાળી હતી. ભાજપના વરિષ્ઠ અને કદાવર નેતાઓમાં તેમની ગણના થતી હતી. પારસ જૈનના અવસાન પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી તેમજ પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સહિત ભાજપ અને વિપક્ષના અનેક વરિષ્ઠ નેતાઓએ ઘેરા દુઃખની અનુભૂતિ વ્યક્ત કરી છે.
શિવરાજ સિંહ ચૌહાણે શ્રદ્ધાંજલિ અર્પતાં જણાવ્યું હતું કે, 'પારસ જૈનનું નિધન એ ભાજપ અને મધ્ય પ્રદેશ માટે એક મોટી ક્ષતિ છે. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન જનતાની સેવા અને પ્રદેશના વિકાસ માટે આપેલું પ્રદાન હંમેશા યાદ રાખવામાં આવશે.'
દિવંગત નેતાના આત્માની શાંતિ અને શોકગ્રસ્ત પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તે માટે વિવિધ રાજકીય આગેવાનો અને ગ્રામજનો દ્વારા પ્રાર્થના કરવામાં આવી રહી છે.
લાંબી રાજકીય સફર અને મહત્ત્વના મંત્રાલયો
20મી જૂન 1950ના રોજ ઉજ્જૈનમાં જન્મેલા પારસ જૈને વિદ્યાર્થીકાળ દરમિયાન ABVPથી પોતાની સફર શરૂ કરી હતી અને બાદમાં આરએસએસ (RSS) સાથે જોડાયા હતા. 1990માં તેઓ પહેલી વખત ઉજ્જૈન ઉત્તર બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ તેઓ કુલ પાચ વખત આ બેઠક પરથી વિજેતા બની વિધાનસભા પહોંચ્યા હતા.









