‘4 સમુદાય નિશાના પર, મત ચોરી સામે રોષ છતાં ષડયંત્ર ચાલુ’, રાહુલ ગાંધીના ભાજપ-EC પર ગંભીર સવાલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rahul Gandhi On Vote Chori : મતદાર યાદીમાંથી મોટા પાયે નામો રદ કરવા અને મતોની કથિત ચોરીના મુદ્દે દેશનું રાજકારણ ફરી ગરમાયું છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી (BJP) અને ચૂંટણી પંચ પર સીધા પ્રહારો કર્યા છે. તેમણે ભાજપ પર મત ચોરી કરવાનો તથા ચૂંટણી પંચ પર પોતાની મનમાની ચલાવવાનો ગંભીર આરોપ મૂક્યો છે.
દેશમાં મત ચોરી સામે રોષ છતાં ષડયંત્ર ચાલુ : રાહુલ ગાંધીનો આરોપ
ચૂંટણી પંચ અને સરકાર સામે આકરા પ્રહારો કરતાં રાહુલ ગાંધી (Rahul Gandhi)એ કહ્યું હતું કે, 'આખો દેશ આજે મત ચોરી વિરુદ્ધ ગુસ્સાની આગમાં સળગી રહ્યો છે, છતાં પણ ભાજપ અને ચૂંટણી પંચ ખુલ્લેઆમ પોતાની મનમાની કરવાથી બાજ નથી આવી રહ્યા.'
કર્ણાટકના બેલગાવીમાં 15 હજાર નામો હટાવવાનું ષડયંત્ર
કર્ણાટકના બેલગાવીનું ઉદાહરણ આપતાં તેમણે જણાવ્યું હતું કે, 'એક જ ઝાટકે લગભગ 15 હજાર મતદારોના નામ મતદાર યાદીમાંથી ભૂંસી નાખવાનું જોખમી ષડયંત્ર ઘડવામાં આવી રહ્યું હતું. માત્ર 3 દિવસમાં (22, 23 અને 24 સપ્ટેમ્બર) મતદાર યાદીમાંથી આટલા મોટા પાયે નામો રદ કરવા માટે ફોર્મ 7નું પૂર આવી ગયું હતું.'
‘4 સમુદાય ભાજપના નિશાના પર’
આ ગતિવિધિઓ પાછળનો હેતુ સ્પષ્ટ કરતાં તેમણે દાવો કર્યો હતો કે, 'આ સમગ્ર ષડયંત્રના નિશાના પર આખરે કોણ લોકો હતા? તેના મુખ્ય નિશાના પર મુસ્લિમ, અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને અન્ય પછાત વર્ગ (OBC)ના મતદારો હતા. આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે આમાંથી મોટાભાગના લોકો ભાજપની વિરુદ્ધ મતદાન કરે છે.'
સોફ્ટવેર અને ફોર્મ 7 દ્વારા બલ્ક ડિલીશનની રમત
મત ચોરીની રીતભાત વિશે ખુલાસો કરતાં તેમણે કહ્યું હતું કે, 'મેં આ પ્રકારની મત ચોરીની પદ્ધતિનો પર્દાફાશ પહેલાં પણ કર્યો હતો. એક સેન્ટ્રલાઇઝ્ડ સોફ્ટવેર દ્વારા મતદારોના નામ યાદીમાંથી ડિલીટ કરવામાં આવે છે. ભાજપ અને ચૂંટણી પંચના લોકો મળીને પસંદગીના લોકો વિરુદ્ધ ઓટોમેટેડ રીતે જથ્થાબંધ ફોર્મ 7 ભરાવે છે અને જોતજોતામાં લાખો મતદારો યાદીમાંથી ગાયબ થઈ જાય છે. આ સમગ્ર રમત ઉપરથી કંટ્રોલ કરવામાં આવે છે.'
કર્ણાટક કોંગ્રેસનું ચૂંટણી અધિકારી કચેરીમાં પ્રદર્શન
આ મામલે થઈ રહેલી કાર્યવાહી વિશે વાત કરતાં તેમણે ઉમેર્યું હતું કે, 'આ ગેરરીતિ સામે કર્ણાટક કોંગ્રેસના નેતાઓ આ સમયે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની ઓફિસમાં ધરણાં પર બેઠા છે અને દોષિતો સામે તાત્કાલિક એફઆઈઆર નોંધવાની માગ કરી રહ્યા છે. આખરે રાજ્યના ચૂંટણી અધિકારી આ મામલે એફઆઈઆર નોંધવામાં ખચકાટ કેમ અનુભવી રહ્યા છે?'
મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માગણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi), ગૃહમંત્રી અમિત શાહ અને ચૂંટણી પંચ પર નિશાન સાધતાં તેમણે કહ્યું હતું કે, 'આ તમામ લોકો મળીને SIR દ્વારા દેશના લોકતંત્રને ખતમ કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે. આ સમગ્ર ઘટનાક્રમ દેશદ્રોહ સમાન છે અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર (CEC Gyanesh Kumar)એ તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. તેમણે આ કેસમાં સરકારી સાક્ષી બની જવું જોઈએ, જેથી વડાપ્રધાન અને ગૃહમંત્રી સામે નિષ્પક્ષ તપાસ થઈ શકે.'




