39 પત્ની, 94 બાળક અને 100 રૂમનું ઘર... મિઝોરમના ઝિઓના ચાનાનો 180 સભ્યનો દુનિયાનો સૌથી મોટો પરિવાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mizoram Ziona Chana Family : આજના ઝડપી જમાનામાં જ્યાં નોકરી, શિક્ષણ કે સારા જીવનની શોધમાં લોકો અલગ શહેરોમાં વસી રહ્યા છે અને સંયુક્ત પરિવારો ઝડપથી તૂટી રહ્યા છે, ત્યારે કલ્પના કરો એક એવા ઘરની જ્યાં 4 કે 5 નહીં, પરંતુ 180 લોકો એક જ છત નીચે રહેતા હોય! આ કોઈ ફિલ્મની વાર્તા નથી, પણ ભારતના મિઝોરમ રાજ્યના એક પરિવારની વાસ્તવિકતા છે. 39 પત્ની, 94 બાળક અને 100 રૂમનું એક વિશાળ ઘર ધરાવતા આ પરિવારની જીવનશૈલી, વ્યવસ્થાપન અને પારિવારિક એકતાનું એક ઉત્તમ ઉદાહરણ છે.
ધાર્મિક સમુદાયથી શરૂ થયેલી અસાધારણ સફર
બક્તાવંગ ગામમાં રહેતા આ પરિવારની શરૂઆત 1942 માં ત્યારે થઈ હતી, જ્યારે ખુઆંગતુઆહાએ 'લાલપા કોહરાન થાર' નામના ધાર્મિક સમુદાયની સ્થાપના કરી હતી. 1997 માં તેમના નિધન બાદ તેમના પુત્ર ઝિઓના ચાના સમુદાયના વડા બન્યા. તેઓ સમુદાયમાં ‘હોતુપા’ (એટલે કે નેતા) તરીકે જાણીતા હતા. તેમના નેતૃત્વ હેઠળ પરિવાર અને સમુદાય બંનેનો ખૂબ જ ઝડપથી વિકાસ થયો અને આ સંપ્રદાયમાં હજારો સભ્યો જોડાયા.
આટલો મોટો પરિવાર કઈ રીતે ચાલે છે?
ઝિઓના ચાનાનો સમુદાય તો મોટો છે જ, પણ તેમનો પોતાનો પરિવાર એટલો મોટો છે કે કોઈ પણ આશ્ચર્યચકિત થઈ જાય. તેમના પરિવારમાં 39 પત્ની, 94 બાળક, 14 પુત્રવધૂ અને 33 પૌત્ર-પૌત્રી છે. વળી, આ પરિવારની જે દીકરીઓ પરણીને સાસરે ગઈ છે, એમની ગણતરી આ 180માં નથી. સામાન્ય રીતે કોઈ પ્રસંગમાં 50-100 મહેમાનોનું સંચાલન કરવું અઘરું લાગતું હોય છે, ત્યારે આ ઘરમાં 180 લોકો સાથે રહે છે. ઝિઓનાએ તેમની પહેલી પત્ની ઝાથિયાંગી સાથે કિશોરાવસ્થામાં જ લગ્ન કર્યા હતા. સૌથી મોટી પત્ની હોવાના નાતે ઘરની તમામ જવાબદારીઓ અને શિસ્ત જાળવવાનું મુખ્ય કામ ઝાથિયાંગી જ સંભાળે છે. ઝિઓનાને લગ્ન કરવાનો એટલો શોખ હતો કે તેમણે એક જ વર્ષમાં 10 મહિલાઓ સાથે લગ્ન કર્યા હતા!
100 રૂમનું હોસ્ટેલ જેવું વિશાળ મકાન
આટલા મોટા પરિવારને રહેવા માટે બક્તાવંગની ટેકરીઓ વચ્ચે ‘છુઆન થાર રન’ (જેનો અર્થ 'નવી પેઢીનું ઘર' થાય છે) નામનું ચાર માળનું મકાન બનાવવામાં આવ્યું છે. 100 રૂમ ધરાવતું આ મકાન પહેલી નજરે કોઈ હોસ્ટેલ કે હોટલ જેવું લાગે છે. આ ઘરમાં શિસ્તબદ્ધ વ્યવસ્થા ગોઠવાયેલી છે. ઝિઓના ચાનાનો પોતાનો એક અલગ ડબલ બેડરૂમ ગ્રાઉન્ડ ફ્લોર પર હતો, અને તેમની પત્નીઓ વારાફરતી તેમની સાથે સમય વિતાવતી હતી. નાની પત્નીઓ તેમના રૂમની નજીક રહેતી હતી, જ્યારે મોટી પત્નીઓની રહેવાની વ્યવસ્થા ઉપરના માળે કરવામાં આવી હતી. મુલાકાતીઓ માટે ઘરમાં એક અલગ ગેસ્ટહાઉસ પણ છે.
રસોડામાં કઈ વાનગી કેટલી માત્રામાં બને છે?
આ પરિવારનું રસોડું ખરેખર જોવાલાયક છે. અહીં દરરોજના ભોજનમાં 45 થી 90 કિલોગ્રામ ચોખા, 40 કિલોગ્રામ બટાકા, 25 કિલોગ્રામ શાકભાજી અને 20 કિલોગ્રામ દાળ વપરાય છે. જ્યારે માંસાહારી ભોજન બનાવવાનું હોય ત્યારે 30 થી 35 મરઘીઓની જરૂર પડે છે. આટલી મોટી રસોઈ માટે મોટા એલ્યુમિનિયમના વાસણો અને મોટા ચૂલાનો ઉપયોગ થાય છે. મોટી પત્નીના માર્ગદર્શન હેઠળ ઘરની પુત્રવધૂઓ રસોઈ બનાવે છે. તમામ મહિલાઓ ભેગા મળીને ઘરની સફાઈ અને કપડાં ધોવાનું કામ કરે છે. ઘરના પુરુષો ખેતી, પશુપાલન, સુથારીકામ અને નાના ઉદ્યોગો સંભાળે છે.
એક આત્મનિર્ભર ઇકોસિસ્ટમ
આ પરિવાર માત્ર આકારમાં જ મોટો નથી, પરંતુ તે એક નાના ગામડાની જેમ આત્મનિર્ભર પણ છે. પરિવાર પોતાનું અનાજ જાતે જ ઉગાડે છે અને દૂધ-માંસ માટે પશુપાલન કરે છે. ફર્નિચર અને એલ્યુમિનિયમના વાસણો બનાવવા જેવા કામ પણ પરિવારના સભ્યો જાતે જ કરી લે છે. ઝિઓના ચાનાએ પોતાના બાળકો અને ગામના અન્ય બાળકો માટે એક શાળા પણ સ્થાપી હતી. આ શાળામાં સરકારી અભ્યાસક્રમની સાથે સાથે સમુદાયને લગતા ખાસ વિષયો પણ શીખવવામાં આવે છે. ‘આત્મનિર્ભર પરિવાર’નું આ મોડેલ પ્રેરણાદાયક ખરું.
દુનિયાના સૌથી મોટા પરિવારનો રેકોર્ડ
પરિવારના આટલા મોટા કદને કારણે દુનિયાભરના મીડિયાનું ધ્યાન તેમના પર ગયું. 2011 માં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે પણ ‘દુનિયાના સૌથી મોટા પરિવાર’ તરીકે તેમનો રેકોર્ડ નોંધવાની તૈયારી બતાવી હતી. જોકે, ઝિઓના ચાનાને પ્રસિદ્ધિ નહોતી ગમતી, તેથી તેમણે ફોટા પડાવવાની અને આ રેકોર્ડ માટેની પ્રક્રિયામાં ભાગ લેવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. છતાં, ‘વર્લ્ડ રેકોર્ડ એકેડેમી’, ‘ધ વોલ સ્ટ્રીટ જર્નલ’ અને ‘લંડન વર્લ્ડ રેકોર્ડ્સ’એ આ પરિવારને વિશ્વના સૌથી મોટા પરિવારનો દરજ્જો આપ્યો છે.
દેશ-વિદેશના પ્રવાસીઓ પણ મુલાકાત લે છે
મિઝોરમની રાજધાની આઈઝોલથી લગભગ 100 કિલોમીટર દૂર રહેતા આ પરિવારનું ઘર છેલ્લા કેટલાય વર્ષોથી એક લોકપ્રિય પર્યટન સ્થળ બની ગયું છે. પ્રવાસીઓ આ પરિવારની મુલાકાતે આવે છે અને પરિવારના જ ગેસ્ટહાઉસમાં રોકાય છે. જોકે, આ કોઈ મ્યુઝિયમ નથી, પરંતુ 180 સભ્યોનું જીવંત ઘર છે, તેથી મુલાકાત દરમિયાન પરિવારની પ્રાઇવસીનું સન્માન કરવું અને ફોટોગ્રાફી કરતા પહેલા તેમની પરવાનગી લેવી આવશ્યક છે.
વારસો હજુયે જીવંત છે
13 જૂન 2021 ના રોજ 75 વર્ષની ઉંમરે ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરની બીમારીના કારણે ઝિઓના ચાનાનું અવસાન થયું હતું. ભલે આજે ઝિઓના ચાના આ દુનિયામાં નથી, પરંતુ બક્તાવંગની ટેકરીઓમાં આવેલું તેમનું 180 સભ્યો ધરાવતું ઘર હજુ પણ ધબકી રહ્યું છે. આજે પણ પરિવારના તમામ સભ્યો પહેલાંની જેમ જ એકસાથે રહે છે, સાથે જમે છે અને આધુનિક ભારતમાં અદૃશ્ય થતી જતી સંયુક્ત પરિવારની પરંપરાને અકબંધ રાખી રહ્યા છે.




