India

હોર્મુઝમાં નાકાબંધી હટી: 15 કરોડ ખેડૂત પરિવારો માટે મોટી રાહત, ભારત આવી રહ્યા છે 34 જહાજો!

By GS Team
16 Jun 20263 mins read
TukuTouch Logo
અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી શાંતિ સમજૂતી અને હોર્મુઝ સ્ટ્રેટ પરથી બેવડી નાકાબંધી હટતા જ ભારતને મોટી રાહત મળી છે. કતારથી એલએનજી (લિક્વિફાઇડ નેચરલ ગેસ) ભરીને ભારત આવી રહેલું જહાજ 'દિશા' હોર્મુઝ પાર કરી ચૂક્યું છે. આ માત્ર એક જહાજની સફર નથી, પરંતુ એ ડઝનો જહાજો માટે આશાની કિરણ છે જે છેલ્લા કેટલાય મહિનાઓથી ફારસની ખાડીમાં ફસાયેલા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હોર્મુઝમાં નાકાબંધી હટી: 15 કરોડ ખેડૂત પરિવારો માટે મોટી રાહત, ભારત આવી રહ્યા છે 34 જહાજો!

Indian Ship in Hormuz Strait: અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી શાંતિ સમજૂતી અને હોર્મુઝ સ્ટ્રેટ પરથી બેવડી નાકાબંધી હટતા જ ભારતને મોટી રાહત મળી છે. કતારથી એલએનજી (લિક્વિફાઇડ નેચરલ ગેસ) ભરીને ભારત આવી રહેલું જહાજ 'દિશા' હોર્મુઝ પાર કરી ચૂક્યું છે. આ માત્ર એક જહાજની સફર નથી, પરંતુ એ ડઝનો જહાજો માટે આશાની કિરણ છે જે છેલ્લા કેટલાય મહિનાઓથી ફારસની ખાડીમાં ફસાયેલા છે. 

આ જહાજોમાં પેટ્રોલ-ગેસની સાથે મોટા પ્રમાણમાં ખાતર ભરેલા જહાજો પણ સામેલ છે. આવી સ્થિતિમાં હવે ભારતના લગભગ 15 કરોડ ખેડૂત પરિવારોને પણ ટૂંક સમયમાં મોટી રાહત મળવાની આશા છે.

ભારત સરકારના જણાવ્યા પ્રમાણે શિપિંગ કોર્પોરેશન ઑફ ઇન્ડિયાની આગેવાની હેઠળના કન્સોર્ટિયમનું એલએનજી કેરિયર દિશા 62,370 મેટ્રિક ટન ગેસ લઈને ભારત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે અને 18 જૂન સુધીમાં તે દાહેજ પોર્ટ પર પહોંચે તેવી શક્યતા છે. ત્રણ મહિનાથી વધુ સમય બાદ યુદ્ધગ્રસ્ત ક્ષેત્રમાંથી બહાર નીકળનારું આ પ્રથમ ભારતીય ધ્વજ ધરાવતું એલએનજી જહાજ છે.

આખરે કેમ ખાસ છે 'દિશા'?

'દિશા'ની સુરક્ષિત યાત્રા એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તેની પાછળ અન્ય 34 ભારતીય અને વિદેશી જહાજોનું ભવિષ્ય જોડાયેલું છે. ફારસની ખાડીમાં ફસાયેલા આ જહાજોમાં મોટી સંખ્યા એવા વહાણોની છે, જે ભારત માટે જરૂરી ઊર્જા અને ખાતર લઈને આવવાના છે. 'દિશા' સુરક્ષિત બહાર નીકળવાથી એ વિશ્વાસ વધ્યો છે કે બાકીના જહાજો પણ ટૂંક સમયમાં ભારત તરફ રવાના થઈ શકશે.

ખેડૂતો માટે ગૂડ ન્યૂઝ

પ્રાપ્ત માહિતી પ્રમાણે ફસાયેલા 34 જહાજોમાંથી 16 જહાજો ફર્ટિલાઇઝર (ખાતર) લઈને આવી રહ્યા છે. જેમાંથી 8 જહાજો યુરિયાથી લદાયેલા છે, 4 જહાજો પર DAP (ડાય-એમોનિયમ ફૉસ્ફેટ), 3 જહાજો સલ્ફર અને એક જહાજ એમોનિયા લઈને આવી રહ્યું છે. આ સિવાય અન્ય 15 જહાજો ક્રૂડ ઓઇલ, એલએનજી અને એલપીજી જેવી ઊર્જા સામગ્રી લઈને આવી રહ્યા છે. એટલે કે આ જહાજોનું ભારત પહોંચવું માત્ર પેટ્રોલિયમ સેક્ટર માટે જ નહીં, પરંતુ ખેડૂતો માટે પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે.

ભારત માટે આટલું મહત્ત્વ કેમ રાખે છે હોર્મુઝ?

ભારત પોતાની જરૂરિયાતનું 88%થી વધુ ક્રૂડ ઓઇલ આયાત કરે છે અને તેનો મોટો હિસ્સો પશ્ચિમ એશિયામાંથી આવે છે. આ ઉપરાંત ભારતની આયાતી એલએનજીનો 60%થી વધુ અને એલપીજીનો લગભગ 90% હિસ્સો હોર્મુઝ સ્ટ્રેટ પરથી પસાર થાય છે. આવી સ્થિતિમાં આ સમુદ્રી માર્ગ પર કોઈપણ પ્રકારની અડચણ સીધી રીતે ભારતની ઊર્જા સુરક્ષા અને કિંમતોને પ્રભાવિત કરે છે.

ક્યાં સુધીમાં ખતમ થઈ શકશે આ સંકટ?

એક્સપર્ટ્સનું કહેવું છે કે, જહાજોની અવરજવર શરૂ થવી એ સારા સમાચાર છે, પરંતુ પેટ્રોલ-ગેસ સંકટ ખતમ થવામાં હજુ થોડો સમય લાગશે. કતારના રાસ લાફાન એલએનજી પરિસર અને યુએઈના હબશન ગેસ પ્લાન્ટ જેવી મહત્ત્વપૂર્ણ ઊર્જા સુવિધાઓને નુકસાન પહોંચ્યું છે. આનાથી ઉત્પાદન ક્ષમતા પ્રભાવિત થઈ છે અને સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત થવામાં સમય લાગી શકે છે.

ભારત માટે સૌથી મોટી ખુશખબરી શું છે?

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ તેમજ હોર્મુઝને ફરીથી ખોલવા પર બનેલી સહમતિ બાદ સમુદ્રી વ્યાપારમાં ભરોસો પરત ફરવા લાગ્યો છે. જો કે વૈશ્વિક શિપિંગ કંપનીઓ હજુ સંપૂર્ણપણે આશ્વસ્ત નથી અને ઘણા ઓપરેટરો પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેમ છતાં 'દિશા'નું સુરક્ષિત બહાર નીકળવું એ વાતનો સંકેત માનવામાં આવી રહ્યો છે કે હોર્મુઝમાં સામાન્ય પ્રવૃત્તિઓ ધીમે-ધીમે પુનઃસ્થાપિત થઈ શકે છે.

આ પણ વાંચો: હવે બેન્કો નહીં કરી શકે દાદાગીરી! ખોટી પ્રોડક્ટ્સ પધરાવવા પર RBIનો પ્રતિબંધ; જાણો નવા નિયમ

સૌથી મોટી રાહત એ છે કે, ત્રણ મહિનાથી જકડાયેલી ભારતની એનર્જી અને ફર્ટિલાઇઝર સપ્લાય ચેઇન હવે ફરીથી શરૂ થવાની આશા જાગી છે. 'દિશા'એ ન માત્ર એલએનજી પહોંચાડ્યું , પરંતુ એ સંદેશ પણ આપ્યો છે કે હોર્મુઝના રસ્તાઓ ફરીથી ખૂલી શકે છે. જો આગામી દિવસોમાં બાકીના 34 જહાજો પણ સુરક્ષિત બહાર નીકળી જશે તો ભારતને ઇંધણ, ગેસ અને ખાતરના પુરવઠામાં મોટી રાહત મળી શકે છે.