Get The App

ચારધામ યાત્રામાં 55 દિવસમાં 31 લાખ શ્રધ્ધાળુઓએ દર્શન પૂર્ણ કર્યા

Updated: Jun 7th, 2026

GS TEAM

Google News
Google News
ચારધામ યાત્રામાં 55 દિવસમાં 31 લાખ શ્રધ્ધાળુઓએ દર્શન પૂર્ણ કર્યા 1 - image

- ઉત્તરાખંડ યાત્રા નવા રેકોર્ડ તરફ આગળ વધી રહી છે

- સ્થાનિક રોજગારીમાં ભારે ઉછાળો જોવા મળ્યો : માળખાગત સુવિધાનો પણ વિકાસ

નવી દિલ્હી : ચારધામ યાત્રા ૨૦૨૬ એક નવા રેકોર્ડ તરફ આગળ વધી રહી છે.૧૯ એપ્રિલથી શરુ થયેલી ચારધામ યાત્રાના ૫૫ દિવસમાં ૩૧ લાખથી વધુ શ્રધ્ધાળુઓ ચારધામના દર્શન કરી ચુક્યાં છે.વર્ષ ૨૦૨૫માં ૫૧ લાખ દર્શનાર્થીઓએ દર્શન કરવા પહોચ્યાં હતાં. આ સ્થિતિએ એવી સંભાવના વ્યક્ત કરવામાં આવે છે કે આ વર્ષે ગત વર્ષનો રેકોર્ડ તૂટી શકે છે.

ઉત્તરાખંડની ચારધામ યાત્રામાં નવો રેકોર્ડ બની ગયો છે.૫૫ દિવસમાં ૩૧ લાખ ૫ હજાર ૫૫૩ પ્રવાસીઓ ચાર ધામના દર્શને પહોચ્યાં છે.કેદારનાથ ધામમાં સૌથી વધુ ૧૧ લાખ ૫ હજાર ૬૭૬ શ્રધ્ધાળુઓએ દર્શન કર્યા છે. તે જ રીતે બદ્રીનાથમાં ૯ લાખ ૮ હજાર ૬૧૯, ગંગોત્રીમાં ૫ લાખ ૨૮ હજાર ૪૦૬ અને યમુનોત્રીમાં ૫ લાખ ૭ હજાર ૪૨૧ શ્રધ્ધાળુઓએ દર્શન કર્યા છે.

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાને લઇને પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે.જે માટે સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.ચારધામમાં સીસીટીવી અને ડ્રોનથી સુરક્ષા અંગે નજર રાખવામાં આવી રહી છે.પ્રવાસીઓની વધતી સંખ્યાના કારણે ચારધામ યાત્રામાં ખાસ કરીને કેદારનાથ અને બદ્રીનાથ માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિનું નિર્માણ થાય છે.

ચારધામ યાત્રામાં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ પહોચતા હોવાથી સ્થાનિક વેપારીઓને મોટી રાહત મળી છે.હોટલ, રેસ્ટોરન્ટ, ધાબા, ઘોડા- ખચ્ચર, નાની મોટી ખાણીપીણીની દુકાનો સહિત અન્ય વેપારીઓ સારા વેપારના પગલે ખુશખુશાલ છે.આ ઉપરાંત ટેક્સી, મેક્સી, બસ અને અન્ય ટૂર ટ્રાવેલ્સ બિઝનેસને પણ ફાયદો થઇ રહ્યો છે.