TMCના 3 બળવાખોરોને લોટરી લાગી, ભાજપમાં એન્ટ્રી થતાં જ મળી ગઈ રાજ્યસભા ટિકિટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

TMC Rebels Join BJP : પશ્ચિમ બંગાળમાં 3 બેઠકો પર રાજ્યસભાની પેટાચૂંટણી યોજાવાની છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના 3 સાંસદોના રાજીનામાના કારણે આ બેઠકો ખાલી પડી હતી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્યની હાજરીમાં TMCના પૂર્વ સાંસદ સુખેન્દુ શેખર રોય, પ્રકાશ ચિક બડાઈક અને સુષ્મિતા દેબ સત્તાવાર રીતે ભાજપમાં સામેલ થઈ ગયા છે. ભાજપે આ ત્રણેય નેતાઓને રાજ્યસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું કે આ સાંસદોએ અગાઉ જ TMCમાંથી રાજીનામું આપી દીધું હતું અને હવે તેઓ ભાજપમાં જોડાવા સંમત થયા છે.
TMC છોડતા જ નેતાએ BJPના કર્યા વખાણ
સમિક ભટ્ટાચાર્યએ જણાવ્યું કે, આ સાંસદોનું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું છે. તેમણે બંગાળનો વિકાસ કરવાના સંકલ્પ સાથે ભાજપમાં જોડાવાનો સ્વીકાર કર્યો છે. વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ આ 3 સાંસદોએ TMCમાંથી રાજીનામું આપ્યું હતું. રાજીનામું આપ્યા બાદ સુષ્મિતા દેબે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા સાથે મુલાકાત પણ કરી હતી.
‘અગાઉની સરકારોએ બંગાળને રણ બનાવી દીધું’
ભાજપમાં જોડાયા બાદ સુખેન્દુ શેખર રોયે જણાવ્યું કે, 'અગાઉની સરકારોએ બંગાળને રણ બનાવી દીધું હતું. જે બંગાળ દેશને નેતૃત્વ પૂરું પાડતું હતું, ત્યાં દરેક જગ્યાએ માત્ર કૌભાંડો જ કૌભાંડો હતા. લોકસભા ચૂંટણીના 4 મહિના બાદ RG કર હોસ્પિટલની ઘટના વિરુદ્ધ રાજ્યની જનતા રસ્તા પર આવી ગઈ હતી. બંગાળમાં સરકારોનો ઉદ્દેશ્ય માત્ર કેન્દ્ર સરકારનો વિરોધ કરવાનો જ હતો. બંગાળને લોકો છોડીને જઈ રહ્યા હતા, યુવાનો બહાર જઈ રહ્યા હતા અને બંગાળ વૃદ્ધાશ્રમ બની ગયું હતું.'
તૃણમૂલ કોંગ્રેસમાં પાયાના સ્તરે ભ્રષ્ટાચાર
સુષ્મિતા દેબે પીએમ મોદીના વખાણ કરતા જણાવ્યું કે, 'મેં દીદીને સુતરાઉ સાડી અને હવાઈ ચંપલમાં જોયા હતા, પરંતુ જે પ્રકારનો ભ્રષ્ટાચાર મેં જોયો છે તે અકલ્પનીય છે. ગ્રાઉન્ડ લેવલ પર આટલો બધો ભ્રષ્ટાચાર છે. હવે લોકસભા સાંસદો પણ TMCનું સિમ્બોલ નથી ઈચ્છતા, કારણ કે આ સિમ્બોલનો અર્થ હવે ભ્રષ્ટાચાર થઈ ગયો છે. બંગાળમાં ભાજપને 2 વર્ષ આપો, બંગાળનો ચહેરો બદલાઈ જશે.'









