Get The App

PM-CMને હટાવવા અંગેના બિલમાં ત્રણ મોટી અડચણ, બે પાર કરી લેશે NDA પણ ત્રીજી...

Updated: Aug 21st, 2025

GS TEAM

Google News
Google News
PM-CMને હટાવવા અંગેના બિલમાં ત્રણ મોટી અડચણ, બે પાર કરી લેશે NDA પણ ત્રીજી... 1 - image


130th Constitution Amendment Bill: લોકસભાએ બુધવારે (19મી ઓગસ્ટ) 130મા બંધારણ સુધારા બિલ, જેમાં વડાપ્રધાન, મુખ્યમંત્રી અથવા કોઈપણ મંત્રીને ગંભીર ગુનામાં ધરપકડ કરવામાં આવે અને 30 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવે તો તેને પદ પરથી હટાવવાની જોગવાઈ અને બે અન્ય બિલ સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલ્યા છે. હવે એવી ચર્ચા થઈ રહી છે કે સંસદના શિયાળુ સત્ર પહેલા JPC આ બિલ પર પોતાનો રિપોર્ટ લોકસભા અધ્યક્ષને સુપરત કરશે. ત્યારબાદ આ બિલ પસાર કરવાની પ્રક્રિયા શરૂ થશે.

આ બંધારણ સુધારા બિલ હોવાથી તેને પસાર કરવાની પ્રક્રિયામાં ત્રણ મોટી અડચણ છે. નિયમો મુજબ, તેને સંસદના બંને ગૃહો દ્વારા ખાસ બહુમતીથી પસાર કરાવવો જોઈએ. બંધારણના અનુચ્છેદ 368 હેઠળ, બંધારણ સુધારા બિલને સંસદના બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા)માં બે સ્તરે બહુમતી જરૂરી છે. પહેલી કુલ સભ્યોની બહુમતી અને બીજી હાજર અને મતદાન કરતા સભ્યોના બે તૃતીયાંશ બહુમતી. ત્રીજી અડચણ  એ છે કે આ બિલ અડધાથી વધુ રાજ્યોની વિધાનસભાઓ દ્વારા પસાર કરાવવું પડશે.

સંસદના બંને ગૃહોમાં NDAની સંખ્યા કેટલી છે?

હવે વાત કરીએ સંસદમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની સંખ્યા અને આ સુધારા બિલ પસાર કરવામાં આવતી અડચણ વિશે. તો સંસદમાં બે સ્તરે બહુમતી જરૂરી હોવાથી, જેમાં પહેલી ગૃહના કુલ સભ્યોના 50 ટકાથી વધુ સભ્યોની સંખ્યા જરૂરી છે, તો સરકાર સરળતાથી આ અડચણને દૂર કરી શકશે કારણ કે લોકસભામાં 542 સભ્યો છે. આવી સ્થિતિમાં બિલના પક્ષમાં 50% મત એટલે કે 272 સાંસદોના મત જરૂરી છે, જ્યારે હાલમાં લોકસભામાં તેની સંખ્યા 293 છે. જ્યારે રાજ્યસભામાં કુલ સભ્યોની સંખ્યા 239 છે. સરળ બહુમતી માટે 120 સાંસદોના મતની જરૂર પડશે, જે સરળતાથી પૂર્ણ થશે કારણ કે NDA પાસે હાલમાં રાજ્યસભામાં 132 સાંસદો છે.

બે તૃતીયાંશ બહુમતીમાં મોટી અડચણ

જો બે તૃતીયાંશ બહુમતી વિશે વાત કરીએ તો તે બીજી સૌથી મોટી અડચણ છે. લોકસભામાં બે તૃતીયાંશ બહુમતીનો આંકડો 362 છે, જ્યારે રાજ્યસભામાં આ આંકડો 160 છે. લોકસભામાં NDA સાંસદોની સંખ્યા ફક્ત 293 છે અને રાજ્યસભામાં તે ફક્ત 132 છે, આ સ્થિતિમાં આ બિલ બંને ગૃહોમાં અટવાઈ શકે છે. એટલે કે સરકારને લોકસભામાં કુલ 69 સાંસદો અને રાજ્યસભામાં કુલ 28 સાંસદોના સમર્થનની જરૂર પડશે.

આ પણ વાંચો: ટ્રમ્પના ટેરિફ સામે ઢાલ બન્યો ભારતનો આ મિત્ર દેશ, 5 દેશોના સંગઠન સાથે ફ્રી ટ્રેડ ડીલની વાટાઘાટો શરૂ

વિપક્ષના સમર્થન વિના બહુમતી મેળવવી મુશ્કેલ

આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે સરકાર પાસે સંસદના બંને ગૃહોમાં બે તૃતીયાંશ બહુમતી નથી. બીજી તરફ  I.N.D.I.A. ગઠબંધન આ બિલને કાળો કાયદો ગણાવીને તેનો સખત વિરોધ કરી રહ્યું છે. જો સરકારને નવીન પટનાયકના બીજુ જનતા દળ, જગનમોહન રેડ્ડીના YRCPC અને બંને ગૃહોમાં અપક્ષોનો ટેકો મળે તો પણ તે બે તૃતીયાંશ બહુમતી મેળવી શકશે નહીં. આવી સ્થિતિમાં આ બિલ સંસદમાં પસાર થવું અશક્ય લાગે છે.

બિલ રાજ્યોની વિધાનસભામાં પણ પસાર થવું જોઈએ

130મા બંધારણ સુધારા બિલ પસાર કરવા માટે ત્રીજી મુખ્ય જરૂરિયાત એ છે કે તેને અડધાથી વધુ રાજ્યની વિધાનસભામાં પસાર કરાવવું જોઈએ. ભારત રાજ્યોનું સંઘ હોવાથી, આવા બંધારણ સુધારા બિલને 50 ટકા રાજ્યોની વિધાનસભાઓ દ્વારા પસાર કરાવવું જરૂરી છે. NDA ને આ બાબતમાં કોઈ સમસ્યા નહીં હોય કારણ કે NDA અડધાથી વધુ રાજ્યોમાં સત્તામાં છે.

એવી પણ શક્યતા છે કે જો વિપક્ષ સંયુક્ત સંસદીય સમિતિમાં જોડાય અને સરકાર તેના સૂચનો સ્વીકારે, જેમાં એવું કહી શકાય કે ન્યાયિક કસ્ટડીને બદલે દોષિત ઠેરવવા પર જ રાજીનામું ફરજિયાત બનાવવું જોઈએ, તો એવી શક્યતા છે કે વિપક્ષી પક્ષો તેને સમર્થન આપે. નહિંતર, આ સુધારા બિલ પસાર થવાની શક્યતા ઓછી છે. નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ, જો સંસદ કે વિધાનસભાના સભ્યને બે વર્ષ કે તેથી વધુ સજા ફટકારવામાં આવે છે, તો તેનું સભ્યપદ આપમેળે સમાપ્ત થઈ જાય છે અને તેણે પદ પરથી રાજીનામું આપવું પડે છે.

Tags :