Get The App

ટ્રમ્પના ટેરિફ સામે ઢાલ બન્યો ભારતનો આ મિત્ર દેશ, 5 દેશોના સંગઠન સાથે ફ્રી ટ્રેડ ડીલની વાટાઘાટો શરુ

Updated: Aug 21st, 2025

GS TEAM

Google News
Google News
India Eurasia Trade Talks


India Eurasia Trade Talks: ભારતે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા 50% ટેરિફનો ઉકેલ શોધી લીધો છે. આ માટે ભારતનું જૂનું મિત્ર રશિયા ફરી એકવાર ઢાલ બનીને સામે આવ્યું છે. ભારત અને રશિયાના નેતૃત્વ હેઠળના યુરેશિયા બ્લોક (EAEU - યુરેશિયન ઇકોનોમિક યુનિયન) વચ્ચે વેપાર સમજૂતી માટે વાતચીત શરુ થઈ ગઈ છે. બુધવારે મોસ્કોમાં ભારત અને EAEU એ મુક્ત વેપાર કરાર (FTA) માટે વાતચીત શરુ કરવા માટે 'ટર્મ્સ ઑફ રેફરન્સ' પર હસ્તાક્ષર કર્યા. આ પગલું ભારત અને અમેરિકા વચ્ચે વધતાં વેપારી તણાવ વચ્ચે લેવામાં આવ્યું છે. વિદેશ મંત્રી એસ. જયશંકર હાલમાં રશિયાના પ્રવાસે છે અને આ કરારો આ દરમિયાન થયા છે.

ભારત અને રશિયા વચ્ચે નવી વેપાર સમજૂતી

EAEUમાં આર્મેનિયા, બેલારુસ, કઝાકિસ્તાન, કિર્ગીઝ પ્રજાસત્તાક અને રશિયન ફેડરેશન સામેલ છે. ભારતે તાજેતરમાં ઇંગ્લૅન્ડ સાથે FTA પર હસ્તાક્ષર કર્યા છે અને યુરોપિયન યુનિયન (EU) સાથે પણ એક સમજૂતી માટે વાતચીત ચાલી રહી છે.

નવા વેપારી અવસરની શોધ

ભારત અમેરિકા સાથેના વેપારી તણાવ વચ્ચે નવા વેપારી અવસર શોધી રહ્યું છે. આ FTA ફક્ત ભારત માટે નવા બજાર જ નહીં ખોલે, પરંતુ રશિયા સાથેના આર્થિક સંબંધોને પણ મજબૂત બનાવશે. રશિયા EAEUમાં ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર છે અને આ બ્લોક સાથે ભારતના કુલ વેપારનો 92%થી વધુ હિસ્સો ધરાવે છે. તેમજ 2024માં ભારત અને  EAEU વચ્ચે વધતાં વેપારી કારોબાર 69 બિલિયન અમેરિકી ડૉલર સુધી પહોંચી ગયો છે.

પ્રસ્તાવિત FTAનું મહત્ત્વ અને યુરેશિયા બ્લોક

આ પ્રસ્તાવિત FTA (મુક્ત વેપાર કરાર)નું મહત્ત્વ તેની વિશાળ આર્થિક ક્ષમતામાં રહેલું છે, કારણ કે બંને પક્ષોનો સંયુક્ત કુલ ઘરેલું ઉત્પાદન (GDP) $6.5 ટ્રિલિયન છે. આ કરાર ભારતીય નિકાસકારો માટે બજારની પહોંચને વિસ્તૃત કરશે, નવા ક્ષેત્રો અને ભૌગોલિક વિસ્તારોમાં વૈવિધ્યકરણને ટેકો આપશે, બિન-બજાર અર્થવ્યવસ્થા સામે સ્પર્ધા વધારશે અને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને લાભ પહોંચાડશે. 

વાણિજ્ય મંત્રાલયના એક નિવેદન અનુસાર, આ શરતો અને સંદર્ભો વાટાઘાટો માટે માળખું પૂરું પાડે છે. આ સાથે જ રોકાણ વધારવા અને ભારત-EAEU વચ્ચે એક મજબૂત, ટકાઉ આર્થિક ભાગીદારી સ્થાપિત કરવાની અપેક્ષા છે.

આ પણ વાંચો: 'આ અમેરિકાના ઈતિહાસનું સૌથી મૂર્ખતાપૂર્ણ પગલું...' ટોચના અર્થશાસ્ત્રી ટ્રમ્પના ટેરિફ મુદ્દે બગડ્યાં

2030 સુધીમાં વેપારને $100 બિલિયન સુધી પહોંચાડવાનું FTAનું લક્ષ્ય

બંને પક્ષોએ શક્ય તેટલી વહેલી તકે કરારને અંતિમ સ્વરૂપ આપવા અને લાંબા ગાળાના વેપાર સહયોગ માટે એક સંસ્થાકીય માળખું બનાવવાની પોતાની પ્રતિબદ્ધતા ફરીથી વ્યક્ત કરી. ભારત અને રશિયાએ 2030 સુધીમાં પોતાના દ્વિપક્ષીય વેપારને $100 બિલિયન સુધી પહોંચાડવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખ્યો છે, જે હાલમાં $65 બિલિયન કરતાં વધુ છે. આ FTA ફક્ત ભારત માટે રશિયા અને અન્ય EAEU દેશો સાથેના વેપારી સંબંધોને વધુ ગાઢ નહીં બનાવે, પરંતુ ઇન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર (INSTC) જેવી માળખાગત પરિયોજનાઓ દ્વારા વેપારી જોડાણને પણ પ્રોત્સાહન આપશે.

યુરેશિયા શું છે?

યુરેશિયા (Eurasia) એક ભૌગોલિક અને ભૂ-રાજનીતિક શબ્દ છે, જે યુરોપ અને એશિયા ખંડોને એક સંયુક્ત ભૌગોલિક યુનિટ તરીકે દર્શાવે છે. આ પૃથ્વીનો સૌથી મોટો સળંગ જમીનનો ભાગ છે, જે પૂર્વમાં પ્રશાંત મહાસાગરથી લઈને પશ્ચિમમાં એટલાન્ટિક મહાસાગર સુધી અને ઉત્તરમાં આર્કટિક મહાસાગરથી લઈને દક્ષિણમાં હિન્દ મહાસાગર અને ભૂમધ્ય સમુદ્ર સુધી ફેલાયેલો છે. યુરેશિયામાં લગભગ 55 મિલિયન ચોરસ કિલોમીટર ક્ષેત્ર સામેલ છે, જે વિશ્વના કુલ જમીન વિસ્તારનો લગભગ 36.2% છે.

ટ્રમ્પના ટેરિફ સામે ઢાલ બન્યો ભારતનો આ મિત્ર દેશ, 5 દેશોના સંગઠન સાથે ફ્રી ટ્રેડ ડીલની વાટાઘાટો શરુ 2 - image


Tags :