ઉત્તરાખંડના 23 હિમશિખરોમાંથી 25 કિ.મી. બરફ પીગળતા તારાજીના એંધાણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

: ઉત્તરાખંડમાંથી જળવાયુ પરિવર્તન અને પર્યાવરણમાં ફેરફાર સંબંધિત અહેવાલોએ વૈજ્ઞાાનિકોની ચિંતા વધારી દીધી છે. ભારતના મધ્ય હિમાલયમાં હિમશિખરો ઝડપથી પીગળી રહ્યા છે. દહેરાદૂન અને વાડિયા ઈન્સ્ટિટયૂટ ઓફ હિમાલયન જિયોલોજીના સંશોધકોના અભ્યાસ મુજબ ઉત્તરાખંડના 23 મોટા હિમશિખરોમાંથી 25 કિ.મી.ના વિસ્તાર જેટલો બરફ પીગળવાથી તારાજીના એંધાણ મળી રહ્યા છે.
દહેરાદૂન અને વાડિયા ઈન્સ્ટિટયૂટ ઓફ હિમાલયન જિયોલોજીના સંશોધકોની સમીક્ષા ડિસ્કવરી જીયોસાયન્સ જર્નલમાં પ્રકાશિત થઈ છે. આ અભ્યાસમાં 1990થી 2024 વચ્ચે પ્રકાશિત સંશોધનો, ફિલ્ડ સરવે, સેટેલાઈટ ઈમેજરી, ડીઈએમ અને અન્ય વર્તમાન અભ્યાસોનું વિશ્લેષણ કરાયું છે. સમીક્ષામાં 23 મોટા હિમશિખરોમાં 25,621.01 મીટરનો કુલ ઘટાડો નોંધાયો છે. અભ્યાસ મુજબ ઉત્તરાખંડમાં ટિહરી ગઢવાલનું ખાતલિંગ હિમશિખર સૌથી ઝડપથી પીગળી રહ્યું છે, જ્યાં બરફ પીગળવાનો સરેરાશ દર 1965થી 2014 વચ્ચે વાર્ષિક 88 મીટર નોંધાયો છે. આ સમયમાં આ હિમશિખર અંદાજે 4.34 કિ.મી. પીગળ્યું છે, જેના કારણે હિમશિખર નાના ભાગોમાં ખંડિત થયું છે. અભ્યાસ મુજબ હિમશિખરોના પીગળવાનો દર માત્ર તાપમાન પર આધારિત નથી. સુપ્રાગ્લેશિયર કાટમાળ એટલે કે બરફની સપાટી પર જમા થયેલો ખડકોનો કાટમાળ અનેક હિમશિખરોમાં ઈન્સ્યુલેશનનું કામ કરે છે અને સપાટી પીગળવાનો દર ધીમો કરી શકે છે.
વાડિયા ઈન્સ્ટિટયૂટના વરિષ્ઠ વૈજ્ઞાનિક મનીષ મહેતાએ કહ્યું, ઉત્તરાખંડના અપર અલકનંદા બેસિનમાં 1994થી 2020 વચ્ચે બરફાચ્છાદિત વિસ્તારમાં ઘટાડો નોંધાયો હતો. આ ક્ષેત્રમાં બરફના ઘટવાનો દર લગભગ વાર્ષિક 9.3 મીટરથી વધીને વાર્ષિક 13.3 મીટર થયો હતો.
દરમિયાન આ વર્ષે અલ નીનોની અસરના કારણે ચોમાસામાં 16 રાજ્યોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થયો છે. એટલે કે દેશના 43 ટકા વિસ્તારોમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગ મુજબ એક જૂનથી 18 સપ્ટેમ્બર 2026 સુધી માત્ર 691.9 મીમી વરસાદ નોંધાયો હતો. આથી ખેડૂતો પર દુષ્કાળનું જોખમ તોલાઈ રહ્યું છે. ઓછા વરસાદની સીધી અસર પાકની ઉપજ સહિત અન્ય બાબતો પર પડી છે. વધુમાં ઓછા વરસાદના કારણે આગામી સમયમાં પીવાના પાણીની અછત સર્જાઈ શકે છે.
હવામાન વિભાગ મુજબ દેશમાં સામાન્ય 812.1 મીમીની સરખામણીમાં માત્ર 691.9 મીમી વરસાદ નોંધાયો છે. દેશના 18 રાજ્ય એટલે કે 55 ટકા વિસ્તારમાં સામાન્ય વરસાદ થયો છે. આ ચોમાસામાં પૂર્વોત્તર ભારતમાં સામાન્યથી 25 ટકા ઓછો વરસાદ થયો છે. ઉત્તર ભારતમાં 9 ટકા, મધ્ય ભારતમાં 6 ટકા જ્યારે દક્ષિણ ભારતમાં 28 ટકા ઓછો વરસાદ થયો છે. દેશના 741 જિલ્લામાંથી 342 જિલ્લામાં સૌથી ઓછો વરસાદ થયો છે. દેશના માત્ર 87 જિલ્લામાં વધારેથી અતિ વધારે વરસાદ થયો છે. 305 જિલ્લામાં સામાન્ય અને 342 જિલ્લામાં ઓછાથી એકદમ ઓછો વરસાદ થયો છે.




