દુષ્કર્મ બાદ વિદ્યાર્થિનીએ આત્મહત્યા કર્યાની વાત ફેલાઈ, 2000 વિદ્યાર્થીઓની લવલી યુનિવર્સિટીમાં તોડફોડ અને આગચંપી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

LPU-Jalandhar Student Protest: પંજાબના જાલંધર ખાતે આવેલી પ્રખ્યાત 'લવલી પ્રોફેસનલ યુનિવર્સિટી' (LPU)માં શનિવારે મોડી રાત્રે અચાનક ભારે હિંસક વિરોધ પ્રદર્શન અને હોબાળો મચી ગયો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સેંકડો વિદ્યાર્થીઓ કેમ્પસમાં તોડફોડ કરતા અને પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓના આ ઉગ્ર આક્રોશને કારણે જાલંધર નેશનલ હાઈવે પર કલાકો સુધી ભારે ચક્કાજામ સર્જાયો હતો. રવિવારે સવારે પણ યુનિવર્સિટીના મુખ્ય ગેટ પર વિદ્યાર્થીઓએ ધરણા ચાલુ રાખ્યા હતા, જેના કારણે પરિસ્થિતિ તણાવપૂર્ણ બની હતી.
ગંભીર આરોપ: દુષ્કર્મ બાદ વિદ્યાર્થીનીએ આત્મહત્યા કર્યાનો દાવો
વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓનો આરોપ છે કે, કેમ્પસમાં એક વિદ્યાર્થીની સાથે કથિત રીતે દુષ્કર્મ (રેપ) ની ઘટના બની હતી. ત્યારબાદ તેને ઘરે મોકલી દેવાઈ હતી, જ્યાં તેણે માનસિક આઘાતમાં આવીને આત્મહત્યા કરી લીધી હતી. વિદ્યાર્થીઓએ એવો પણ ગંભીર આક્ષેપ કર્યો હતો કે યુનિવર્સિટી પ્રશાસન અને સિક્યોરિટી ગાર્ડ્સ આ સમગ્ર મામલાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને સવાલ પૂછવા પર તેમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ જાલંધર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને વિદ્યાર્થીઓને શાંત પાડવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
LPU પ્રશાસનની સ્પષ્ટતા: 'પાયાવિહોણી અફવાઓ અને ષડયંત્ર'
વિદ્યાર્થીઓના આક્રોશ અને કેમ્પસમાં થયેલી તોડફોડ અંગે LPUના રજિસ્ટ્રાર ડૉ. મોનિકા ગુલાટીએ સત્તાવાર નિવેદન આપતાં દુષ્કર્મની વાતને સખત શબ્દોમાં નકારી કાઢી છે. તેમણે ષડયંત્રનો આરોપ લગાવતા કહ્યું કે, કેટલાક અસામાજિક તત્વો સોશિયલ મીડિયાના માધ્યમથી સંપૂર્ણપણે ખોટી, પાયાવિહોણી અને મનઘડત અફવાઓ ફેલાવી રહ્યા છે. આ યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનું અને શાંતિપૂર્ણ શૈક્ષણિક વાતાવરણ ડહોળવાનું એક સુઆયોજિત ષડયંત્ર હોય તેમ જણાય છે.
ગ્રાહકો/વાલીઓને અપીલ
પ્રશાસને વિદ્યાર્થીઓ, વાલીઓ અને સામાન્ય જનતાને વિનંતી કરી છે કે આવી કોઈ અફવાઓ પર વિશ્વાસ ન કરવો અને માત્ર યુનિવર્સિટીના સત્તાવાર માધ્યમો દ્વારા મળતી માહિતી પર જ ભરોસો રાખવો. અત્યારે પોલીસ પ્રશાસન દ્વારા સ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
પોલીસ પાસે કોઈ ફરિયાદ નથી આવી
SSP ગૌરવ તૂરાના જણાવ્યું કે, અત્યાર સુધી પોલીસને આ ઘટનાની પુષ્ટિ કરતો કોઈ પુરાવો નથી મળ્યો અને પોલીસ પાસે કોઈ ફરિયાદ પણ નથી આવી. તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની મિલકતને ભારે નુકસાન પહોંચાડ્યું છે, જેમાં તોફાન અને તોડફોડ સામેલ છે. વિદ્યાર્થીઓએ નેશનલ હાઈવે પણ ઘેરી લીધો હતો, પરંતુ હવે હાઈવે ખુલ્લો છે. સ્થિતિ હવે કાબૂમાં કરી લેવામાં આવી છે.
2000 વિદ્યાર્થીઓએ લવલી યુનિવર્સિટીમાં તોડફોડ-આગચંપી કરી
પોલીસનું કહેવું છે કે વિરોધ પ્રદર્શનમાં લગભગ 2,000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો . પ્રદર્શન ગર્લ્સ હોસ્ટેલ નજીક શરૂ થયું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓએ કેમ્પસમાં તોડફોડ કરી, મિલકતને નુકસાન પહોંચાડ્યું, બારીઓના કાચ તોડ્યા, ઈંટો અને કૂંડાં ફેંક્યા અને કેમ્પસની અંદર ઈમારતોના કેટલાક ભાગોમાં આગ ચાંપી દીધી.




