135 વર્ષ જૂનો કાયદો રદ: કોર્ટમાં ડિજિટલ અને ક્લાઉડ બેંકિંગ રેકોર્ડ્સ હવે માન્ય પુરાવો ગણાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bankers Books Evidence Act 2026 : બેંકિંગ વ્યવસ્થામાં ટેક્નોલોજીના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ કાયદાકીય ફેરફાર કર્યો છે. નાણા મંત્રાલયે Bankers’ Books Evidence Act, 2026ને 1 ઓક્ટોબર, 2026થી અમલમાં મૂકવા માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ કાયદાને રાષ્ટ્રપતિની મંજૂરી 13 ઓગસ્ટે મળી હતી. નવો કાયદો 1891ના જૂના Bankers’ Books Evidence Actનું સ્થાન લેશે.
ડિજિટલ અને ક્લાઉડ રેકોર્ડને પણ માન્યતા
નવા કાયદાની સૌથી મહત્વપૂર્ણ જોગવાઈ એ છે કે તેમાં બેંકિંગ રેકોર્ડની વ્યાખ્યાને ટેક્નોલોજી પ્રમાણે વિસ્તૃત કરવામાં આવી છે. હવે ફિઝિકલ, ઇલેક્ટ્રોનિક, ડિજિટલ, વર્ચ્યુઅલ અને ક્લાઉડ આધારિત રેકોર્ડને પણ ‘bankers’ books’માં સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બેકઅપ અને ડિઝાસ્ટર રિકવરી સાઇટ પર સંગ્રહિત રેકોર્ડને પણ આ માળખા હેઠળ આવરી લેવામાં આવ્યા છે. એટલે ટેક્નોલોજીમાં થતા ફેરફારો સાથે કાયદો પણ સુસંગત રહી શકે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ઇલેક્ટ્રોનિક પુરાવા માટે અલગ સર્ટિફિકેશન
નવા કાયદામાં ફિઝિકલ અને ઇલેક્ટ્રોનિક રેકોર્ડ માટે અલગ પ્રમાણપત્રની વ્યવસ્થા કરવામાં આવી છે. First Schedule હેઠળ ફિઝિકલ રેકોર્ડ અને Second Schedule હેઠળ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ માટે પ્રમાણપત્રની જોગવાઈ છે. આ પ્રમાણપત્રો મેન્યુઅલ ઉપરાંત Information Technology Act, 2000 હેઠળ માન્ય ડિજિટલ અથવા ઇલેક્ટ્રોનિક હસ્તાક્ષરથી પણ પ્રમાણિત કરી શકાશે. ખાસ વાત એ છે કે કોઈ બેંકિંગ રેકોર્ડ માત્ર ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં છે એટલા માટે તેની પુરાવા તરીકેની સ્વીકાર્યતા નકારી શકાશે નહીં. તેની ઓથેન્ટિસિટી, ઇન્ટિગ્રિટી અને સાયબર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કાયદામાં જરૂરી સુરક્ષાત્મક જોગવાઈઓ કરવામાં આવી છે.
બેંક અધિકારીઓને કોર્ટમાં બોલાવવા અંગે સ્પષ્ટતા
નવા કાયદામાં બેંક કાર્યવાહીનો પક્ષકાર ન હોય ત્યારે તેના અધિકારીઓને કોર્ટમાં બોલાવવા અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. આવા અધિકારીને સમન્સ પાઠવવા માટે કોર્ટને ‘special cause’ લેખિતમાં નોંધવું પડશે. કાયદામાં પહેલીવાર ‘special cause’નો અર્થ પણ સ્પષ્ટ કરવામાં આવ્યો છે, જેથી બેંકના અધિકારીઓ અથવા રેકોર્ડને કોર્ટમાં બોલાવવાની પ્રક્રિયા વધુ મર્યાદિત અને સ્પષ્ટ બની શકે.
નાણાકીય ક્ષેત્રની અન્ય સંસ્થાઓને પણ લાગુ થઈ શકે
કેન્દ્ર સરકારને નોટિફિકેશન દ્વારા નાણાકીય ક્ષેત્રની ચોક્કસ સંસ્થાઓ અથવા સંસ્થાઓના વર્ગો સુધી આ કાયદાની જોગવાઈઓ વિસ્તૃત કરવાની સત્તા પણ આપવામાં આવી છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ સુધારાઓનો હેતુ ટેક્નોલોજીકલ પરિવર્તન અને બદલાતી આર્થિક જરૂરિયાતો સાથે કાયદાને આધુનિક બનાવવાનો છે. સાથે જ Ease of Doing Businessને પ્રોત્સાહન આપી વધુ કાર્યક્ષમ અને આધુનિક નાણાકીય વ્યવસ્થા ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.




