India

10 લાખ શ્રદ્ધાળુ કેદારનાથ પહોંચ્યા ભારે વરસાદને પગલે યાત્રા અટકાવાઇ

By GS Team
31 May 20262 mins read
10 લાખ શ્રદ્ધાળુ કેદારનાથ પહોંચ્યા ભારે વરસાદને પગલે યાત્રા અટકાવાઇ

- ઉત્તરાખંડના જોશીમઠમાં 20 કિમી સુધી ટ્રાફિક જામ

- ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાની આગાહી : ચંપાવતમાં નદીમાં ફસાયેલા 50 શ્રદ્ધાળુ રેસ્ક્યુ કરાયા

- રાજસ્થાનમાં આંધી યથાવત, દિલ્હીમાં વરસાદ પડતા ગરમીથી રાહત, હિમાચલમાં પણ તાપમાનમાં ઘટાડો 

કેદારનાથ: ચાર ધામ યાત્રા શરૂ થયાના ૪૦ દિવસમાં ૧૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામ દર્શન કરવા પહોંચ્યા હતા.   હાલમાં પણ જોશીમઠ પર ૨૦ કિમી લાંબી લાઇન લાગી છે. આ પરિસ્થિતિ વચ્ચે હવે ભારે વરસાદ પડી રહ્યો છે જેને પગલે હાલ પુરતા ચાર ધામ યાત્રાને અટકાવવી પડી હતી. જ્યારે દેશમાં અન્ય રાજ્યોમાં પણ વાતાવરણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે.

કાળજાળ ગરમીનો સામનો કરી રહેલા કેટલાક રાજ્યોમાં વરસાદ પડતા લોકોને ભારે રાહત થઇ છે, રાજધાની દિલ્હીમાં વરસાદ પડયો હતો, હવામાન વિભાગે ભારે પવન સાથે ઉત્તરપશ્ચિમ અને મધ્ય વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે. જ્યારે ધર્મ નગરી ગણાતા ઉત્તરાખંડમાં ભારેથી અતી ભારે વરસાદને કારણે કેદારનાથ યાત્રાને અટકાવવી પડી હતી. જેને પગલે હજારો યાત્રાળુઓ ફસાયા હતા. અહીંના ચંપાવતમાં નદીમાં આશરે ૫૦ જેટલા શ્રદ્ધાળુઓ ફસાયા હતા જેમને રેસ્ક્યૂ કરીને બચાવી લેવાયા છે. ભારે વરસાદ વચ્ચે હવે ઉંચાઇવાળા વિસ્તારોમાં હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે. 

બીજી તરફ રાજસ્થાનમાં ધૂળની આંધીએ લોકોને ભારે હાલાકીમાં મુકાયા હતા, જેને કારણે તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો હતો. આકાશમાં ધૂળની ડમરીઓ અને ગાઢ વાદળા જોવા મળ્યા હતા. કેટલાક વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ પણ પડયો હતો. જોકે તેમ છતા ફાલોદી વિસ્તારમાં મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રીએ પહોંચ્યું હતું. હિમાચલ પ્રદેશમાં અનેક વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ પડયો હતો. ઉત્તરાખંડમાં રુદ્રપ્રયાગના પોલીસ વડા નિહારિકા તોમરે કહ્યું હતું કે અત્યાર સુધીમાં ૧૦ લાખ શ્રદ્ધાળુઓએ બાબા કેદારનાથના દર્શન કર્યા છે. જ્યારે ૭.૨૫ લાખથી વધુ શ્રદ્ધાળુઓ બદરીનાથ ધામ પહોંચી ચુક્યા છે. સતત વરસાદ અને ઉંચાઇવાળા વિસ્તારમાં હિમવર્ષા છતા શ્રદ્ધાળુઓ અડીખમ જોવા મળી રહ્યા છે. જોકે ભારે ધસારાને પગલે જોશીમઠ અને આસપાસના વિસ્તારોમાં ૨૦થી ૨૫ કિમી સુધી લાંબી લાઇનો લાગી છે. અનેક શ્રદ્ધાળુઓ કલાકો સુધી પોતાના વાહનોમાં ફસાયેલા પણ જોવા મળ્યા હતા.