ગુજરાતના 206 ડેમમાં 41% જળસ્તર, ગયા વર્ષે 59% હતું, સરદાર સરોવર 65% પહોંચતા રાહત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News : ગુજરાતમાં ચોમાસાની સીઝન વચ્ચે જળાશયોના પાણીના સ્તરને લઈને ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. રાજ્યના તમામ 206 જળાશયોમાં હાલની સ્થિતિએ સરેરાશ માત્ર 41.14 ટકા જ જળસંગ્રહ ઉપલબ્ધ છે. ગયા વર્ષની સરખામણીએ આ આંકડો ઘણો ઓછો છે, કારણ કે ગત વર્ષે 15 જુલાઈ સુધીમાં રાજ્યના ડેમોમાં સરેરાશ 59 ટકા જેટલું જળસ્તર નોંધાઈ ચૂક્યું હતું. જોકે, આ નબળા આંકડા વચ્ચે રાહતના સમાચાર એ છે કે ગુજરાતની જીવાદોરી ગણાતા નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમમાં હાલ 65.22 ટકા જળસ્તર છે, જે આગામી સમય માટે મોટી આશા જગાવે છે.
106 જળાશયો તળિયાઝાટક: 12 ડેમ હાઈ એલર્ટ પર
રાજ્યના જળસંપત્તિ વિભાગના અહેવાલ મુજબ, ગુજરાતના માત્ર 5 જળાશયો જ હાલમાં સંપૂર્ણ 100 ટકા ભરાયેલા છે. પાણીની સપાટી વધવાને કારણે હાલમાં રાજ્યના 12 જળાશયોને ‘હાઈ એલર્ટ’ પર રાખવામાં આવ્યા છે, જ્યારે 2 ડેમ ‘એલર્ટ’ અને 11 જળાશયો ‘વોર્નિંગ’ હેઠળ મૂકવામાં આવ્યા છે.
70 થી 100 ટકા: 20 જળાશયો
50 થી 70 ટકા: 25 જળાશયો
25 થી 50 ટકા: 50 જળાશયો
25 ટકાથી ઓછું જળસ્તર: 106 જળાશયો (જે ચિંતાનો વિષય છે)
ગયા વર્ષની સરખામણીએ વરસાદ ઓછો
ગયા વર્ષે 15 જુલાઈ સુધીમાં ગુજરાતમાં સીઝનનો સરેરાશ 50 ટકાથી વધુ વરસાદ વરસી ગયો હતો. જેના કારણે જળાશયોની સ્થિતિ ઘણી મજબૂત હતી. ગત વર્ષે આ સમયે મધ્ય ગુજરાતમાં 63.51 ટકા અને સૌરાષ્ટ્રના જળાશયોમાં 63.33 ટકા પાણીનો સ્ટોક હતો, જેની સામે આ વર્ષે ભારે ઘટાડો જોવા મળ્યો છે.
કચ્છમાં પાણીની ગંભીર કટોકટી, દક્ષિણ ગુજરાત પણ પાછળ
જો વિસ્તાર પ્રમાણે વાત કરીએ તો, આ વર્ષે કચ્છમાં સૌથી ઓછો વરસાદ પડવાને કારણે ત્યાં પાણીની સ્થિતિ વિકટ બની છે. કચ્છના જળાશયોમાં અત્યારે સૌથી ઓછું એટલે કે માત્ર 24.38 ટકા જ પાણી બચ્યું છે. આ ઉપરાંત
મધ્ય ગુજરાત: 48 ટકા જળસ્તર
દક્ષિણ ગુજરાત: 41 ટકા જળસ્તર
ઉત્તર ગુજરાત: 39 ટકા જળસ્તર
સૌરાષ્ટ્ર: 39 ટકા જળસ્તર









