જંગલ જમીન માટે જંગ: આદિવાસીઓને આદિવાસીઓ સામે કોણ લડાવી રહ્યું છે? આંદોલન પાછળનું અસલી કારણ શું?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sagbara Forest Land Protest: નર્મદા અને સુરત જિલ્લાની સરહદ પર આવેલા સાગબારા અને ઉમરપાડા વિસ્તારમાં જંગલ જમીન ખેડાણનો મામલો હવે રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. જંગલ જમીનના પ્રશ્ને આદિવાસીઓ દ્વારા શરૂ કરવામાં આવેલા ધરણા અને આંદોલનને આજે 7 દિવસ પૂરા થયા છે, પરંતુ હજુ સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. આ વિવાદને લઈને માત્ર સ્થાનિક સ્તરે જ નહીં, પરંતુ રાજકીય સ્તરે પણ ગરમાવો આવ્યો છે અને શાસક તેમજ વિપક્ષના નેતાઓ આમસામે આવી ગયા છે.
ભાજપના જ નેતાઓ બેઠા ધરણા પર, છતાં પ્રશ્ન અણઉકેલ!
સાગબારાના આદિવાસીઓના સમર્થનમાં ભાજપના જ સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડૉ. દર્શનાબહેન દેશમુખ દ્વારા અગાઉ ધરણા કરવામાં આવ્યા હતા. આંદોલનના સાત દિવસ દરમિયાન ભાજપના આગેવાન લીલા વસાવા અન્નનો એક પણ દાણો લીધા વગર સતત ધરણા પર બેઠા છે, તેમ છતાં આદિવાસીઓના પ્રશ્નો હજુ હલ થયા નથી. આંદોલનકારીઓએ ચેતવણી આપી છે કે જ્યાં સુધી આદિવાસીઓને તેમના હક્કો નહીં મળે, ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે.
કોંગ્રેસના નેતાઓના આક્ષેપો: 'આ માત્ર રાજકીય નાટક છે'
ખેડૂતોની મુલાકાતે પહોંચેલા વિપક્ષના નેતા તુષાર ચૌધરી, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, પૂર્વ ધારાસભ્ય પી.ડી. વસાવા અને સુખરામ રાઠવા સહિતના કોંગ્રેસી નેતાઓએ સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.
વર્ષ 2025 સુધી નહોતો કોઈ વાંધો: તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, 'સાગબારા અને ઉમરપાડાના લોકો વર્ષોથી જંગલની જમીન ખેડતા હતા અને વર્ષ 2025 સુધી તેમને કોઈ વાંધો આવ્યો નહોતો. અચાનક વન વિભાગ જાગ્યું છે અને સાગબારાના 12 જેટલા ગામના લોકોને ખેતી કે પ્રવેશ કરવા દેવામાં આવતો નથી. જ્યારે ઉમરપાડાના લોકોને કોઈ રોકટોક નથી. ઉમરપાડાના લોકો પાસે સનદ કે દાવો ન હોવા છતાં તેમને છૂટ છે, જે દર્શાવે છે કે વન વિભાગ રાજકીય દબાણ હેઠળ પક્ષપાતી કામ કરી રહ્યું છે.'
એક કેસનું બહાનું અને રાજકારણ: તુષાર ચૌધરીએ આક્ષેપ કર્યો હતો કે વન વિભાગ એક દુષ્કર્મના કેસનું બહાનું આગળ ધરી રહી છે, પરંતુ માત્ર આ એક કેસને લઈને 12 ગામના લોકોને ખેતી કરતા રોકી શકાય નહીં. આ બધું 2027 ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બે જિલ્લાના ભાજપના નેતાઓ વચ્ચેનું રાજકારણ રમાઈ રહ્યું છે. જો સીએમ સુધી રજૂઆત થઈ હોય તો અડધો કલાકમાં નિરાકરણ આવી શકે, પરંતુ કોઈ અધિકારી ધરણા પર બેઠેલા લોકોને મળવા પણ કેમ ન આવ્યા? આગામી વિધાનસભાના ચોમાસા સત્રમાં આ મામલો જોરશોરથી ઉઠાવવામાં આવશે.
અનંત પટેલના પ્રહારો: વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે, ભાજપના નેતાઓ નાટક કરી રહ્યા છે. પોતાની જ સરકાર સામે સાંસદ અને ધારાસભ્યએ ધરણા પર બેસવું પડે તે શરમજનક છે. મુખ્યમંત્રીમાં ઈચ્છાશક્તિ હોય તો તુરંત નિકાલ આવવો જોઈએ.
ઉમરપાડામાં 'જંગલ બચાવો' રેલી અને વિરોધ
એક તરફ સાગબારાના ખેડૂતો હક્ક માટે લડી રહ્યા છે, તો બીજી તરફ ઉમરપાડા ખાતે 'જંગલ બચાવો, આદિવાસી બચાવો' રેલી યોજાઈ હતી. ઉમરપાડા તાલુકાના ગ્રામજનોએ એકત્ર થઈને લગભગ બે કિલોમીટર લાંબી રેલી કાઢી હતી અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ રેલીમાં સાગબારાના ખેડૂતો દ્વારા ઉમરપાડાની જમીન પર થઈ રહેલા ખેડાણ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
મોટો સવાલ: આદિવાસીઓને આદિવાસીઓ સામે કોણ લડાવી રહ્યું છે?
આ સમગ્ર ઘટનાક્રમ જોતાં સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે, શું જંગલની જમીન માટેનો આ જંગ હવે 'આદિવાસીઓ વિરુદ્ધ આદિવાસીઓ' અને 'રાજકીય જંગ' બની ગયો છે? બે જિલ્લાનું રાજકારણ અને શાસક પક્ષના નેતાઓની પોતાની જ સરકાર સામેની અસહાયતા ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્ર અને રાજકીય દબાણ તરફ ઈશારો કરી રહી છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ વિવાદનો ક્યારે અને કેવો ઉકેલ લાવે છે.









