સાગબારા જંગલ જમીન વિવાદ: શનિવારે બે મંત્રીઓ ખેડૂતો સાથે કરશે સીધી વાટાઘાટો!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sagbara Forest Land Protest: નર્મદા જિલ્લાના સાગબારા ખાતે ચાલી રહેલો જંગલ જમીનનો વિવાદ હજુ વણઉકેલાયેલો રહ્યો છે. પોતાના હક્ક અને જંગલ જમીન ખેડાણ માટે આદિવાસી ખેડૂતો દ્વારા શરૂ કરાયેલા ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. આ વિવાદ અંગે ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. બેઠકના નિર્ણય અનુસાર, શનિવારે (29મી ઓગસ્ટ) બે મંત્રીઓ સાગબારા પહોંચીને આંદોલનકારી ખેડૂતો સાથે સીધી વાતચીત કરશે અને જમીનના દાવાઓ અંગે તેમની રજૂઆતો સાંભળશે.
જંગલ જમીનના 80 હજાર પેન્ડિંગ દાવાઓ મુદ્દો ગાંધીનગર પહોંચ્યો
ઉમરપાડામાં ખેડૂતો સાથે થયેલા ઘર્ષણ અને સાગબારામાં ચાલી રહેલા ખેડૂતોના ધરણા અંગે ભરુચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ગાંધીનગરમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલના નિવાસસ્થાને મહત્ત્વપૂર્ણ બેઠક કરી હતી. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ વન અને પર્યાવરણ વિભાગના મંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સાગબારા અને ઉમરપાડા વિસ્તારમાં લાંબા સમયથી વિવાદમાં રહેલા જમીનના દાવાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે રક્ષાબંધન બાદ બંને મંત્રીઓ સાગબારાની મુલાકાત લેશે. સાગબારા સહિતના વિસ્તારોમાં જંગલ જમીનના અંદાજે 80 હજાર જેટલા દાવાઓ પડતર છે. આ અંગે મંત્રીઓ ખેડૂતો સાથે રૂબરૂ ચર્ચા કરશે અને જરૂરી પુરાવાના આધારે દાવાઓનો નિકાલ કરવામાં આવશે. જે ખેડૂતોને સનદ મળી ગઈ હોવા છતાં ખેડાણ કરતા રોકવામાં આવી રહ્યા છે તે મુદ્દે પણ ચર્ચા હાથ ધરવામાં આવશે.
કોંગ્રેસ પ્રદેશના મહામંત્રી સંદીપ માંગરોલાએ ખેડૂતો સાથે મુલાકાત કરી
બીજી તરફ, 27મી ઓગસ્ટે પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલાએ ધરણા સ્થળે પહોંચી ખેડૂતોની મુલાકાત લીધી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે સનદ ધરાવતા ખેડૂતોને પણ ખેડાણ કરતા રોકવામાં આવી રહ્યા છે. તેમણે ખેડૂતોના સમર્થનમાં ચળવળ તીવ્ર બનાવવાની ચીમકી આપી હતી.

મંત્રીઓની સાગબારા મુલાકાત બાદ આ વિવાદનો સકારાત્મક ઉકેલ આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ખેડૂતોની મુખ્ય માંગણીઓ અંગે શનિવારે યોજાનારી આ બેઠક પર હવે સૌની નજર મંડાયેલી છે.




