નર્મદા: રેશનકાર્ડ ધારકો માટે વિશેષ એપ લોન્ચ કરવામાં આવી, થમ્બ વેરિફિકેશન અને લાઇનની ઝંઝટ ખતમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Narmada Ration App: નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામડાંઓ અને શહેરોમાં ગરીબોને મળવાપાત્ર અનાજ સસ્તા અનાજના દુકાનદારો દ્વારા પૂરતું આપવામાં આવતું નથી અને તેઓ અનાજની ઉચાપત કરીને વેચી દે છે, તેવી ફરિયાદો વારંવાર પુરવઠા અધિકારીને મળતી હતી. આ સમસ્યાના નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક, ઝડપી અને લાભાર્થીલક્ષી બનાવવા માટે સીબીડીસી(CBDC) પ્રોજેક્ટ અમલમાં મૂકાયો છે. નર્મદા જિલ્લામાં પણ આ નવી વ્યવસ્થા શરૂ થતાં રેશનકાર્ડ ધારકોને તેમના હકનું સંપૂર્ણ અનાજ મળી રહે તે સુનિશ્ચિત કરવા એક વિશેષ એપ લોન્ચ કરવામાં આવી છે.
લાઇનો અને થમ્બ વેરિફિકેશનમાંથી મળશે મુક્તિ
આ નવી વ્યવસ્થા હેઠળ લાભાર્થીઓને રેશન લેવા માટે દુકાન પર લાંબા સમય સુધી લાઇનમાં ઊભા રહેવાની કે થમ્બ વેરિફિકેશન માટે રાહ જોવાની જરૂરિયાત નહિવત થઈ જશે. સમગ્ર પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનવાથી લોકોના સમયની બચત થશે અને સરકારી સેવાઓ વધુ અસરકારક રીતે મળી શકશે.
મોબાઇલ એપથી ગ્રાહકોમાં ખુશીનો માહોલ
હવે લાભાર્થીઓ પોતાના મોબાઇલમાં જ જોઈ શકશે કે તેમને દર મહિને કેટલું અનાજ મળવાપાત્ર છે અને ખરેખર કેટલું અનાજ આપવામાં આવ્યું છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આ એપના ઉપયોગથી રેશનકાર્ડ ધારકો ખૂબ ખુશ છે. અગાઉ ગ્રાહકોને કેટલું અનાજ મળતું હતું તેની સાચી માહિતી નહોતી, પણ હવે આ એપ દ્વારા પારદર્શિતા આવતાં લોકો સરકારના આ હકારાત્મક અભિગમને બિરદાવી રહ્યા છે.
CBDC(ડિજિટલ રુપી)માં રજિસ્ટ્રેશન કરવા અંગેની માર્ગદર્શિકા
- રજિસ્ટ્રેશન પહેલાંની જરૂરી પ્રક્રિયા:
કેટેગરી-1: વાઇટ લિસ્ટિંગ થયેલ લાભાર્થીઓ માટે - જો આધાર કાર્ડ અને રેશનકાર્ડમાં મોબાઇલ નંબર સમાન હોય તો સ્માર્ટફોન અને લિંક કરેલ SIM કાર્ડ સાથે જનસેવા કેન્દ્ર અથવા V.C.E અથવા Banking Correspondence પાસે જઈને અથવા જાતે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કરી શકો છો.
કેટેગરી-2: વાઇટ લિસ્ટિંગ ન થયેલ લાભાર્થીઓ માટે - જો મોબાઇલ નંબર આધાર કાર્ડ સાથે લિંક ન હોય તો પ્રથમ આધાર કેન્દ્ર પર જઈ નંબર લિંક કરાવો અને My Ration App દ્વારા અપડેટ કરો. - લાભાર્થીએ જાતે રજિસ્ટ્રેશન કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા:
સ્ટેપ 1 અને 2 :- એપ ડાઉનલોડ અને શરતોનો સ્વીકાર
પ્લે સ્ટોર પરથી ‘PNB Digital Rupee’ એપ ડાઉનલોડ કરી, ‘Enter’ પર ક્લિક કરો અને તમામ નિયમો અને શરતો ‘Accept’ કરો.
સ્ટેપ 3 અને 4 :- સિમ વેરિફિકેશન અને ઍપ્લિકેશન પિન
આધાર સાથે લિંક હોય તે સિમ કાર્ડ પસંદ કરી વેરીફાઈ કરો અને ઍપ્લિકેશન લોગિન માટે બાયોમેટ્રિક અથવા મોબાઈલ પિન સેટ કરો.
સ્ટેપ 5 અને 6 :- વોલેટ પિન અને KYC
6 અંકોનો સુરક્ષિત વોલેટ પિન સેટ કરો અને આધાર પ્રમાણીકરણ(KYC) માટે ‘Continue’ પર ક્લિક કરો.
સ્ટેપ 7 અને 8 :- આધાર OTP અને નોંધણી
આધાર નંબર દ્વારા OTP સબમિટ કરી તમારી નોંધણી પૂર્ણ કરો.
સફળતાપૂર્વક પ્રક્રિયા પૂર્ણ થતાં જ તમારું વોલેટ બેલેન્સ દેખાશે.
સી.બી.ડી.સી(CBDC)ના મુખ્ય ફાયદાઓ
- લાભાર્થીઓ બાયોમેટ્રિક વગર, માત્ર QR કોડ સ્કેન કરીને અનાજ મેળવી શકશે.
- લાભાર્થીને દર મહિને મળવાપાત્ર અનાજ, ચૂકવવાપાત્ર રકમની જાણકારી અને મોબાઇલમાં ડિજિટલ રસીદ મળશે.
- ભવિષ્યમાં વ્યાજબી ભાવના દુકાનદારોને સીબીડીસી માધ્યમથી તેમનું કમિશન તુરંત મળી જશે.
- દુકાનદારો માટે સરળ રૅકોર્ડ કીપિંગ અને ડેશબોર્ડની સુવિધા ઉપલબ્ધ બનશે.
- અનાજ વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા વધશે અને સમયનો બચાવ થશે.









