Narmada

નર્મદા: વિશ્વ આદિવાસી દિવસે જ જંગલ જમીન મુદ્દે સાંસદ મનસુખ વસાવા અને MLA દર્શનાબહેન ધરણાં પર બેઠા!

By GS Team
9 Aug 20262 mins read
TukuTouch Logo
વિશ્વ આદિવાસી દિવસે નર્મદા જિલ્લાના ખોપી સહિત 12 ગામોમાં જંગલ જમીન વિવાદે જોર પકડ્યું છે. ભાજપના સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ આદિવાસી ખેડૂતોના સમર્થનમાં ધરણાં પર બેઠા છે. સુરત કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરાઈ હતી. ઉંમરપાડામાં જમીન ખેડવા દેવાય છે, જ્યારે નર્મદાના ખેડૂતોને અટકાવવામાં આવે છે. આ બેવડા માપદંડ સામે પોલીસ અને વન વિભાગનો કાફલો ઘટનાસ્થળે ખડકાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નર્મદા: વિશ્વ આદિવાસી દિવસે જ જંગલ જમીન મુદ્દે સાંસદ મનસુખ વસાવા અને MLA દર્શનાબહેન ધરણાં પર બેઠા!

BJP MP Mansukh Vasava Protests: વિશ્વ આદિવાસી દિવસે જ નર્મદા જિલ્લામાં જંગલ જમીનનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ખોપી ગામ સહિત આસપાસના 12 ગામોના આદિવાસી ખેડૂતોના જંગલ જમીનના હક માટે ભાજપના જ સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય દર્શનાબહેન દેશમુખ પોતે આંદોલનકારી ખેડૂતો સાથે ધસી જઈ ધરણાં પર બેસી ગયા છે.

ઉંમરપાડા અને નર્મદા વચ્ચે વન વિભાગનો બેવડો માપદંડ?

મળતી વિગતો અનુસાર, સુરત જિલ્લાના ઉંમરપાડા તાલુકામાં વન વિભાગ આદિવાસી ખેડૂતોને જંગલ જમીન ખેડવા દે છે, જ્યારે નર્મદા જિલ્લાના સરહદી 12 ગામોના ખેડૂતોને જમીન ખેડવા દેવામાં આવતી નથી. વન વિભાગના આ બેવડા માપદંડને કારણે છેલ્લા કેટલાક દિવસોથી સ્થાનિક ખેડૂતો અને તંત્ર વચ્ચે મોટો વિવાદ ચાલી રહ્યો છે.

સાંસદના આહ્વાન બાદ ખેડૂતો અને વન વિભાગ વચ્ચે ઘર્ષણ

બે દિવસ અગાઉ નર્મદા જિલ્લાના ખોપી ગામે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શનાબહેન દેશમુખની હાજરીમાં એક વિશાળ સભા યોજાઈ હતી. આ સભામાં સાંસદ વસાવાએ આ વિસ્તારના આદિવાસી ખેડૂતોને ગાંધી ચિંધ્યા માર્ગે જમીનનું ખેડાણ કરવા આહ્વાન કર્યું હતું. સાંસદની અપીલને પગલે ગઈકાલે જ્યારે ખેડૂતો જમીન ખેડવા પહોંચ્યા ત્યારે વન વિભાગના કર્મચારીઓ સાથે તેમનું ઘર્ષણ થયું હતું. ઘર્ષણ બાદ ઉશ્કેરાયેલા ખેડૂતો ગઈકાલથી જ ઘટનાસ્થળે રાતભર આખી રાત ધરણાં પર બેસી રહ્યા હતા.

ઘટનાસ્થળે પોલીસ અને વન વિભાગનો કાફલો ખડકાયો

આ સમગ્ર મામલે સાંસદ મનસુખ વસાવાએ સુરત કલેક્ટરને પત્ર લખીને ઉગ્ર રજૂઆત કરી હતી. ત્યારબાદ આજે વિશ્વ આદિવાસી દિવસે જ ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય દર્શનાબહેન દેશમુખ સીધા ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ખેડૂતો સાથે જમીન પર ધરણાં પર બેસી ગયા હતા.

બીજી તરફ, પરિસ્થિતિ વણસતી જોઈને સુરત જિલ્લા પોલીસ અને વન વિભાગનો મોટા પ્રમાણમાં કાફલો વિવાદિત જગ્યા પર ખડકી દેવામાં આવ્યો છે. પોતાની જ સરકારના તંત્ર સામે ભાજપના જ સાંસદ અને ધારાસભ્ય મેદાને પડતાં સમગ્ર પંથકમાં રાજકીય ગરમાવો આવી ગયો છે.