Narmada

નર્મદા: સાંસદ મનસુખ વસાવા આક્રમક મૂડમાં!, AAPના ચૈતર વસાવા અને ભાજપના જ જિલ્લા પ્રમુખ પર આકરા પ્રહારો

By GS Team
20 Jul 20263 mins read
TukuTouch Logo
દેડીયાપાડાના જાનકી આશ્રમ ખાતે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આપ ધારાસભ્ય ચૈતર વસાવા અને પોતાની જ પાર્ટીના નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ સામે આકરા પ્રહારો કર્યા. તેમણે ચૈતર વસાવાને ઓપન ડિબેટનો પડકાર ફેંક્યો અને નીલ રાવને રાજીનામું આપવા જણાવ્યું. આથી નર્મદાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નર્મદા: સાંસદ મનસુખ વસાવા આક્રમક મૂડમાં!, AAPના ચૈતર વસાવા અને ભાજપના જ જિલ્લા પ્રમુખ પર આકરા પ્રહારો

Mansukh Vasava Launches Sharp Attack on Chaitar Vasava and BJP: દેડીયાપાડા સ્થિત જાનકી આશ્રમ ખાતે ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાંસદ મનસુખ વસાવા અત્યંત આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા અને તેમણે આપના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ પોતાની જ પાર્ટીના નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ સામે નારાજગી વ્યક્ત કરતા તીખા પ્રહારો કર્યા હતા.

AAP અને ચૈતર વસાવા પર આકરા પ્રહારો

ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આપ ધારાસભ્ય ચૈતર વસાવાને ખુલ્લો પડકાર ફેંકતા જણાવ્યું હતું કે, 'ગુજરાત અને કેન્દ્રમાં ભાજપ જ સત્તામાં રહેશે, ભાજપને કોઈ હરાવી શકે તેમ નથી. ચૈતર વસાવા દાવા કરે છે કે તેણે કામો કર્યા છે, પરંતુ તમામ વિકાસકાર્યો ભાજપ સરકારે જ કર્યા છે. જો તાકાત હોય તો મારી સામે ઓપન ડિબેટમાં આવે, હું તૈયાર છું.'

ચૈતર વસાવા પર વધુ પ્રહારો કરતા સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, 'ચૈતર જેલમાં લોકોના ભલા માટે નથી ગયો, પરંતુ પોતાના કુટુંબના અંગત કારણોસર ગયો છે. ચૈતર વસાવાને જેલમાંથી છોડાવવા પાછળ ચોક્કસ વ્યૂહનીતિ કામ કરી રહી છે. છેલ્લા 3 વર્ષમાં તેમણે શું કામ કર્યું તે મતદારોને બતાવે. કાયદો હાથમાં લેવાથી કે આંદોલનો કરવાથી કામો થતા નથી. કોર્ટો આંદોલનથી દબાતી નથી.'

સાગબારાના ખેડૂતો અને જંગલ ખાતાની કામગીરી સામે રોષ

સાગબારા પંથકના ખેડૂતોનો મુદ્દો ઉઠાવતા ગંભીર આક્ષેપો કરતા સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, 'સાગબારાના ખેડૂતો જંગલની જમીન ખેડે છે ત્યારે સુરત પોલીસ અને ફોરેસ્ટ વિભાગ જાણે આદિવાસીઓ આતંકી હોય તેમ તેમની પર તૂટી પડે છે. જંગલ ખાતું અને પોલીસ આદિવાસી સમાજમાં ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છે. સેલંબામાં સાગબારાના પ્રમુખે રાખેલી જમીનની પણ યોગ્ય તપાસ કરવામાં આવશે.'

પોતાની જ પાર્ટીના જિલ્લા પ્રમુખ નીલ રાવ સામે મોરચો માંડ્યો

નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ અને મહામંત્રીઓની ગેરહાજરી તથા કામગીરી સામે સાંસદ મનસુખ વસાવાએ ભારે અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, 'ગાંધીનગરની મિટિંગ હોય કે અહીંની, જિલ્લા પ્રમુખ નીલ રાવ, સાગબારા તાલુકા પ્રમુખ રોહન વસાવા કે મહામંત્રીઓ મિટિંગમાં હાજર રહેતા નથી. નીલ રાવ કોઈના ઈશારે કામ કરી રહ્યા છે. જો પ્રમુખ તરીકેની જવાબદારી ન સંભાળી શકતા હોય તો રાજીનામું આપી દે. જો ઈશારે કામ કરશે તો તેમની સામે પણ આંદોલન કરીશું. પાર્ટીમાં સિનિયર નેતાઓને પૂછવામાં આવતું નથી કે પરામર્શ કરાતો નથી. જેમને શિક્ષણનું કોઈ નોલેજ નથી તેવા લોકોને નીલ રાવે બિરસા મુંડા યુનિવર્સિટીમાં મેમ્બર બનાવી દીધા છે. ભૂતકાળમાં અમે BTP, કોંગ્રેસ અને આપ સામે લડ્યા છીએ, જરૂર પડશે તો ભાજપના પ્રમુખ સામે પણ લડી લઈશું. સંગઠનની આગળ ભલભલા ઝૂકે છે. પાર્ટીમાં જે આડો-અવળો ચાલતો હોય તેને ધક્કો મારીને કાઢી મૂકો.'

ભાજપના સાંસદ મનસુખ વસાવાના આ તીખા તેવરથી નર્મદા જિલ્લાના રાજકારણમાં અને ભાજપના આંતરિક સંગઠનમાં મોટો ભૂકંપ સર્જાયો છે.