Narmada

નર્મદા: એલસીબીની ટીમે ધનશેરા ચેકપોસ્ટ પરથી ₹64 લાખનો ગેરકાયદે દારૂ ઝડપી પાડ્યો, એક શખસની ધરપકડ

By GS Team
27 Jul 20261 min read
TukuTouch Logo
નર્મદા LCB ટીમે મહારાષ્ટ્ર સરહદ પર ધનશેરા ચેકપોસ્ટ પાસેથી રૂ. 64.41 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે કન્ટેનરમાં છુપાવેલી 33,552 બોટલો સાથે કુલ રૂ. 79.57 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસે રાજસ્થાનના ઓમપ્રકાશ બિશનોઈની ધરપકડ કરી, જ્યારે મહાદેવ રાજપૂતને વોન્ટેડ જાહેર કરાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નર્મદા: એલસીબીની ટીમે ધનશેરા ચેકપોસ્ટ પરથી ₹64 લાખનો ગેરકાયદે દારૂ ઝડપી પાડ્યો, એક શખસની ધરપકડ

Narmada News: નર્મદા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમને ગેરકાયદે દારૂની હેરફેર સામે મોટી સફળતા મળી છે. મહારાષ્ટ્ર સરહદ પર આવેલી ધનશેરા ચેકપોસ્ટ પરથી બાતમીના આધારે પોલીસે કન્ટેનરમાં છુપાવીને લાવવામાં આવતો 64.41 લાખ રૂપિયાથી વધુની કિંમતનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.

બાતમીના આધારે ધનશેરા ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ

મળતી માહિતી અનુસાર, નર્મદા એલસીબીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર તરફથી એક કન્ટેનરમાં ગેરકાયદે વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે ટીમે ધનશેરા ચેકપોસ્ટ પર વોચ ગોઠવીને સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન શંકાસ્પદ કન્ટેનર આવી પહોંચતાં તેને રોકીને તલાશી લેવામાં આવી હતી.

કન્ટેનરમાંથી દારૂની 33,552 બોટલો મળી

કન્ટેનરની તપાસ દરમિયાન તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 33,552 બોટલો મળી આવી હતી, જેની આંકડાકીય કિંમત 64,41,984 રૂપિયા થાય છે. પોલીસે વિદેશી દારૂ, કન્ટેનર અને મોબાઈલ ફોન સહિત કુલ 79,57,984 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

એક આરોપી ઝડપાયો, એક વોન્ટેડ

આ મામલે પોલીસે કન્ટેનર ચાલક ઓમપ્રકાશ બિશનોઈ (રહે. ધનોડા, જિલ્લો બાડમેર, રાજસ્થાન)ની સ્થળ પરથી જ ધરપકડ કરી છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક આરોપી મહાદેવ રાજપૂત હાજર ન મળી આવતાં તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે વોન્ટેડ આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.