શિક્ષણક્ષેત્રે નર્મદા જિલ્લો ફરી એકવાર સમગ્ર રાજ્યમાં પહેલા સ્થાને, 92% ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Narmada District Education: શિક્ષણક્ષેત્રે નર્મદા જિલ્લાએ વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરીને સમગ્ર રાજ્યમાં ગૌરવ વધાર્યું છે. ગત મે મહિનામાં જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં 90.85 ટકા સાથે રાજ્યમાં પહેલા સ્થાને રહ્યા બાદ, હવે ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવામાં પણ નર્મદા જિલ્લાએ સમગ્ર રાજ્યમાં ડંકો વગાડ્યો છે. જિલ્લામાં શાળા છોડી ગયેલા 4,224 બાળકોમાંથી 3,906 બાળકોને પુનઃ શાળાએ મોકલીને 92 ટકા ડ્રોપઆઉટ રેશિયો ઘટાડી નર્મદા જિલ્લાએ રાજ્યમાં ફરી પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.
'સમરસ વિદ્યાસેતુ' અભિયાન હેઠળ બાળકોને પુનઃ પ્રવેશ અપાયો
શાળાથી વંચિત કે ડ્રોપઆઉટ થયેલા બાળકોને શિક્ષણની મુખ્યધારામાં લાવવા માટે તાજેતરમાં રાજ્યવ્યાપી 'સમરસ વિદ્યાસેતુ મેગા અભિયાન' શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ ચલાવીને આવા બાળકોની ઓળખ કરવામાં આવી હતી. વાલીઓ અને સમાજમાં જાગૃતિ લાવીને 4,224માંથી 3,906 બાળકોને પુનઃ શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો છે, જ્યારે બાકી રહેલા 318 બાળકોને પણ ઝડપથી શાળામાં લાવવા માટે સઘન પ્રયાસો ચાલી રહ્યા છે.
શિક્ષકોનું રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે સન્માન
બાળકોને પુનઃ શાળાએ લાવવામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોનો આભાર માનવા અને બિરદાવવા માટે રાજપીપળાના ડો. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી ઈશ્વરસિંહ પટેલે હાજરી આપી શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોનું સન્માન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2003માં નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતેથી જ રાજ્યવ્યાપી 'શાળા પ્રવેશોત્સવ અભિયાન'નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તે જ નર્મદા જિલ્લાએ આજે શિક્ષણ સુધારણા અને ડ્રોપઆઉટ રેશિયો ઘટાડીને સમગ્ર ગુજરાત સામે ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.









