Narmada

નર્મદાના ખોપી ગામમાં વિવાદિત જમીન પર ખેડાણ મુદ્દે ખેડૂતો અને વન વિભાગના કર્મચારીઓ આમને-સામને, તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ

By GS Team
28 Sep 20262 mins read
TukuTouch Logo
નર્મદા જિલ્લાના ખોપી ગામે જમીન ખેડાણ મુદ્દે ખેડૂતો અને વન વિભાગ વચ્ચે જૂનો વિવાદ ફરી વકર્યો છે. વન વિભાગ રોપા રોપવા પહોંચતા ખેડૂતોએ વિરોધ કર્યો હતો. ખેડૂતોએ ટ્રેક્ટર વડે ખેડાણ શરૂ કરતા બંને પક્ષો સામસામે આવી ગયા. ગાડીમાં બેસાડવા મુદ્દે આક્ષેપબાજી થઈ, વનકર્મીઓ ઘટનાસ્થળેથી રવાના થયા. આ ઘટનાથી પંથકમાં તણાવ સર્જાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નર્મદાના ખોપી ગામમાં વિવાદિત જમીન પર ખેડાણ મુદ્દે ખેડૂતો અને વન વિભાગના કર્મચારીઓ આમને-સામને, તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ

Narmada News: નર્મદા જિલ્લાના ખોપી ગામમાં જમીનના ખેડાણ લઈને ખેડૂતો અને વન વિભાગ વચ્ચેનો જૂનો વિવાદ ફરી એકવાર વકર્યો છે. વિવાદિત જમીન પર વન વિભાગની ટીમ દ્વારા રોપા રોપવાની કામગીરી હાથ ધરાતાં ખેડૂતો અને વન વિભાગના કર્મચારીઓ સામસામે આવી ગયા હતા, જેના કારણે ઘટનાસ્થળે ભારે તણાવની સ્થિતિ સર્જાઈ હતી.

રોપા રોપવા પહોંચેલા વનકર્મીઓનો ખેડૂતોએ કર્યો વિરોધ

મળતી માહિતી અનુસાર, નર્મદા જિલ્લાના ખોપી ગામમાં આવેલી એક વિવાદિત જમીન પર વન વિભાગના કર્મચારીઓ રોપાઓ રોપવા માટે પહોંચ્યા હતા. વન વિભાગની આ કામગીરીની જાણ થતાં જ સ્થાનિક ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને વનકર્મીઓનો વિરોધ કર્યો હતો. વનકર્મીઓ રોપા વાવવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે સ્થાનિક ખેડૂતોએ વિવાદિત જગ્યા પર ટ્રેક્ટર કે હળ વડે ખેડાણ શરૂ કરી દીધું હતું, જેથી વન વિભાગની ટીમ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણની સ્થિતિ નિર્માણ પામી હતી.

ગાડીમાં બેસાડવા મુદ્દે વનકર્મીઓ અને ગ્રામજનો વચ્ચે આક્ષેપબાજી

આ ઘટના દરમિયાન બંને પક્ષો વચ્ચે તીખી બોલાચાલી થઈ હતી અને ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. ગ્રામજનોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, 'વન વિભાગના કર્મચારીઓએ જ અમને ગાડીમાં બેસવાનું કહ્યું હતું.' ત્યારબાદ વનકર્મીઓ સ્થળ પરથી ભાગી ગયા હતા. બીજી તરફ વનકર્મીઓએ આ આક્ષેપોને ફગાવતાં સ્પષ્ટતા કરી હતી કે, 'કોઈ પણ ગ્રામજન કે ખેડૂતને ગાડીમાં બેસવાનું કહ્યું નથી.' ખોપી ગામમાં જમીન ખેડાણ અને રોપા રોપવાના મુદ્દે વન વિભાગ અને ખેડૂતો વચ્ચે ફરી એકવાર આમને-સામને આવી જવાની ઘટના બાદ સમગ્ર પંથકમાં મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.