નર્મદામાં પ્રસૂતા માટે ગ્રામજનો બન્યા દેવદૂત: ઝોળીમાં ઉંચકી ધસમસતી નદી પાર કરી 108 સુધી પહોંચાડી, પાકા રસ્તાના અભાવે હાલાકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Narmada Dediapada Kanjal Village Pregnant Woman Rescue: આઝાદીના દાયકાઓ બાદ પણ અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓની અછતનો વધુ એક કિસ્સો નર્મદા જિલ્લામાંથી સામે આવ્યો છે. દેડિયાપાડા તાલુકાના કંજાલ ગામે પાકો રસ્તો ન હોવાના કારણે એક પ્રસૂતા મહિલાને હોસ્પિટલ પહોંચાડવા માટે ગ્રામજનોએ જીવના જોખમે ઝોળીમાં ઉંચકીને 300 મીટર પહોળી નદી પાર કરાવવી પડી હતી.
શું હતી સમગ્ર ઘટના?
કંજાલ ગામે રહેતા જવનીબેન વસાવા નામના મહિલાને અચાનક પ્રસૂતિની ઉપડતા પરિજનોએ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો હતો. જોકે, ગામ સુધી પહોંચવા માટે પાકો રસ્તો ઉપલબ્ધ ન હોવાથી એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકી નહોતી અને દૂર રોડ પર જ રોકાવાની ફરજ પડી હતી.
જીવના જોખમે 300 મીટર પહોળી ટૂંકનેર નદી પાર કરી
પ્રસૂતાની ગંભીર સ્થિતિ જોઈને ગામના આશરે 20 થી 25 જેટલા યુવાનો અને ગ્રામજનો મદદે આવ્યા હતા. તેમણે કપડાની ઝોળી બનાવી પ્રસૂતાને તેમાં બેસાડી હતી. ગ્રામજનો મહિલાને ઝોળીમાં ઉંચકીને 1 થી 1.5 કિલોમીટર સુધી સતત પગપાળા ચાલ્યા હતા. આ માર્ગમાં વચ્ચે આવતી આશરે 300 મીટર પહોળી ધસમસતી ટૂંકનેર નદીને પણ ગ્રામજનોએ જીવના જોખમે પાર કરી પ્રસૂતાને સુરક્ષિત રીતે 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી હતી.
તંત્રની કામગીરી અને સુવિધાઓ સામે સવાલો
એક તરફ ગ્રામજનોએ એકતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી મહિલાનો જીવ બચાવ્યો છે, તો બીજી તરફ આ ઘટનાએ અંતરિયાળ ગામડાઓમાં રસ્તા અને પ્રાથમિક આરોગ્ય સુવિધાઓના અભાવ સામે ગંભીર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કર્યું છે. ચોમાસાની ઋતુમાં રસ્તા વગરના આવા વિસ્તારોમાં દર્દીઓ અને સગર્ભા મહિલાઓની સ્થિતિ અત્યંત દયનીય બની જતી હોય છે, ત્યારે સ્થાનિકો દ્વારા ગામમાં તાત્કાલિક પાકો રસ્તો બનાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.









