VIDEO: ચોમાસામાં અવાવરુ કે ખુલ્લા સ્થળોએ વાહન પાર્ક કરતાં ચેતજો! રાજપીપળામાં બાઈકના ચેઇન કવરમાંથી નીકળ્યો 'કોબ્રા'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rajpipla Black Cobra Rescue: ચોમાસાની ઋતુમાં અવાવરુ કે ખુલ્લા સ્થળોએ પાર્ક કરેલાં વાહનોનો ઉપયોગ કરતા પહેલાં તેની યોગ્ય ચકાસણી કરી લેવી હિતાવહ છે. નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતેથી સામે આવેલી એક ચોંકાવનારી ઘટના તમામ વાહનચાલકો માટે લાલબત્તી સમાન છે.
ચેઇન કવરની અંદર એક અત્યંત ઝેરી 'બ્લેક કોબ્રા' છુપાયેલો હતો
રાજપીપળાના વડિયા વિસ્તારમાં આવેલી રોયલ સન સિટી સોસાયટીમાં એક યુવક પોતાની બાઇક ચાલુ કરવા ગયો હતો. બાઇક સ્ટાર્ટ કરતી વખતે જ યુવકને પોતાના પગ નજીક બાઇકના ચેઇન કવરમાં કશુંક હોવાનો અહેસાસ થયો હતો. તેણે તુરંત જ નીચે નમીને ધ્યાનથી જોતાં ચેઇન કવરની અંદર એક અત્યંત ઝેરી 'બ્લેક કોબ્રા' છુપાયેલો જોવા મળ્યો હતો. સાપને જોતાં જ બાઇક પાસે ઊભેલા ત્રણેય યુવાનો તાત્કાલિક પાછળ હટી ગયા હતા, જેના કારણે ત્રણેયનો આબાદ બચાવ થયો હતો.
કોબ્રાને બાઇકમાંથી સુરક્ષિત રીતે બહાર કઢાયો
ઘટના અંગે તાત્કાલિક સાપ નિષ્ણાતને જાણ કરવામાં આવી હતી. સ્નેક રેસ્ક્યૂઅરે ઘટનાસ્થળે પહોંચી, સાવચેતી દાખવી કોબ્રાને બાઇકમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો અને ત્યારબાદ તેને જંગલમાં મુક્ત કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ સ્થાનિકો અને નિષ્ણાતો દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ચોમાસાની ઋતુમાં અવાવરુ કે ખુલ્લી જગ્યાએ પાર્ક કરેલાં વાહનોને સ્ટાર્ટ કરતાં પહેલાં તેની પૂરેપૂરી ચકાસણી કરી લેવી, જેથી આવી અણધારી આફતથી બચી શકાય. કારણ કે ચોમાસા દરમિયાન ભેજ અને વરસાદથી બચવા માટે સાપ કે અન્ય ઝેરી જીવજંતુઓ અવારનવાર પાર્ક કરેલા વાહનોના એન્જિન, સ્ટીઅરિંગ કે બોનેટ જેવા અવાવરુ ખૂણાઓમાં આશ્રય લેતા હોય છે.




