નર્મદામાં જંગલ જમીન હક્કપત્રો મુદ્દે ભાજપ સાંસદ લાલઘૂમ, સરકાર સામે ગંભીર આક્ષેપ સાથે ઉચ્ચારી ચેતવણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Forest Land Rights Documents : નર્મદા અને ભરૂચ જિલ્લામાં જંગલ જમીનના હક્કપત્રોને લઈને રાજકારણ ગરમાયું. ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે જંગલ જમીનના 80 હજાર હક્કપત્રોનું વિતરણ કરવામાં આવશે, પરંતુ આ વિતરણમાં ભરૂચ અને નર્મદા જિલ્લાના આદિવાસી ખેડૂતો હક્કપત્રોથી વંચિત રહી જવાની મોટી આશંકા સેવાઈ રહી છે. છેલ્લા 20 થી 25 વર્ષથી આ જમીનો પર ખેતી કરતા ખેડૂતોમાં હક્કપત્રો નહીં મળવાની ભીતિ પ્રવર્તી રહી છે.
નર્મદામાં 800થી વધુ જંગલ જમીન હક્કની એરજીઓ પેન્ડિંગ
હાલ નર્મદા જિલ્લામાં 800થી વધુ જંગલ જમીન હક્કની અરજીઓ પેન્ડિંગ પડી છે, જેમાં એકલા સાગબારા તાલુકાની જ અંદાજે 630 અરજીઓનો સમાવેશ થાય છે. આ મામલે સાંસદ મનસુખ વસાવાએ વહીવટી તંત્ર અને ફોરેસ્ટ વિભાગ સામે ખુલ્લેઆમ રોષ વ્યક્ત કર્યો છે.
વહિવટી તંત્ર પર સાંસદના ગંભીર આક્ષેપ
સાંસદ મનસુખ વસાવાએ અધિકારીઓ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ફોરેસ્ટ અને વહીવટી તંત્રના કેટલાક લોકો નવા લોકોને સનદો આપવા તરફ આગળ વધી રહ્યા છે અને આદિવાસીઓમાં ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છે.
તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી હતી કે, "મને ખબર પડી છે કે ભરૂચ અને નર્મદા જિલ્લાના લોકોને સનદમાં બાકાત રાખવામાં આવ્યા છે અને જો તેમને બાકાત રાખવામાં આવશે તો હું તે બિલકુલ ચલાવી લઈશ નહીં."
સાંસદે વધુમાં ચેતવણી આપતા કહ્યું હતું કે, જો નર્મદા અને ભરૂચના મૂળ આદિવાસી ખેડૂતોને તેમના હક્કની સનદો નહીં મળે, તો આદિવાસી સમાજ ઉગ્ર બનશે અને પરિસ્થિતિ હિંસક પણ બની શકે છે. આ મામલે તંત્રની લાપરવાહી સામે આદિવાસીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.




