India

'અમે કાયદાકીય રીતે તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરી, હવે ભારત પર નિર્ભર', શેખ હસીના પ્રત્યાર્પણ મુદ્દે બાંગ્લાદેશના મંત્રીનો દાવો

By GS Team
14 Nov 20263 mins read
TukuTouch Logo
બાંગ્લાદેશના કાયદા મંત્રી મોહમ્મદ અસદુઝ્ઝમાને પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ભારતમાંથી પરત લાવવાનો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે, પ્રત્યાર્પણ માટે તમામ કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે. હવે ભારત પર નિર્ભર છે કે તેઓ આગળ શું કરશે. હસીનાને માનવતા વિરુદ્ધના ગુનાઓમાં મોતની સજા અને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ભારત બાંગ્લાદેશ સાથે સકારાત્મક સંબંધો ઈચ્છે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'અમે કાયદાકીય રીતે તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરી, હવે ભારત પર નિર્ભર', શેખ હસીના પ્રત્યાર્પણ મુદ્દે બાંગ્લાદેશના મંત્રીનો દાવો

Sheikh Hasina extradition Bangladesh India: બાંગ્લાદેશના કાયદા મંત્રી મોહમ્મદ અસદુઝ્ઝમાને પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને દેશમાં પરત લાવવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે વડાપ્રધાન પદ પરથી હટાવવામાં આવેલા શેખ હસીનાને ભારતમાંથી પરત લાવવા માટે તમામ જરૂરી કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. હવે આગળની પ્રક્રિયા ભારત પર નિર્ભર છે.

દ્વિપક્ષીય સંધિ હેઠળ પ્રત્યાર્પણની પ્રક્રિયા થશે પૂર્ણ

બાંગ્લાદેશના અખબાર 'પ્રથમ આલો'ના અહેવાલ મુજબ, કાયદા મંત્રી મોહમ્મદ અસદુઝ્ઝમાને જણાવ્યું કે, 'અમે કાયદાકીય પ્રક્રિયા હેઠળ અમારા તરફથી તમામ જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરી લીધી છે. હવે તેઓ (ભારત) શું કરશે, તે તેમના પર નિર્ભર છે. હસીના કાયદાકીય પ્રક્રિયા હેઠળ પરત ફરશે અને દ્વિપક્ષીય સંધિ હેઠળ તેમનું પ્રત્યાર્પણ પોતે જ એક કાનૂની પ્રક્રિયા હશે.'

ત્રીજા દેશમાં મોકલવાના સવાલ પર ભારતનો ઉલ્લેખ

આ સાથે જ કાયદા મંત્રીને જ્યારે પૂછવામાં આવ્યું કે શું ભારતે હસીનાને કોઈ ત્રીજા દેશમાં મોકલવાના મુદ્દે બાંગ્લાદેશ સાથે ચર્ચા કરી છે, તો મંત્રીએ કહ્યું કે આ સવાલનો જવાબ ભારત સરકાર જ આપી શકે છે.

ફાંસીની સજા સામે અપીલનો અધિકાર નહીં મળે

'ઢાકા ટ્રિબ્યુન'ના અહેવાલ અનુસાર, એવું પૂછવામાં આવતા કે શું હસીનાને મોતની સજા સામે અપીલ કરવાનો અધિકાર હશે, અસદુઝ્ઝમાને કહ્યું કે 'સંબંધિત કાયદા હેઠળ તેમને આવી કોઈ તક મળશે નહીં.'

નવી સરકાર બન્યા બાદ પ્રત્યાર્પણની માંગમાં વધારો

વર્ષ 2024માં વિદ્યાર્થી આંદોલન બાદ વડાપ્રધાન પદ પરથી હટાવવામાં આવ્યા પછી બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન પોતાનો જીવ બચાવીને ભારતમાં શરણ લેવા માટે પહોંચ્યા હતા. ત્યારથી તેઓ ભારતમાં શરણાર્થી તરીકે રહેતા હોવાના અહેવાલ છે. જ્યારે બાંગ્લાદેશમાં તાહિર રહેમાનના નેતૃત્વમાં બનેલી નવી સરકાર આવ્યા બાદ ઢાકાથી શેખ હસીનાના બાંગ્લાદેશ પ્રત્યાર્પણની માંગ વારંવાર ઉઠતી રહી છે.

માનવતા વિરુદ્ધના ગુનાઓમાં ફાંસી અને આજીવન કેદ

બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલે જુલાઈ-ઓગસ્ટ 2024ના આંદોલન દરમિયાન પ્રદર્શનકારીઓ વિરુદ્ધ કાર્યવાહીમાં તેમની ભૂમિકાને લઈને નવેમ્બર 2025માં હસીનાને માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે દોષિત ઠેરવ્યા હતા. તેમની ગેરહાજરીમાં ચાલેલા કેસમાં એક આરોપ હેઠળ તેમને મોતની સજા અને બીજા આરોપમાં આજીવન કેદ સંભળાવવામાં આવી હતી. આ જ બાબતને લઈને તેમના પ્રત્યાર્પણની માંગ જોર પકડી રહી છે.

પ્રત્યાર્પણના મુદ્દે ભારતના વિદેશ મંત્રાલયનું સ્પષ્ટ વલણ

ભારત તરફથી આ મામલે દિલ્હીનું વલણ સ્પષ્ટ કરતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ગત રોજ (12 નવેમ્બર 2026) કહ્યું કે, 'હસીનાનું પ્રત્યાર્પણ એક કાયદાકીય મામલો છે અને તેની સાથે તે મુજબ જ કાર્યવાહી કરવામાં આવશે. ભારત બાંગ્લાદેશ સાથે સકારાત્મક, રચનાત્મક અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને સંબંધો જાળવી રાખવા માંગે છે.'

ભારતની શરતો

એક રિપોર્ટ મુજબ, ભારતીય અધિકારીઓએ સંકેત આપ્યો છે કે હસીનાની વાપસીમાં મદદ કરવા માટે બે મુખ્ય શરતો છે. પહેલી શરત તેમને પરત લઈ જવામાં બાંગ્લાદેશની સેનાની ભૂમિકા સાથે જોડાયેલી છે. હસીના બાંગ્લાદેશ સેનાના એક સૈન્ય વિમાન દ્વારા ભારત આવ્યાં હતાં. રિપોર્ટ અનુસાર, ભારત હવે ઈચ્છે છે કે એ જ સંસ્થા તેમની વાપસીની જવાબદારી લે.

બીજી શરત બાંગ્લાદેશમાં હસીના વિરુદ્ધ ચાલી રહેલી કાયદાકીય કાર્યવાહી સાથે જોડાયેલી છે. ભારત ઈચ્છે છે કે ઢાકા શેખ હસીનાને મૃત્યુદંડની સજા વિરુદ્ધ અપીલ કરવાની તક આપવાની ખાતરી આપે અને એ સુનિશ્ચિત કરે કે જુલાઈમાં થયેલા નરસંહારના આરોપો પર તેમના કેસની સુનાવણી નવેસરથી થાય.