નર્મદા જિલ્લામાં 24 કલાકમાં સરેરાશ 6.23 ઇંચ વરસાદ, ગરુડેશ્વરમાં સૌથી વધુ 8 ઇંચ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Narmada Rainfall: રાજ્યમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમના પગલે નર્મદા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા 1 ઓગસ્ટના રોજ જાહેર કરાયેલા અહેવાલ મુજબ, છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં સરેરાશ 158.33 મિ.મી. (6.23 ઇંચ) વરસાદ નોંધાયો છે. આ સાથે ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 26.83 ઇંચ થયો છે, જે મોસમના સરેરાશ વરસાદના 59.71 ટકા જેટલો છે.
24 કલાકમાં ગરુડેશ્વરમાં સૌથી વધુ 8.5 ઇંચથી વધુ વરસાદ
છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં ગરુડેશ્વરમાં 218 મિ.મી. (8.58 ઇંચ), સાગબારામાં 201 મિ.મી. (7.91 ઇંચ), નાંદોદમાં 166 મિ.મી. (6.53 ઇંચ), તિલકવાડામાં 153 મિ.મી. (6.02 ઇંચ), દેડિયાપાડામાં 137 મિ.મી. (5.39 ઇંચ) અને ચીકદામાં 75 મિ.મી. (2.95 ઇંચ) વરસાદ નોંધાયો.
સવારે 6થી 8માં તિલકવાડામાં ધોધમાર 2.76 ઇંચ વરસાદ
આજે (પહેલી ઓગસ્ટ) સવારે 6:00થી 8:00 વાગ્યા સુધીના માત્ર બે કલાકમાં જ તિલકવાડા તાલુકામાં સૌથી વધુ 70 મિ.મી. (2.76 ઇંચ) વરસાદ ખાબક્યો હતો. આ સિવાય ગરુડેશ્વરમાં 52 મિ.મી., નાંદોદમાં 49 મિ.મી., ચીકદામાં 13 મિ.મી. અને દેડિયાપાડામાં 4 મિ.મી. વરસાદ નોંધાયો હતો, જ્યારે સાગબારામાં આ સમયગાળા દરમિયાન શાંતિ રહી હતી.
મોસમનો મોસમદીઠ વરસાદ: સાગબારામાં સિઝનનો 75% વરસાદ પૂરો
ચાલુ ચોમાસામાં અત્યાર સુધીમાં સાગબારા તાલુકામાં સૌથી વધુ 921 મિ.મી. (75.37%) વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ત્યારબાદ ડેડિયાપાડામાં 791 મિ.મી. (62.83%), ચીકદામાં 695 મિ.મી. (55.20%), નાંદોદમાં 642 મિ.મી. (62.27%), ગરુડેશ્વરમાં 558 મિ.મી. (55.91%) અને તિલકવાડામાં 482 મિ.મી. (44.67%) વરસાદ થયો છે.
તંત્ર અલર્ટ: નદી-નાળાથી દૂર રહેવા કલેક્ટરનો અનુરોધ
ભારે વરસાદને પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ નદી-નાળા અને જળાશયો પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા નાગરિકોને ભારે વરસાદ દરમિયાન સાવચેતી રાખવા, નદી-નાળાઓ ઓળંગવાનું ટાળવા અને સરકારી સૂચનાઓનું ચુસ્ત પાલન કરવા ખાસ અપીલ કરવામાં આવી છે.









