ખુદ મહિલા પોલીસ કોન્સ્ટેબલે જ મેટ્રિમોનિઅલ ફ્રોડમાં ૧૨ લાખ ગુમાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મેરેજની પ્રપોઝલ મોકલ્યા બાદ વિવિધ બહાને પૈસા પડાવ્યા
આઈફોન તથા કાર બનાવતો ઉદ્યોગપતિ હોવાનો તથા લંડન તથા ગુજરાતમાં ફલેટ્સ હોવાનો દાવો કર્યો
મુંબઈ - લંડન સ્થિત એક શ્રીમંત ઉદ્યોગપતિ તરીકે પોતાની ઓળખ આપી મેટ્રિમોનિયલ વેબસાઇટ દ્વારા મિત્રતા કરી ૩૦ વર્ષીય મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે કથિત રીતે ૧૧.૧૯ લાખ રૃપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. આરોપીએ કથિત રીતે લંડનથી મોંઘી ભેટો મોકલાવી હોવાનો દાવો કરી વિવિધ ચાર્જ વસૂલવાને બહાને પૈસા પડાવ્યા હતા.
મહિલાની ફરિયાદના આધારે પશ્ચિમ ક્ષેત્રના સાયબર સેલે રવિકુમાર તરીકે ઓળખ આપનારા શખસ અને અન્ય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા અને આઇટી એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.
બાંદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી ફરિયાદીએ ગત ઓગસ્ટમાં એક ખાનગી મેટ્રિમોનિયલ વેબસાઇટ પર એક પ્રોફાઇલ બનાવી હતી. જેમાં તેણે બીજા લગ્ન કરવાની માંગ કરી હતી. બાદમાં તેણે પ્રોફાઇલ ડિલીટ કરી દીધી હતી. પરંતુ વેબસાઇટ પર તેનો મોબાઇલ નંબર શેર કર્યો હતો.
ગત પહેલી સપ્ટેમ્બરના રોજ તેને રવિકુમાર તરીકે ઓળખાવતા એક વ્યક્તિનો વોટ્સએપ કોલ આવ્યો હતો. તેણે અમદાવાદમાં રહેતો હોવાનો દાવો કર્યો અને કહ્યું કે તેને તેની પ્રોફાઇલ સારી લાગી છે. આરોપીએ તેને કહ્યું કે તે છૂટાછેડા લીધેલો છે અને હાલમાં વ્યવસાયિક હેતુ માટે લંડનમાં રહે છે. તેણે લંડન અને ગુજરાતમાં બે-બે - ફ્લેટ ધરાવતો હોવાનો દાવો કર્યો હતો. તેણે કહ્યું કે તે આઈફોન અને ટુ-વ્હીલર બનાવતી બે ખાનગી કંપનીઓ ધરાવે છે.
આમ બંને એકબીજાના સંપર્કમાં રહ્યા હતા. વાતચીત દરમિયાન રવિકુમારે તેને ફોટા મોકલ્યા હતા . એમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેને લંડનમાં એક અગ્રણી ઓટોમોબાઈલ ઉત્પાદક તરફથી એવોર્ડ મળ્યો છે અને તેને એક લક્ઝરી કાર ભેટમાં આપવામાં આવી છે. ત્યારબાદ આરોપીએ કહ્યું કે તે તેના માટે લંડનથી મોંઘી ભેટો મોકલવા માંગે છે.
ચોથી સપ્ટેમ્બરના રોજ મહિલાને એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો. તેણે એરપોર્ટ અધિકારી હોવાનું કહ્યું હતું. ફોન કરનાર વ્યક્તિએ જણાવ્યું કે લંડનથી ગિફ્ટ ધરાવતું એક મોંઘુ પાર્સલ તેના માટે આવ્યું છે અને તે મેળવવા માટે તેને રૃ. ૩૦,૦૦૦ ચૂકવવા પડશે.
મહિલાએ રવિકુમારનો સંપર્ક કર્યો હતો. તેણે કથિત રીતે આ દાવાની પુષ્ટિ કરી હતી. તેના પર વિશ્વાસ કરીને મહિલાએ આ રકમ ટ્રાન્સફર કરી હતી.
છેતરપિંડ ી કરનારી ગેંગે પાછળથી દાવો કર્યો કે પાર્સલમાં વિદેશી ચલણ અને સોનાના દાગીના હતા. કસ્ટમ્સ અને અન્ય ચાર્જ માટે વધારાની રકમની માંગણી કરી હતી. તેના દાવાઓ પર વિશ્વાસ કરીને મહિલાએ કથિત રીતે કુલ રૃ. ૧૧,૧૯,૭૫૦ વિવિધ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા હતા.
આરોપીએ બાદમાં મહિલાને તેના આધાર કાર્ડની કોપી આપવા કહ્યું હતું. ત્યારે કંઈક ખોટું થયું હોવાની શંકા જતાં મહિલાએ રવિકુમારની પૂછપરછ કરી હતી. તેણે કથિત રીતે દાવો કર્યો હતો કે તેનો મોબાઇલ ફોન અને પાકીટ ચોરાઈ ગયા છે. આરોપીએ મહિલાને વધુ રકમની ચૂકવણી કરવા કહ્યું હતું. તેણે પૈસા આપવાની ના પાડી ત્યારે આરોપીએ તેના ફોટા વાયરલ કરવાની ધમકી આપી.
છેતરપિંડીનો ભોગ બન્યાનું સમજીને મહિલાએ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નો સંપર્ક કર્યો હતો. પ્રાથમિક ચકાસણી બાદ પોલીસે રવિકુમાર તરીકે ઓળખાવતા વ્યક્તિ અને અન્ય ખાતાધારકો સામે કેસ નોંધી તપાસ ચાલુ કરી છે.




