૧૮૦ પ્રવાસીના તારણહાર બનેલા કેપ્ટન સ્મિત માટે સમગ્ર મુંબઈની છાતી ગજગજ ફૂલી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મૂળ વઢવાણના વતની સ્મિતનો પરિવાર તિલકનગરમાં રહે છે
સ્મિતની સ્વસ્તિક સોસાયટીના રહીશો ચિંતાતુર માતાપિતા પાસે ખડેપગે રહ્યા, એરપોર્ટ મૂકવા પણ ગયા
સ્મિત કેટલાક સમયથી દુબઈ રહે છે ઃ મિત્રો, પરિચિતો સહાધ્યાયીઓએ તથા શાળાના પદાધિકારીઓએ સ્મિતનાં સંસ્મરણો વાગોળ્યાં
મુંબઈ - યુએઈથી ઈઝરાયેલ જતી ફલાઈટમાં કો પાઈલોટના હુમલા સામે ઝઝૂમી ૧૮૦ પ્રવાસીના જીવ બચાવનારા મૂળ ગુજરાતના વઢવાણના વતની અને ઘાટકોપર- તિલકનગરમાં રહેલા સ્મિત મચ્છરનાં અતુલ્ય સાહસ, સમયસૂચકતા તથા જાનના જોખમે પણ એક આતંકી હુમલો નિવારવાના પરાક્રમ પર મુંબઈગરા આફરીન પોકારી ગયા હતા અને દરેક મુંબઈગરાંનું માથું ગર્વથી ઊંચું થઈ ગયું હતું. જોકે, સાથે સ્મિતના પરિવારજનો, પરિચિતો અને પડોશીઓમાં સ્મિતને આ હુમલામાં થયેલી ઈજાની લાગણી અંગે ચિંતાની લાગણી પણ પ્રસરી હતી. સ્મિતના માતા પિતા ગઈકાલે રાતે જ મુંબઈથી સાઉદી અરેબિયા જવા રવાના થયા હતા. તે પહેલાં સ્મિતના પડોશીઓ વૃદ્ધ દંપતીને હિંમત બંધાવા પહોંચ્યા હતા અને કેટલાક પડોશી તો તેમને છેક એરપોર્ટ સુધી મૂકવા પણ ગયા હતા.
બુધવારે સાંજે ચાર વાગ્યે સ્મિતની પત્નીએ ફોન કરીને તેમના માતાપિતાને ઘટના અંગે જાણ કરી હતી. આ બાદ તરત જ સ્મિતના માતા પિતા રાતની ફલાઈટમાં દુબઈમાં પહોંચ્યા હતા. અહીં ઈઝરાયલ અને ભારતીય દુતાવાસ બંને તેમને સંપર્કમાં છે અને તમામ સ્થિતિ અંગે તેમને જાણ કરી રહી છે. જો કે, સ્મિતના માતાપિતાએ હાલ કોઈ સાથે વાત કરવાની ના પાડી હતી. જો કે, હાલ સ્મિતની સ્થિતિ સારી હોવાનું જાણ થઈ હતી.
બ્રહ્મક્ષત્રિય સમાજના ૩૮ વર્ષીય સ્મિતના લગ્ન ૨૦૧૨માં સાવરકુંડલના પરિવારનાં સોનલ સાથે થયાં છે. તેમના સસરા મૂળ અમરેલીના છે પરંતુુ હાલ મલાડમાં રહે છે. દંપતીને બે બાળકો છે. સ્મિત પત્ની સોનલ તથા છ વર્ષની દીકરી અને બે વર્ષના પુત્ર સાથે દુબઈ રહે છે જ્યારે પિતા ઉપેન્દ્રભાઈ તથા માતા ગીતા બહેન તિલક નગરમાં સ્વસ્તિક હાઈટ્સ બિલ્ડિંગમાં રહે છે.
સ્મિતના પિતા ઉપેન્દ્ર મચ્છરના નજીકના મિત્રો અને સ્વાસ્તિક હાઇટ્સના ચેરમેન અશોક મકવાણા તથા લક્ષ્મીકાંત જોશીએ મુશ્કેલ સમયમાં પરિવારને સહયોગ આપ્યો હતો. ઘટના બાદ બંને સતત પરિવારના સંપર્કમાં રહ્યા હતા. સ્મિતનાં માતા- પિતાને સારવાર ચાલી રહી હતી. તે સ્થળે પહોંચવા માટે પણ સોસાયટીના સભ્યોએ મદદ કરી હતી. સ્થાનિક રહેવાસી અક્ષય દોશીએ પરિવારને એરપોર્ટ સુધી પહોંચાડયો હતો.
તિકલ નગરના સ્વાસ્તિક હાઇટ્સમાં રહેતા સ્મિતના બાળપણના મિત્ર પ્રતીક ગાંધીના જણાવ્યા અનુસાર, સ્મિત બાળપણથી જ શાંત, સંયમિત અને પરિપક્વ સ્વભાવના હતા. બંને સાથે ક્રિકેટ રમતા હતા. વિમાનમાં બનેલી ઘટનાના સમાચાર મળ્યા ત્યારે શરૃઆતમાં તેને વિશ્વાસ જ નહોતો થયો કે આ ઘટના તેના પરિચિત સ્મિત સાથે બની છે. બાદમાં સ્મિતની સર્જરી થઈ હોવાની અને તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો હોવાની માહિતી મળતાં મિત્રોએ રાહત અનુભવી હતી.તેમના પાડોશી અક્ષય દોશીએ ગુજરાત સમાચારને જણાવ્યું હતું કે અમે બધા નાનપણમાં સાથે જ રમતા હતા. સ્મિત નાનપણથી જ હોશિયાર હતો અને કંઈક કરી બતાડવાની તેનામાં જુસ્સો હતો.
સ્મિતના પાડોશી દૌલતભાઈ વોરાએ જણાવ્યું હતું કે તેઓ સ્મિતને બાળપણથી ઓળખે છે અને તેમના પરિવાર સાથે નજીકના સંબંધો ધરાવે છે. તેમણે સ્મિતના પિતા ઉપેન્દ્ર ભાઈ સાથે અગાઉ તેમના વ્યવસાયમાં પણ કામ કર્યું હતું. દૌલતભાઈના જણાવ્યા અનુસાર, ઉપેન્દ્રએ પોતાના પુત્ર સ્મિતનો ઉછેર ખૂબ જ સારી રીતે કર્યો છે. સ્મિતે પોતાની ધીરજ અને મુશ્કેલ પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતાથી મોટી દુર્ઘટના ટાળી હોવાથી સમગ્ર પરિવાર અને વિસ્તારના લોકોને તેમના પર ગર્વ છે.
તો સ્મિતના બાળપણના મિત્ર પ્રતીક ગાંધીએ પણ સ્મિતને મહત્ત્વાકાંક્ષી હોવા છતાં જમીન સાથે જોડાયેલા વ્યક્તિ ગણાવ્યા હતા. વધુમાં પ્રતીકના જણાવ્યા અનુસાર, બંને બાળપણમાં સાથે જ ક્રિકેટ રમતા હતા. સ્મિતની કારકિર્દી, પ્રગતિ અને જીવનમાં આગળ વધવાના તેના પ્રયાસોને તેણે નજીકથી જોયું છે. સ્મિત હંમેશાં શાંત સ્વભાવના અને મુશ્કેલભરી પરિસ્થિતિમાં પણ ધીરજ તથા સંયમ જાળવી રાખે તેવા સ્વભાવનો છે. તેના આ જ સ્વભાવનો પરિચય તાજેતરની ઘટનામાં પણ જોવા મળ્યો હતો.
સ્મિતના અન્ય બાળપણના મિત્ર અમિત સોનીએ તેને હસમુખા અને ઉત્સાહી વ્યક્તિ ગણાવ્યો હતો. તેણે વધુમાં જણાવ્યું હતું કે સ્મિતની તબિયતને લઈને તેના મિત્રો અને પરિવારજનો હાલ ખૂબ જ ચિંતિત છે, પરંતુ તેની બહાદુરીને લઈને સમગ્ર મુંબઈવાસીઓ ગર્વ અનુભવી રહ્યા છે. તેણે આગળ જણાવ્યું હતું કે સ્વસ્થ થયા બાદ સ્મિત મુંબઈ આવશે ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ સ્મિતની હિંમત અને સમયસૂચકતાની પ્રશંસા કરી હતી. તેણે ગંભીર રીતે ઘાયલ હોવા છતાં ફલાઈટમાં સવાર લોકોની સુરક્ષા માટે સ્મિતે દર્શાવેલી હિંમતને અનુકરણીય ગણાવી હતી અને તેના ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી. ઘાટકોપરના ભાજપના ધારાસભ્ય પરાગ શાહે પણ સ્મિતની તબિયત અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે ફ્લાયદુબઈના વરિ અધિકારીઓ પરિવારને નિયમિત રીતે જાણકારી આપી રહ્યા છે.
સ્મિતે રામજી આશ્રમના એમ.ડી. ભાટિયા સ્કૂલમાં અંગ્રેજી માધ્યમાંથી સાતમું ધોરણ અને ત્યારબાદ આઠથી ૧૦માં ધોરણનો અભ્યાસ ગુરુકુલ ટેકનિકલ શાળામાંથી પૂર્ણ કર્યું હતું. એમ.ડી.ભાટિયા શાળાના એડમિનિસ્ટ્રેટર નિશા બેને 'ગુજરાત સમાચાર'ને જણાવ્યા મુજબ, સ્મિત અહીં એક વર્ષ માટે જ ભણવા આવ્યો હતો. પરંતુ તે ભણવામાં હોશિંયાર હતો અને ખૂબ જ શાંત સ્વભાવનો હતો. આ બાદ વેલિંગકર ઇન્સ્ટિટયૂટમાંથી ૨૦૦૭-૦૮ દરમિયાન આનલાઇન મેનેજમેન્ટ અભ્યાસક્રમ પૂર્ણ કર્યો હતો. સંસ્થાના ડિરેક્ટર ડા. પંકજ નાટુએ પણ સ્મિત મચ્છરની બહાદુરી, શિસ્ત અને ફરજ પ્રત્યેની નિાને બિરદાવી હતી.




