બાંદ્રા ડિમોલિશનનો બદલો લેવા મુંબઈમાં આતંકી હુમલાનું કાવતરું

પાક આઈએસઆઈ તથા ગેંગસ્ટરોના પ્લાનનો દિલ્હી પોલીસ દ્વારા પર્દાફાશ
કુર્લાના સાજીદ અને મુમ્બ્રાના તૌકીર સહિત આઠની ધરપકડ પોલીસ દળો તથા ભીડભાડના સ્થળોએ હુમલાનો પ્લાન હતો
દિલ્હી પોલીસે એેક નેપાળી નાગરિક સહિત આઠ શકમંદોની ધરપકડ કરી હતી. તેઓ દિલ્હી સહિત દેશનાં અન્ય શહેરોમાં પોલીસ દળો, સંરક્ષણ મથકો તથા અન્ય મહત્વનાં સ્થળો પર હુમલાની યોજના બનાવી રહ્યા હોવાનું કહેવાય છે. ચોક્કસ ઈન્ટેલિજન્સ ઈનપૂટના આધારે દિલ્હી પોલીસે કુર્લામાં રહેતા સાજીદ મહેબૂબ શેખ ઉર્ફે અરબાઝ ખાન તથા થાણે નજીકના મુમ્બ્રામાં રહેતા તૌકીર રિઝવાન શેખની પણ ધરપકડ કરી છે. આ આતંકવાદી કાવતરાંમાં સરહદ પારના આતંકી તત્વો સાથે પાકિસ્તાન સ્થિત ગુપ્તચર એજન્સી 'આઇએસઆઇ' અને છોટા શકીલના સાગરિત કુખ્યાત ગેંગસ્ટર મુન્ના જિંગાડા ઉપરાંત શહેઝાદ ભટ્ટી, યાવર ખાન ઉપરાંત કેટલાક અન્ય મુખ્ય વિદેશી માસ્ટરમાઇન્ડ્સનો મુખ્ય રોલ હોવાની શંકા છે. આ કાવતરું આ વિદેશી હેન્ડલોના નિર્દેશો અને નાણાકીય સહાય પર મુંબઇમાં ઘડવામાં આવ્યું હતું. હાલમાં તપાસ એજન્સીઓ આ તમામ મુખ્ય માસ્ટમાઇન્ડ્સની ભૂમિકાની તપાસ કરી રહી છે.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે શકમંદો પાસેથી મહત્વપૂર્ણ પુરાવાઓ એકત્રિત કર્યા છે. આ આરોપીઓના મોબાઇલ ફોન અને અન્ય ઉપકરણોમાંથી મુંબઇના વિવિધ સ્થળોએથી રેકોર્ડ કરાયેલા વીડિયો અને ફોટાઓ જપ્ત કરવામાં આવ્યા છે. આ દર્શાવે છે કે શંકાસ્પદ આરોપીઓ શહેરના મહત્વના સ્થળોની 'રેકી' કરી રહ્યા હતા.
આ ઉપરાંત વિદેશમાં બેઠેલા તેમના હેન્ડલર્સ સાથેની તેમની ચેટ (વાતચીત) પણ તપાસ એજન્સીઓના હાથમાં આવી છે. જેનાથી આ ષડયંત્રની ગંભીરતા છતી થાય છે. શકમંદો દ્વારા બાંદ્રા ઈસ્ટનાં ગરીબનગર તરીકે ઓળખાતા આ ઝૂપડપટ્ટી વિસ્તારની પણ રેકી કરવામાં આવી હતી. તેમણે આ વિસ્તારમાં કાર્યરત પોલીસ જવાનોના ફોટા તથા વિડીયો પણ પાકિસ્તાન સ્થિત તેમના હેન્ડલર્સને મોકલ્યા હતા.
આ મોટા અને ભયંકર ષડયંત્રનો પર્દાફાશ થયા બાદ મુંબઇ પોલીસ અને મહારાષ્ટ્ર આતંકવાદ વિરોધી ટુકડી (મહારાષ્ટ્ર એટીએસ) અત્યંત સતર્ક થઇ ગયા છે અને તેમને હાઇએલર્ટ પર રાખવામાં આવ્યા છે. સુરક્ષાની દ્રષ્ટિએ શહેરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. અને શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે. શું સ્થાનિક સ્તરે કોઇએ આ આતંકવાદીઓની મદદ કરી હતી ? શું કોઇએ તેને રહેવા માટે કે જાસૂસી માટે લોજિસ્ટિક્સ પૂરા પાડયા હતા કે કેમ ? તેની અને 'સ્લીપર સેલ' અને સ્થાનિક નેટવર્કની પણ સંપૂર્ણ તપાસ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગઈ તા. ૧૯મી મેથી પાંચ દિવસ સુધી વેસ્ટર્ન રેલવે દ્વારા આશરે ૫૦૦થી વધુ ઝૂપડાંનો સફાયો કરી દેવામાં આવ્યો હતો. આ સ્થળે એક ગેરકાયદેસર મસ્જિદ બની ગઈ હતી તેને પણ તોડી પાડવામાં આવી હતી. આ સમયે સેંકડોનાં ટોળાંએ પોલીસ તથા રેલવે કર્મચારીઓ પર પથ્થરમારો કરતીં પોલીસે લાઠીચાર્જ કરવો પડયો હતો.









