વેસ્ટર્ર્નમાં ઠેર ઠેર ટેકનિકલ ખામી, મુલુંડમાં પેન્ટોગ્રાફ સળગતાં લોકલો ખોરવાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સપ્તાહના પહેલા જ દિવસે મધ્ય અને પશ્ચિમ રેલવેના પ્રવાસીઓ હેરાન
દાદર, ગોરેગાવ અને વસઈ ખાતે ટેકનિકલ ખામી સર્જાઈઃ મુલુંડમાં ઓવરહેડ પર બાંધકામ સામગ્રી પડતાં તણખા ઝર્યાઃ
મુંબઈ - મુંબઈ લોકલ ટ્રેનમાં સપ્તાહના પહેલા જ દિવસે પીકઅવર્સમાં મધ્ય અને પશ્ચિમ રેલવે બંને માર્ગે ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. મુલુંડ સ્ટેશન નજીક થાણે તરફ જતા ઉપનગરીય રેલવે લાઈન પર ઓવરહેડ વાયર પર બાંધકામ મટિરિયર પડતાં તેમાં વિસ્ફોટ સાથે તણખા ઝર્યા હતા. આથી, સેન્ટ્રલની લોકલો ખોરવાઈ ગઈ હતી. બીજી તરફ વેસ્ટર્નમાં દાદર, ગોરેગાંવ ખાતે પોઇન્ટ ફેલ્યોર અને વસઈ રોડ ખાતે પણ ટેકનિકલ ખામી સર્જાતાં લોકલો આશરે એક કલાક મોડી પડી હતી. વહેલી સવારે કામધંધા પર જવા નીકળેલા લોકો અટવાઈ ગયા હતા. અનેક લોકો ટ્રેક પર ચાલ્યા હતા અને ઓફિસમાં લેટ માર્કનો સામનો કરવો પડયો હતો.
સોમવારે સવારે આશરે ૧૧.૫૩ વાગ્યે સીએસએમટી- અંબરનાથ ફાસ્ટ સબર્બન ટ્રેન મુલુંડ સ્ટેશન પર પહોંચી હતી. ત્યારે મુંબઈ રેલવે વિકાસ મહામંડળ (એમઆરવીસી) દ્વારા થઈ રહેલાં એક સિવિલ વર્કની બાંધકામની સામગ્રી કાર્યરત ઓવરહેડ વીજતાર પર પડતાં તણખા ઝર્યા હતા અને વાયરમાં આગ લાગી ગઈ હતી. જેથી સ્ટેશન પર હાજર મુસાફરોમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો. આ ખામીને કારણે ડાઉન ધીમી લાઇન પર લોકલ સેવાઓ અટકી પડી હતી. જો કે, રેલવેની ટેકનિકલ ટીમે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ આગ પર કાબુ મેળવીને મેઈન્ટેન્સન્સ કાર્ય કરીને ૪૦ મિનિટની અંદર તબક્કાવાર ટ્રેન વ્યવહાર પૂર્વવત કર્યો હતો. જોકે, દિવસ દરમિયાન મોડે સુધી સેન્ટ્રલની લોકલો નિર્ધારિત શિડયૂલ કરતાં મોડી દોડતી રહી હતી.
બીજી તરફ પશ્ચિમ રેલવેમમાં એકથી વધુ સ્થળે ટેકનિકલ ખામીથી ટ્રેનો ખોરવાઈ હતી. દાદર સ્ટેશન પરના પોઇન્ટ ફેલ્યોર થતા ચર્ચગેટથી અપ અને ડાઉન બંને ફાસ્ટ લાઈન પર અસર પડી હતી. જ્યારે ગોરેગાંવ સ્ટેશન પાસે હાર્બર લાઈન પર ખામી સર્જાઈ હતી.
વહેલી સવારે ૪.૪૬ વાગ્યે યાંત્રિક ખામીને કારણે વસઈ રોડ પર, દિવા અપ અને ડાઉન ફાસ્ટ લાઇન પર પોઇન્ટ ૧૧૧/૧૧૨ પર ટેકનિકલ ખામી સર્જાઈ હતી.આના કારણે કેટલીક લાંબા અંતરની ટ્રેનો રદ્દ કરવામાં આવી હતી. આમાં ટ્રેન નંબર ૫૯૦૪૫ મુંબઈ સેન્ટ્રલ- વાપી ટ્રેનને ગોલવાડ ખાતે જ આંશિક રીતે રદ્દ કરવામાં આવી હતી. ત્યારબાદ તે જ ટ્રેનને ગોલવાડથી પરત મોકલવામાં આવી હતી.









