Mumbai

કલ્યાણમાં રખડતા કૂતરાનો આતંકઃ ૭ કલાકમાં ૧૩૦ લોકોને કરડયો

By GS Team
11 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈના કલ્યાણ પશ્ચિમમાં આધારવાડીથી ખડકપાડા વિસ્તારમાં એક રખડુ કૂતરાએ 7 કલાકમાં 130થી વધુ લોકોને કરડતા ભયનો માહોલ સર્જાયો. બે દિવસમાં કુલ 150 લોકોને કરડ્યાની ચર્ચા છે. 25 લોકો હોસ્પિટલમાં દાખલ છે, જેમાંથી 2 બાળકોની હાલત ગંભીર છે. રાતે દોઢ વાગ્યે પાલિકાએ કૂતરાને પકડ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

કલ્યાણમાં રખડતા કૂતરાનો આતંકઃ ૭ કલાકમાં ૧૩૦ લોકોને કરડયો

સમગ્ર વિસ્તારમાં બૂમાબૂમ અને ભાગદોડનાં  દ્રશ્યો, હોસ્પિટલે ભીડ જામી

બ ે દિવસમાં કુલ ૧૫૦ લોકોને કરડયાની ચર્ચાઃ કલાકો સુધી નિષ્ક્રિય રહેલી પાલિકા ટીમે રાતે દોઢ વાગ્યે કૂતરાને પકડયોઃ  ૨૫ હોસ્પિટલમાં દાખલ, બે બાળકો ગંભીર

મુંબઇ -  કલ્યાણ પશ્ચિમના આધારવાડીથી ખડકપાડા વિસ્તારમાં રવિવારે સાંજે ફક્ત  સાત કલાકમાં એક રખડું સફેદ કૂતરો ૧૩૦થી વધુ લોકોને કરડી જતાં સમગ્ર વિસ્તારમાં ભારે ભય અને દોડધામનો માહોલ સર્જાયો હતો.  કલ્યાણ- ડોમ્બિવલી પાલિકા સંચાલિત રુકિમણીબાઇ હોસ્પિટલમાં પીડિતોનાં ટોળાં સારવાર માટે ઉમટી પડતાં હોસ્પિટલ સ્ટાફ માટે પણ  આટલા ધસારાને ખાળવાનું મુશ્કેલ બન્યું હતું. રવિવારની બપોરથી સતત આતંક મચાવનારો આ કૂતરો સોમવારે રાતે દોઢ વાગ્યે પકડાયો હતો અને ત્યાં સુધીમાં તે કુલ ૧૫૦ લોકોને કરડી ચૂક્યો હોવાનું કહેવાય છે. તેમાંથી પચ્ચીસ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા હતા જેમાંથી બે બાળકોની હાલત ગંભીર હોવાનું જાણવા  મળ્યું હતું.

આ બાબતે પ્રાપ્ત વધુ વિગતાનુસાર રવિવારે સાંજે કલ્યાણના આધારવાડી વિસ્તારમાં  સંદીપ હોટલ અને ખડકપાડા વચ્ચેના એક કિ.મી.ના એરીયામાં એક સફેદ કલરનો રખડું કૂતરો અચાનક આક્રમણ બની ગયો હતો અને ત્યાંથી પસાર થતા લોકોને એકાએક કરડવા લાગ્યો હતો. ફક્ત ચાર કલાકમાં આ કૂતરાંએ ૧૦૦થી વધુ લોકોને બચકાં ભર્યાં હતાં.

બિરલા કોલેજ રોડ, જૂની આરટીઓ ઓફિસ, ભોઈરવાડી વિસ્તારમાં કૂતરાએ રસ્તે જતા રાહદારીઓ, ટુ વ્હીલર પર પસાર થતા લોકો અને રિક્ષામાં બેઠેલા લોકોને પણ નિશાન બનાવ્યા હતા. ગમે તે દિશાએથી ધસી આવતો કૂતરો સંખ્યાબંધ લોકોને કરડી રહ્યો હોવાની વાત ફેલાતાં સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. રસ્તાઓ પરથી લોકો અદ્રશ્ય થઈ ગયા હતા. રવિવારની સાંજ હોવાથી જેમનાં બાળકો બહાર રમવા નીકળ્યા હતા કે જેમના સ્વજનો કોઈ કામસર નીકળ્યા હતા તેમને પરત લેવા તેમના પરિવારજનોએ દોટ મૂકી હતી.

સ્થાનિક લોકોની ફરિયાદ અનુસાર રવિવારની રજાનો દિવસ હોવાથી પ્રારંભિક કલાકો સુધી કલ્યાણ-ડોંબિવલી મહાપાલિકા દ્વારા આ કૂતરા વિશે ફરિયાદોનો કોઈ પ્રતિભાવ મળ્યો ન હતો. તેના કારણે વધુને વધુ લોકો તેનો ભોગ બન્યા હતા. આખરે કલાકો બાદ મહાપાલિકાની ટીમ સક્રિય થઈ હતી. સ્થાનિક નગરસેવકાના કાર્યકરો, પોલીસો ઉપરાંત અન્ય લોકોએ પણ કૂતરાની શોધખોળ હાથ ધરી હતી. આખરે રાતે દોઢ વાગ્યાના અરસામાં આ કૂતરો ઝડપાયો હતો.

 દરમિયાન, કેડીએમસીની રુકિમણીબાઇ હોસ્પિટલના એક ડોક્ટરે દર્દીઓની મોટી સંખ્યાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે કૂતરો કરડવાથી સારવાર લેવા ૧૩૦થી વધુ દર્દીઓ હોસ્પિટલમાં આવ્યા હતા જેમને પ્રાથમિક સારવારની સાથે જ હડકવાની રસી આપવામાં આવી હતી. આ બધાની એક કોમન ફરિયાદ હતી કે એક સફેદ કૂતરો તેમને કરડયો હતો. તેમાંથી પચ્ચીસ લોકોને હોસ્પિટલમાં દાખલ કરી સારવાર અપાઈ હતી.  બે બાળકોને કૂતરો કરડવાથી ઊંડા ઘા થયા હતા અને તેમને વધુ સારવાર માટે મુંબઇની સાયન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું.