Mumbai

પરભણીમાં મંદિરની છત ધરાશાયી થતાં સાત ભક્તના મોત, 32 ઘાયલ

By GS Team
21 Jun 20262 mins read
પરભણીમાં મંદિરની છત ધરાશાયી થતાં સાત ભક્તના  મોત, 32 ઘાયલ

- છતનું બાંધકામ ચાલું હોવા છતાં ભક્તોને પ્રવેશ કેમ અપાયો?

- મૃતકના પરિવારને રૂ.પાંચ લાખની આથક સહાય જાહેર

મુંબઈ : મહારાષ્ટ્રના પરભણી જિલ્લાના યશવાડી ગામમાં શનિવારે બપોરે હનુમાન મંદિરની બાંધકામ હેઠળની છત ધરાશાયી થતાં અંદાજે  સાત ભક્તોના મોત થયા અને ૩૨ લોકો ઘાયલ થયા હતા. કાટમાળ નીચેથી મૃતક અને ઇજાગ્રસ્તને બહાર કાઢીને  હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ ગામ છત્રપતિ સંભાજીનગરથી લગભગ ૧૯૦ કિમી દૂર મનવત રોડ પર આવેલું છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, નિર્માણાધીન સભા-મંડપ અથવા બાહ્ય હોલની છતનો એક ભાગ બપોરે ૩-૩૦  વાગ્યાની આસપાસ તૂટી પડયો હતો. મંદિરના આ હોલનું કામ ચાલી રહ્યું હતું. આસપાસના જિલ્લાઓમાંથી દર શનિવારે લાખો ભક્તો આવે છે. સવારથી જ મંદિરમાં ભક્તોની ભારે ભીડ હતી. મુખ્ય મંદિરની સામેના હોલમાં દર્શન, કીર્તન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવી રહ્યું હતું . આ હોલમાં સેંકડો ભક્તો હાજર હતા. ત્યારે બપોરે અચાનક હોલની છત તૂટી પડી હતી.  છત તૂટી પડવાનો જોરદાર અવાજ આવતા જ વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો. બાદમાં આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો.

 થાંભલો અને છત સીધી નીચે ઉભેલા ભક્તો પર  ધસી પડવાથી ઘણા લોકો દબાઈ ગયા હતા.તેઓ બહાર નીકળી શક્યા નહીં.આ  ઘટનાની માહિતી મળતા જ બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.  જોકે મંદિર તરફ જવાનો રસ્તો સાંકડો હોવાથી બચાવ ટીમને ઘટનાસ્થળે પહોંચવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડયો.  સ્થાનિકો અને બચાવ ટીમની મદદથી પરિસ્થિતિને કાબુમાં લેવામાં આવી હતી. મુખ્યમંત્રી કાર્યાલયે જાહેરાત કરી હતી કે  પ્રત્યેક મૃતકના પરિવારને રૂ. પાંચ લાખની આથક સહાય મળશે.