રાજ્યભરમાં બિસ્માર માર્ગો દર્શાવવા શાળાઓના વિદ્યાર્થીઓ રસ્તા પર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કર્જતની વિદ્યાર્થિનીઓનો બાદ ત્ર્યંબકેશ્વર, રત્નાગીરીના વીડિયો વાયરલ
ત્ર્યંબકેશ્વર વિસ્તારમાં પ્લાસ્ટિક બોટલનું બૂમ બનાવી વીડિયો ઉતાર્યોઃ રત્નાગીરીની વિદ્યાર્થિનીએ કહ્યું ધો.૧થી હવે ૧૦માં આવી ગયાં પણ રસ્તો આવો જ છે
નાગપુરની વિદ્યાર્થિનીઓએ વ્યથા ઠાલવી, સાયકલમાં વારંવાર પંચર પડી જાય છે, સ્કૂલે જવા એસટી બસ શરુ કરો ઃ રાજ્યભરમાં તંત્રની પોલ ખુલી
મુંબઈ - કર્જતમાં વિદ્યાર્થિનીઓએ રિપોર્ટિંગ કરીને રસ્તાની બિસ્માર હાલતની કરેલી ફરિયાદનો વીડિયો વાયરલ થતાં તંત્ર હરકતમાં આવ્યું હતું અને રાતોરાત રસ્તો રિપેર કર્યો હતો. આ ઘટનાને પ્રસિદ્ધિ મળ્યા બાદ બાદ હવે રાજ્યના અન્ય વિસ્તારોમા પણ શાળાઓના વિદ્યાર્થીઓએ આ પ્રકારના વીડિયો બનાવી રજૂ કરવા માંડતાં સોશિયલ મીડિયા પર તે વાયરલ થયા છે. જોકે, સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર ગ્રામ્ય વિસ્તારોના ખરાબ રસ્તાઓની પોલ પણ ખુલી રહી છે.
રત્નાગિરીના કૌજુંડી - વરવડે માર્ગ પરનો એક વીડિયો વાયરલ થયો છે. જ્યાં અમુક વિદ્યાર્થીઓ એક ચેનલને વીડિયોમાં ઈન્ટરવ્યુ આપતાંની સાથે જ પોતાના વિસ્તારના બિસ્માર રસ્તાઓની હાલત પણ દર્શાવે છે. વિદ્યાર્થિનીઓએ જણાવ્યું કે, અમે ધો. ૧માં ભણતાં હતાં ત્યારે અને હવે ધો ૧૦માં આવી ગયાં છીએ ત્યારે પણ છેલ્લાં દસ વર્ષથી અમે અહીં અવરજવર કરીએ છીએ પરંતુ રસ્તાની હાલત સુધરી નથી. પહેલાં અહીંથી બસ જતી પરંતુ એકવાર બસનો ખાડીમાં પડવાનો અકસ્માત થયા બાદથી અહીંથી બસની અવરજવર પણ બંધ થઈ ગઈ છે અને રસ્તાની બંને બાજુએ ઝાડવા હોવાથી ચાલવું પણ દુષ્કર બને છે. વળી રસ્તા પરથી પસાર થતાં અમારા શાળાના યુનિફોર્મ પર પણ ચોમાસામાં કાદવના ડાઘ ઉડે છે અને અમારે એવાં જ વેશે સ્કૂલ-કૉલેજમાં ભણવું પડે છે.
ત્ર્યંબકેશ્વરના એક ગ્રામીણ વિસ્તારમાંથી પણ વીડિયો વાયરલ થયો છે. જેમાં નાના વિદ્યાર્થીઓ પ્લાસ્ટિકની બોટલનો બૂમ માઈક તરીકે ઉપયોગ કરી ગામના રસ્તા સુધારવાની પ્રશાસન પાસે માગ કરી રહ્યા છે. અને તેમણે એવું પણ કહ્યું છે કે, અહીં કદી પ્રશાસનના અધિકારીઓ આવતાં નથી. તેમણે આવવું જોઈએ અને ધ્યાન આપવું જોઈએ તેમજ રસ્તાઓની સ્થિતિ સુધારવી જોઈએ. જોકે આ વીડિયોને શેર કરતાં કોકરોચ જનતા પાર્ટીના અભિજીત દીપકેએ એક્સ પર પોસ્ટ કરી યુવાનોને આવાહન કર્યું હતું કે, આ સ્વાતંત્ર્ય દિને આ સ્થિતિને બદલવાની પ્રતિજ્ઞાા લઈએ.
જ્યારે નાગપુરના કુહી તાલુકાના ખેતાપુર ગામની વિદ્યાર્થિનીઓએ વાયરલ કરેલા વીડિયોમાં જણાવ્યું છે કે, તેમના ઘરથી તેમની શાળાનું અંતર ૭ કિમી છે. આથી તેટલા અંતર માટે એસટીની બસ શરુ કરવામાં આવવી જોઈએ. કારણ સાયકલ પરથી પસાર થતી વેળાએ ઘણીવાર રસ્તામાં પંક્ચર પડી જાય છે તેમજ અન્ય અનેક તકલીફો આવે છે. આથી એસટીની બસ શરુ થાય તો અમે વિદ્યાર્થીઓ સુરક્ષિત રીતે શાળાએ જઈ શકીએ.









