મોંઘા મોબાઈલ અને સોનાની ચેઈન માટે માતાપિતાએ બાળકને સવા લાખમાં વેચ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એક માસના બાળકને અલગ અલગ ચાર વખત વેચવામાં આવ્યું
છત્રપતિ સંભાજીનગરથી વેચાયેલા બાળકનો હૈદરાબાદમાં પતો મેળવી માતા પિતા સહિત સાતની ધરપકડ
મુંબઈ - મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં માતા - પિતાએ તેમના એક મહિનાના બાળકને કથિત રીતે રુ. ૧.૨૦ લાખમાં વેચી દીધું હતું. મળેલી રકમમાંથી બે મોંઘા મોબાઇલ ફોન અને સોનાની ચેઇન ખરીદવામાં આવી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો. તપાસમાં બાળકને અલગ-અલગ વ્યક્તિઓ મારફતે ચાર વખત વેચવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી હતી અને બાળકને હૈદરાબાદમાંથી સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના છત્રપતિ શિવાજી મહારાજના મુકુંદવાડી વિસ્તારમાં બની હતી. એક મહિનાના બાળકના માતા- પિતાએ સીમા રેશવાલ નામની મહિલાને રુ. ૧.૨૦ લાખમાં બાળકને વેચી દીધું હતુંં. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, માતાપિતાએ મોંઘા મોબાઈલ ફોન અને સોનાની ખરીદી માટે બાળકને વેચી દીધું હતું.
ત્યારબાદ સીમાએ બાળકને પૈઠણ વિસ્તારમાં રહેતી સંગીતા આવ્હાડને રુ. ૨.૭૦ લાખમાં વેચ્યું હોવાનો આરોપ છે. વધુ તપાસમાં જાણવા મળ્યું કે સંગીતા આવ્હાડ બાળકને નાંદેડ લઈ ગઈ હતી અને ત્યાં સુરેશ ગુંટુકા નામના વ્યક્તિને રુ. ૩.૫૦ લાખમાં વેચ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, સુરેશ પોતાને ડોક્ટર ગણાવતો હતો. ત્યારબાદ તેણે પોતાના સંબંધી ઉમા ખટકમને પણ રુ. ૩.૫૦ લાખમાં બાળક સોંપ્યું હતું. ઉમા હૈદરાબાદની રહેવાસી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
બાળકની ખરીદ-વેચાણની આ કથિત સાંકળમાં દરેક તબક્કે તેની કિંમત વધતી ગઈ હતી. શરૃઆતમાં રુ.૧.૨૦ લાખમાં વેચાયેલા બાળક માટે છેલ્લે રુ.૩.૫૦ લાખ ચૂકવવામાં આવ્યા હતા. પોલીસની તપાસમાં બાળકને છત્રપતિ સંભાજીનગરથી નાંદેડ અને ત્યારબાદ તેલંગાણા લઈ જવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ સમગ્ર હેરાફેરી આશરે ૪૮ કલાકમાં થઈ હોવાનો અહેવાલ હતો.
પોલીસે મળેલી બાતમીના આધારે તપાસ શરૃ કરી હતી. ત્યારબાદ આરોપીઓની પૂછપરછ અને તપાસના આધારે બાળકનું પગેરું હૈદરાબાદ સુધી પહોંચ્યું હતું. પોલીસે ત્યાંથી બાળકને સુરક્ષિત રીતે બચાવી લીધું હતું. આ કેસમાં બાળકના માતા-પિતા સહિત સાત શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. બાળકને સુરક્ષિત રીતે મહારાષ્ટ્ર પરત લાવવામાં આવ્યા બાદ બાળ કલ્યાણ સમિતિના આદેશથી તેને એક સંસ્થાને સોંપવામાં આવ્યું હતું.પોલીસ હવે આ સમગ્ર કૌભાંડમાં સામેલ અન્ય વ્યક્તિઓની ભૂમિકા અને આંતરરાજ્ય બાળ તસ્કરીના મોટા નેટવર્કની સંભાવનાની તપાસ કરી રહી છે.




