૪૦ લાખમાં પેપર વેચાયું હતું ઃ એમપીએસસીના અધ્યક્ષ રાજીનામું આપે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈ - એનસીપી (એસપી)ના ધારાસભ્ય રોહિત પવારે આરોપ લગાવ્યો છે કે, એમપીએસસીની ડ્રગ ઇન્સ્પેક્ટર ગુ્રપ-બી ભરતી પરીક્ષાનું પ્રશ્નપત્ર પ્રતિ ઉમેદવાર રુપિયા ૪૦ લાખમાં વેચવામાં આવ્યું હતું. તેના જણાવ્યા મુજબ, સમગ્ર મહારાષ્ટ્રમાં એજન્ટોના નેટવર્ક મારફતે આ પેપર વેચાયું હતું અને આ અંગે આયોગને પણ જાણકારી હતી. એમપીએસસીએ પ્રાથમિક તપાસ બાદ ભરતી પ્રક્રિયા રદ કરી છે. મુંબઈ પોલીસની ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચની તપાસમાં પ્રથમ દૃષ્ટિએ એક ઉમેદવારને પરીક્ષા પહેલાં પ્રશ્નપત્ર મળ્યું હોવાનું અને તેને તેનો લાભ મળ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે, રોહિત પવારે સવાલ ઉઠાવ્યો કે તપાસમાં પેપર લીક થયાનું સામે આવ્યું હોવા છતાં માત્ર એક જ ઉમેદવાર પાસે પેપર પહોંચ્યું હોવાનું કેમ જણાવવામાં આવી રહ્યું છે.
રોહિત પવારે પેપર લીકને એમપીએસસીની વિશ્વસનીયતા સાથે જોડાયેલો ગંભીર મુદ્દો ગણાવીને આયોગના અધ્યક્ષના રાજીનામાની માંગ કરી છે અને તપાસનો અહેવાલ જાહેર કરવાની માગણી કરી છે. તેમણે પેપર ખરીદનાર ઉમેદવારો ઉપરાંત એજન્ટો અને આયોગની અંદર કોઈ વ્યક્તિની સંડોવણી હતી કે નહીં તેની પણ તપાસ કરવાની માગ કરી છે. બીજી તરફ, ભાજપના ધારાસભ્ય અભિમન્યુ પવારે, જણાવ્યું કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સમગ્ર મામલાની સંપૂર્ણ તપાસ અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. તેમણે પેપર કેવી રીતે લીક થયું, આયોગમાંથી કયા તબક્કે બહાર આવ્યું અને તેની તૈયારી, છાપકામ, પરિવહન તથા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં કોઈ ગેરરીતિ થઈ કે નહીં તેની તપાસની માંગ કરી છે. કોંગ્રેસના વિજય વડેટ્ટીવારે પણ ભરતી પ્રક્રિયા રદ કરવાના નિર્ણયને પેપર લીક સામે લડતા ઉમેદવારોની જીત ગણાવી છે




