Mumbai

ધારાસભ્યના જન્મદિને મ્યુ. કર્મચારીએ બેફામ ડાન્સ કરતાં નોટિસ

By GS Team
30 Sep 20262 mins read
TukuTouch Logo
મુંબઈના ભાયંદરમાં ભાજપના ધારાસભ્યની બર્થ ડે પાર્ટીમાં મ્યુનિસિપલ કર્મચારી સંજય સોનાવણેનો ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો છે. 25 સપ્ટેમ્બરે આ ઘટના બની હતી. ફરજ પર હોવા છતાં રાજકીય કાર્યક્રમમાં નાચવા બદલ તેને સસ્પેન્ડ કરવાની માંગ ઉઠી છે. મ્યુનિસિપલ કોર્પોરેશને નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ધારાસભ્યના જન્મદિને મ્યુ. કર્મચારીએ બેફામ ડાન્સ કરતાં નોટિસ

કર્મચારીને સસ્પેન્ડ કરવા માગણી

ભાજપના ધારાસભ્યની બર્થ ડે પાર્ટીમાં ભાયંદરના મ્યુ. કર્મચારીનો ડાન્સનો વીડિયો વાયરલ

મુંબઈ -  મીરા-ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી સંજય સોનાવણે ધારાસભ્ય નરેન્દ્ર મહેતાની જન્મદિવસની પાર્ટીમાં રસ્તા પર બેફામ નૃત્ય કરતા હોવાનો વીડિયો વાયરલ થતાં વિવાદ સર્જાયો છે. આ મામલે વિવિધ રાજકીય પક્ષોના પદાધિકારીઓ દ્વારા ફરિયાદો કરવામાં આવી હતી અને કર્મચારીને સસ્પેન્ડ કરવાની માગ ઉઠી હતી. આ ફરિયાદોને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશને સોમવારે સંજય સોનાવણેને નોટિસ ફટકારીને ખુલાસો માગ્યો છે.

ગત પચ્ચીસમી સપ્ટેમ્બરના રોજ ભાજપના ધારાસભ્ય નરેન્દ્ર મહેતાના જન્મદિવસની જન્મદિવસ સેવન સ્ક્વેર સ્કૂલના પરિસરમા ઉજવણી વખતે મ્યુનિસિપલ કર્મમચારી સોનાવણે ઉપરાંત ભાજપના કોર્પોરેટર વિશાલ પાટીલ, એડવોકેટ તરુણ શર્મા, શ્રીકાંત પરાડકર, પ્રકાશ ડુબોલે અને પ્રવીણ રાય સહિતના લોકો નૃત્ય કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

સંજય સોનાવણે મ્યુનિસિપલ કર્મચારી હોવા ઉપરાંત અનંત ચતુર્દશીના તહેવાર દરમિયાન મ્યુનિસિપલ તંત્રના અનેક અધિકારીઓ અને કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી હતી. આવા સમયે એક રાજકીય પક્ષના જનપ્રતિનિધિના જન્મદિવસની ઉજવણીમાં કર્મચારી રસ્તા પર નૃત્ય કરતા હોવાનો વીડિયો સામે આવતાં તેમની ભૂમિકા સામે સવાલો ઊઠયા હતા અને આ ઘટનાની ટીકા થઈ હતી.

આ મામલે શિવસેના શિંદે જૂથના પદાધિકારી રામ ભવન શર્મા, શ્રમજીવી કામગાર સંઘ તેમજ કોંગ્રેસ આઘાડી જૂથના નેતા જય ઠાકુર સહિત અન્ય લોકોએ ફરિયાદો નોંધાવી હતી. ફરિયાદીઓએ સંજય સોનાવણે સામે કાર્યવાહી કરવાની સાથે તેમને સસ્પેન્ડ કરવાની માગ પણ કરી હતી.

આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્યાલયના ડેપ્યુટી કમિશનર ડા. સચિન બાંગરે જણાવ્યું હતું કે, ફરિયાદોને ધ્યાનમાં રાખીને સંજય સોનાવણેને લેખિત નોટિસ આપવામાં આવી છે અને તેમની પાસેથી ખુલાસો માગવામાં આવ્યો છે. કર્મચારીનો ખુલાસો મળ્યા બાદ મ્યુનિસિપલ કમિશનરની મંજૂરીથી આગળની જરૃરી કાર્યવાહી કરવામાં આવશે.