Mumbai

મુંબઈ ટાપુ બન્યું, નાસિકમાં મંદિરો બંધ અને કાશ્મીરમાં આભ ફાટ્યું: આખા દેશમાં કુદરતનો કેર!

By GS Team
7 Jul 20263 mins read
TukuTouch Logo
મુંબઈમાં છેલ્લા 3 દિવસથી અનરાધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ભૂસ્ખલન અને રસ્તાઓ ધોવાઈ જવાથી હજારો મુસાફરો ફસાયા છે. IMDએ 'ઑરેન્જ ઍલર્ટ' જાહેર કરતાં શાળાઓ-કૉલેજો બંધ રખાઈ છે. નાસિકમાં વાદળ ફાટવાની ચેતવણીથી મંદિરો બંધ કરાયા છે. કાશ્મીર, ઓડિશા અને હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈ ટાપુ બન્યું, નાસિકમાં મંદિરો બંધ અને કાશ્મીરમાં આભ ફાટ્યું: આખા દેશમાં કુદરતનો કેર!

Mumbai Rain: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. આ ભારે વરસાદના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે અને શહેરમાં ભૂસ્ખલનની ઘટનાઓ પણ સામે આવી છે. આટલું જ નહીં કુદરતી પ્રકોપના કારણે અનેક મુખ્ય રસ્તાઓ ધોવાઈ ગયા છે અને રેલવે ટ્રેકને ભારે નુકસાન પહોંચ્યું છે, જેને પગલે હજારો મુસાફરો અધવચ્ચે ફસાઈ ગયા છે. સ્થિતિ એટલી ગંભીર બની ચૂકી છે કે માયાનગરી મુંબઈ હાલ એક ટાપુમાં ફેરવાઈ ગઈ હોય તેવા દૃશ્યો સર્જાયા છે. બીજી તરફ માત્ર મુંબઈ જ નહીં પરંતુ દેશના અન્ય હિસ્સાઓમાં પણ અતિભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાઓને કારણે ભારે તારાજીના અહેવાલો મળી રહ્યા છે.

સતત ત્રણ દિવસથી ભારે વરસાદ

સતત ત્રણ દિવસથી વરસી રહેલા અવિરત વરસાદે મુંબઈ અને તેના આસપાસના વિસ્તારોની રફતાર પર બ્રેક લગાવી દીધી છે. ભારે વરસાદના કારણે દેશની આર્થિક રાજધાનીને ભારતના અન્ય ભાગો સાથે જોડતાં મુખ્ય માર્ગો ધોવાઈ ગયા છે અને રેલવે લાઇનોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, જેના કારણે હજારો યાત્રી ફસાઈ ગયા છે.

ભારે વરસાદના કારણે સોમવાર સવાર સુધીમાં મુંબઈ-પૂણે એક્સપ્રેસવે, મુંબઈ-અમદાવાદ હાઇવે અને મુંબઈ-કોંકણ રૂટ કાં તો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે અથવા તેના પર કડક નિયંત્રણો લગાવવામાં આવ્યા હતા, જેના કારણે ઈન્ટરસિટી મુવમેન્ટ લગભગ અટકી ગયો હતો.

મુંબઈ-અમદાવાદ હાઇવે પર ટ્રાફિક જામ

મુંબઈ-અમદાવાદ હાઇવે પર પાણી ભરાઈ જવાના કારણે ટ્રાફિક જામ સર્જાયો છે. વહીવટી તંત્ર દ્વારા પૂરના પાણીનો નિકાલ કરવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ પાણીનું સ્તર વધુ હોવાના કારણે વાહનોની અવરજવર અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે. બીજી તરફ કોંકણ રૂટ પર નાગોઠણે નજીક પરિસ્થિતિ વધુ વણસી છે. અહીં રસ્તાઓ પર ભારે પાણી ભરાઈ જવાના કારણે મુસાફરો છેલ્લા 24 કલાક કરતાં પણ વધુ સમયથી ફસાયેલા છે.

IMD દ્વારા ઑરેન્જ ઍલર્ટ જાહેર

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા મુંબઈમાં અતિભારે વરસાદ અને તેજ પવન ફૂંકાવાની આશંકા વ્યક્ત કરીને 'ઑરેન્જ ઍલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે સાવચેતીના ભાગરૂપે મુંબઈની તમામ સરકારી, પ્રાઇવેટ તેમજ સિવિક સ્કૂલો અને કૉલેજોમાં મંગળવારે રજા જાહેર કરી દેવામાં આવી છે.

નાસિકમાં મંદિરો બંધ

IMDએ મહારાષ્ટ્રના ત્ર્યંબકેશ્વર, ઈગતપુરી અને જિલ્લાના આસપાસના પશ્ચિમી વિસ્તારોમાં વાદળ ફાટવાની ચેતવણી આપી છે. આ ગંભીર ચેતવણીને પગલે નાસિમાં હાઇ ઍલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. સાવચેતીના પગરૂપે તંત્ર દ્વારા તમામ સ્કૂલો, કૉલેજો, સાપ્તાહિક બજારો તેમજ પ્રસિદ્ધ ત્ર્યંબકેશ્વર અને સપ્તશ્રૃંગી માતાજીના મંદિર સહિતના મોટા મંદિરોને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

કાશ્મીરમાં આભ ફાટ્યું

મહારાષ્ટ્ર ઉપરાંત જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના થાત્રી વિસ્તારમાં પણ વાદળ ફાટ્યું છે. વાદળ ફાટ્યા બાદ આવેલા પાણીના પ્રચંડ પ્રવાહની ઝપેટમાં આવવાના કારણે અનેક વાહનો અને મકાનોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. આ કુદરતી હોનારતને પગલે સ્થાનિક રસ્તાઓ પર મોટા પ્રમાણમાં કાટમાળ અને કાદવ જમા થઈ ગયો છે.

ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી

IMDએ સમગ્ર ઓડિશામાં મંગળવાર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ખરાબ હવામાનના કારણે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

હિમાચલ પ્રદેશમાં પણ વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે કાંગડા, મંડી, સિરમૌર અને શિમલા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની સંભાવના છે. આ ઉપરાંત ઉના, બિલાસપુર, હમીરપુર, સોલન અને કુલ્લુ જિલ્લામાં પણ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.