નવાં
ડિપાર્ટમેન્ટ સ્ટ્રકચરનો ત્રણ વર્ષથી અમલ નહિ
બોર્ડર
ચેક પોસ્ટની કામગીરી તથા વાહનોનું રજિસ્ટ્રેશન, વાહન માલિકોના નામ ટ્રાન્સફર વિગેરે
કાર્યો ખોરવાશે
મુંબઇ
- મહારાષ્ટ્ર આરટીઓના કર્મચારીઓએ
મંગળવારથી રાજ્યવ્યાપી હડતાળનું એલાન આપ્યું છે. લાંબા સમયથી પડતરણ માંગણીઓના
સમર્થનમાં આરટીઓ કર્મચારીઓએ હડતાળ પર ઉતરવાનો નિર્ણય જાહેર કર્યો છે. મહારાષ્ટ્ર
મોટર વેહિકલ ડિપાર્ટમેન્ટ એમ્પ્લોયીઝ યુનિયનની ઇમર્જન્સી બેઠકમાં અમુદતી આંદોલનનો
નિર્ણય લેવાયો હતો.
યુનિયનના મહામંત્રી સુરેન્દ્ર સરતાપેએ મુંબઇમાં મીડિયાને
સંબોધન કરતા કહ્યું કે અમારા પ્રશ્નોનો ઉકેલ લાવવા અમે સરકાર અને વહીવટીતંત્રને
વધુમાં વધુ સમય આપ્યો છે. જો કે અમને ફક્ત ખાતરીઓ આપવામાં આવે છે અને વહીવટીતંત્ર
અડચણો ઉભી કરે છે. નિર્ણાયક,
સકારાત્મક પગલું ભરવા સરકાર પર દબાણ લાવવા અમુદતી હડતાળ જ એક માત્ર
વિકલ્પ બચ્યો છે. ડિપાર્ટમેન્ટ માટે નવુ સંસ્થાકીય માળખાને રાજ્ય સરકારે મંજૂરી
આપ્યાના સાડા ત્રણ વર્ષ પછી પણ 'સર્વિસ રિક્રૂટમેન્ટ રુલ્સ'
નોટિફાય કરવામાં વિભાગ નિષ્ફળ રહ્યો છે. આ મુદ્દો સરકાર અને યુનિયન
વચ્ચે વિવાદનો મુદ્દો છે.
તમામ
આરટીઓ અને બોર્ડર ચેક પોસ્ટસ પરના ૧૪૦૦થી
વધુ ક્લેરિકલ સ્ટાફ ૧૬મી જૂન મંગળવારથી બેમુદતી પેનડાઉન હડતાળ પર ઉતરશે. છેલ્લા
ચાર વર્ષથી પ્રમોશન મળ્યા નથી તે પણ તેમની એક ડિમાન્ડ છે.
મહારાષ્ટ્રના
ટ્રાન્સપોર્ટ પ્રધાન પ્રતાપ સરનાઇકે સાથે કેટલીક બેઠકો થઇ હતી અને ટ્રાન્સપોર્ટ
કમિશનર રાજેશ નાર્વેકરને પીટિશન પણ આપવામાં આવી હતી તેમ છતાં કોઇ પરિણામ આવ્યું નથી તેવું મોટર વાહન વિભાગ
કર્મચારી સંગઠનના મહામંત્રીએ કહ્યું હતું. તેમણે ચેતવણી આપી હતી કે આ વખતે અમને
તાત્કાલિક નિવારણ જોઇએ જે નહીં તો હડતાળ લંબાશે અને રાજ્યના તમામ આરટીઓ અને બોર્ડર
ચેકપોસ્ટસ પરનું કામ પ્રભાવિત થશે.
વાહનોનું
રજિસ્ટ્રેશન, વાહન માલિકના નામની ટ્રાન્સફર, પરમિટ સંબંધી કામ, ડ્રાઇવિંગ લાયસન્સ સર્વિસિસ,
અને અન્ય ટ્રાન્સપોર્ટ વિભાગ સંબંધી દસ્તાવેજોના પ્રોસેસિંગ કાર્યો
હડતાળના પગલે ખોરવાશે. નાગરિકો, કમર્શિઅલ વાહનોના ડ્રાઇવરો અને ટ્રાન્સપોર્ટ વ્યવસાયિકોને અગવડ પડશે.
વહીવટીતંત્ર
પર જે મુદ્દાઓનો ઉકેલ આવી શકે તેવા પ્રશ્નોમાં પણ બિનજરૃરી વિલંબ કરવામાં આવે છે
તેવો દાવો યુનિયનના નેતાઓએ કર્યો હતો.


