Mumbai

માથેરાનના શાર્લોટ લેકમાં સફાઈની મહેનતને બદલે ખાલી કરી નખાયું

By GS Team
15 Aug 20262 mins read
TukuTouch Logo
માથેરાનના શાર્લોટ લેકને ખાલી કરી દેવાતા પ્રવાસીઓને નિરાશા મળી છે. તંત્રએ કચરો તારવવાને બદલે દરવાજા ખોલી નાખ્યા, જેથી પર્યટકોની સીઝન અને સ્થાનિકોની પાણીની તકલીફ વધી છે. અમૃત-02 યોજના હેઠળ 5 કરોડનું ભંડોળ મંજૂર થયું હોવા છતાં, ગાળ કાઢવાને બદલે લેક ખાલી કરાયું. 15 ઓગસ્ટના બુકિંગ રદ થતા, પ્રશાસને આની ગંભીર નોંધ લીધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

માથેરાનના શાર્લોટ લેકમાં સફાઈની મહેનતને બદલે ખાલી કરી નખાયું

તંત્રની આળસને પાપે ટૂરિસ્ટ સીઝનને ફટકો

કચરો તારવવાને બદલે બધા દરવાજા ખોલી નખાયાઃ  બે દિવસથી પાણીની ખેંચ

મુંબઇ -  હિલ- સ્ટેશન માથેરાન ફરવા આવતા ટુરિસ્ટો માટે આકર્ષણરૃપ રહેલા શાર્લોટ લેકને ખાલી કરી નાખવામાં આવતા ટુરિસ્ટ સીઝનમાં ફટકો પડશે અને સ્થાનિકોએ પાણીની તકલીફ ભોગવવી પડે એવી શક્યતા છે.

હરિયાળી અને ટેકરીઓની વચ્ચે આવેલું શાર્લોટ લેક છલકાયા પછી પાણીના ધોધ પડવા માંડે તેનો આનંદ લેવા માટે પર્યટકો થનગનતા હોય છે. પરંતુ છેલ્લા ચાર દિવસ દરમિયાન તળાવના દરવાજા ખોલી નાખીને ખાલી કરી નાખવામાં આવ્યું છે.

આ લેક માથેરાન નગર- પરિષદની માલિકીનું છે. કેન્દ્ર સરકારની 'અમૃત-૦૨' યોજના  અંતર્ગત શાર્લોટ લેકના સંવર્ધન માટે પાંચ કરોડ રૃપિયાનું ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ તળાવમાંથી ૨૬૦૦ બ્રાસ માટી અને ગાળ કાઢી તેનો ઉપયોગ માથેરાનના રસ્તા પર પાથરવા માટે અને ગેળિયન વોલ બનાવવાને થવાનો હતો. પરંતુ લેકમાંથી ગાળ ઉલેચવાની મહેનત કરવાને બદલે વરસાદના પાણી સાથે માટી અને ગાળ વહ્યા જાય એવા હેતુથી દરવાજા ખોલી નાખવામાં આવતા તળાવ તળિયાઝાટક થઇ ગયું છે.

લેકમાં પાણીનો સંગ્રહ થાય છે તે મહારાષ્ટ્ર જીવન પ્રાધિકરણના અખત્યારમાં આવે છે. પ્રાધિકરણના અધિકારી અને માજી નગરાધ્યક્ષ મનોજ ખેડકરે આ રીતે લેકમાંથી પાણી છોડવાનો વિરોધ કર્યો હતો છતાં આદેશ સામે દુર્લક્ષ કરીને ૧૦મી ઓગસ્ટે પાણી છોડવામાં આવ્યું હતું.

શાર્લોટ લેટ ખાલી કરવામાં આવ્યાની ઘટનાની જિલ્લા પ્રશાસને ગંભીર નોંધ લીધી હોવાથી આને માટે જવાબદાર હોય તેની સામે પગલાં લેવામાં આવે એવી શક્યતા છે.

૧૫ ઓગસ્ટની રજાઓનાં બૂકિંગ રદ

શનિવારે ૧૫મી ઓગસ્ટની રજા અને રવિવારની રજાનો મેળ કરી અનેક લોકોએ માથેરાન જવાનો પ્લાન કરી હોટેલોમાં બુકિંગ કરાવ્યું હતું. આવાં જ એક પુણેના પર્યટકે જણાવ્યું હતું. કે ૧૫મી ઓગસ્ટે  માથેરાન જવા માટે  અગાઉથી હોટેલમાં ચાર રૃમ બુક કરાવી લીધી હતી. પરંતુ શાર્લોટ લેક ખાલી કરી નાખવામાં આવ્યું છે એવી ખબર પડતાંની સાથે જ અમે માથેરાન જવાનું કેન્સલ કર્યું હતું. હવે અમે મહાબળેશ્વર જશું.

માથેરાન પહોંચેલા મુંબઇના એક ટુરિસ્ટે કહ્યું હતું કે અમે તો ચોમાસામાં છલકાયેલા શાર્લોટ લેકનું નયનરમ્ય સૌંદર્ય જોઇને આકર્ષાયા હતા. પણ અહીં આવીને જ્યારે તળાવ ખાલી જોયું ત્યારે અમે નિરાશ થયા હતા.

માથેરાનના એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું કે લેક ખાલી કરી નાખવામાં આવતા માથેરાનમાં  છેલ્લાં બે દિવસથી પાણીનો પ્રોબ્લેમ ઉભો થયો છે. કેટલીક હોટેલોમાં પણ પાણી નથી. આ રીતે લેક ખાલી કરવાનો નિર્ણય લઇને નગર- પરિષદે સ્થાનિક રહેવાસીઓ અને ટુરિસ્ટોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. માથેરાનને મહારાષ્ટ્ર જીવન પ્રાધિકરણ દ્વારા ઉલ્હાસ નદીમાંથી પાણી ખેંચી પમ્પ દ્વારા માથેરાન પહોંચાડવામાં આવે છે. ઉપરાંત શાર્લોટ લેકના પાણીનો પણ ઉપયોગ થાય છે. હવે લેક ખાલી થતા પાણીની ખેંચ ઉભી થઇ છે.